નેપાળ હિંસાની અસર ભારતમાં દેખાઈ, કોંગ્રેસના કાર્યાલયમાં તોડફોડ, આગચંપી બાદ તણાવ
પ્રતિકાત્મક તસવીર |
Nepal and India News : નેપાળ હિંસાની જ્વાળાઓ હવે ભારતીય સરહદ સુધી પહોંચી ગઈ છે. બુધવારે ઝુલાઘાટ અને ધારચુલાને અડીને આવેલા નેપાળી વિસ્તારો દાર્ચુલા અને બૈતાડીમાં પણ દેખાવ થયા. દાર્ચુલામાં દેખાવકારોએ કોંગ્રેસ અને એમાલેના કાર્યાલયોમાં તોડફોડ કરી. આ દરમિયાન આગચંપી પણ કરવામાં આવી હતી જેના લીધે વિસ્તારમાં તણાવ ફેલાયો હતો.
નેપાળમાં શું-શું થયું?
ભ્રષ્ટાચાર અને સોશિયલ મીડિયા પર પ્રતિબંધ સામે વિરોધની ચિંગારી સાથે મંગળવારે બીજા દિવસે પણ નેપાળ સળગતું રહ્યું. પરિસ્થિતિ એટલી વણસી ગઈ કે દેખાવકારોએ સંસદ ભવન, રાષ્ટ્રપતિ ભવન અને સુપ્રીમ કોર્ટને આગ ચાંપી દીધી. વડા પ્રધાન કેપી શર્મા ઓલીના વ્યક્તિગત નિવાસસ્થાનથી લઈને ઘણા મંત્રીઓ અને નેતાઓના ઘરો અને કાર્યાલયો સુધી તોડફોડ અને આગચંપી થઈ. સરકારે ગુસ્સા સામે ઝૂકવું પડ્યું અને વડા પ્રધાન ઓલીએ રાજીનામું આપ્યું.
હિંસાની આંચ ભારતીય સરહદ સુધી પહોંચી
ઝુલાઘાટ આંતરરાષ્ટ્રીય પુલથી લગભગ 25 કિમી દૂર બૈતાડીના સાહિલેક બજારમાં સન્નાટો છવાઈ ગયો હતો. અહીંના યુવાનોએ સોશિયલ મીડિયા પર લાદવામાં આવેલા પ્રતિબંધનો વિરોધ કર્યો. બૈતાડીના એક સ્થાનિકે જણાવ્યું હતું કે દેખાવ દરમિયાન દેખાવકારોએ બજાર બંધ કરાવ્યું હતું. તેમણે બજારમાં સરઘસ કાઢીને સરકાર સામે ગુસ્સો વ્યક્ત કર્યો હતો.
આગચંપી બાદ સૈન્યની કડકાઈ
પિથોરાગઢના ધારચુલાને અડીને આવેલા નેપાળના દાર્ચુલામાં પણ હોબાળો થયો હતો. એક સ્થાનિકે જણાવ્યું હતું કે લગભગ 11 વાગ્યે લોકો દાર્ચુલા બહુમુખી કેમ્પસમાં એકઠા થયા હતા. દેખાવકારોએ દાર્ચુલા બજારમાં સરઘસ કાઢ્યું હતું. તેઓ સીડીઓ ઓફિસ પર પણ પહોંચ્યા અને પથ્થરમારો કર્યો હતો. બપોરે 2 વાગ્યાની આસપાસ દેખાવકારો હિંસક બન્યા અને કોંગ્રેસ અને યુએમએલ-માઓવાદી કાર્યાલયમાં તોડફોડ કરી. નેપાળ પોલીસ અને સશસ્ત્ર પોલીસ દળની સંયુક્ત ટીમ ઘટનાસ્થળે પહોંચી, પરંતુ તેઓ દેખાવકારો સામે લાચાર દેખાયા.