દેશના અનેક રાજ્યોમાં ભારે વરસાદનું IMDનું એલર્ટ, ઉત્તરાખંડમાં ભૂસ્ખલન તો UP-MPમાં પૂરનો ખતરો
Summarized by AI; it may make mistakes. Check important info
Summarized by AI; it may make mistakes. Check important info

IMD Rain Alert : દેશભરમાં ચોમાસું ફરી એકવાર જોર પકડી રહ્યું છે અને હવામાન વિભાગે 31 ઓગસ્ટે ઉત્તરાખંડ, ઉત્તર પ્રદેશ, બિહાર, ઝારખંડ, પશ્ચિમ બંગાળ, ઓડિશા, છત્તીસગઢ અને મધ્ય પ્રદેશ સહિત દેશના અનેક રાજ્યોમાં ભારેથી અતિભારે વરસાદની આગાહી વ્યક્ત કરી છે. પૂર્વીય અને મધ્ય ભારતમાં સિસ્ટમ સક્રિય થવાના કારણે ગાજવીજ, વીજળીના કડાકા અને તેજ પવનો ફૂંકાવાની શક્યતા છે, જ્યારે દરિયાકાંઠાના વિસ્તારોમાં ભારે પવનને ધ્યાને રાખી માછીમારોને સાવચેત રહેવા જણાવાયું છે.
ઉત્તર પ્રદેશ: ભારે વરસાદ અને પૂરનું જોખમ
ઉત્તર પ્રદેશમાં પશ્ચિમી અને પૂર્વીય બંને ભાગોમાં સાર્વત્રિક વરસાદની સંભાવના છે. ખાસ કરીને પૂર્વી ઉત્તર પ્રદેશમાં ભારેથી અતિભારે વરસાદને કારણે સાવચેતી રાખવાની ચેતવણી અપાઈ છે. લખનઉ, મેરઠ, ગાઝિયાબાદ, આગ્રા, કાનપુર, પ્રયાગરાજ, વારાણસી, ગોરખપુર, અયોધ્યા અને સોનભદ્ર સહિતના જિલ્લાઓમાં વાવાઝોડા સાથે વરસાદ પડી શકે છે. લખનઉમાં મહત્તમ તાપમાન 32 ડિગ્રી અને લઘુત્તમ 26 ડિગ્રી સેલ્સિયસ રહેવાનો અંદાજ છે. આ તરફ મહારાજગંજ જિલ્લામાં નારાયણી (ગંડક) નદીનું જળસ્તર 1.70 લાખ ક્યુસેક પાર પહોંચતાં પૂરનું જોખમ વધી ગયું છે અને તંત્ર એલર્ટ મોડ પર છે.
બિહાર: 6 જિલ્લાઓમાં પૂરનું એલર્ટ
બિહારના મોટાભાગના વિસ્તારોમાં હળવાથી મધ્યમ અને કેટલાક સ્થળોએ ભારે વરસાદ પડી શકે છે. પટના, મુઝફ્ફરપુર, વૈશાલી, દરભંગા, સમસ્તીપુર, નાલંદા, ભાગલપુર, પૂર્ણિયા અને કિશનગંજ સહિતના વિસ્તારોમાં વાદળછાયું વાતાવરણ અને ગાજવીજ સાથે વરસાદની શક્યતા છે. પટનામાં મહત્તમ તાપમાન 33 ડિગ્રી અને લઘુત્તમ 27 ડિગ્રી સેલ્સિયસ આસપાસ રહેશે. નેપાળમાં ભારે વરસાદ બાદ ગંગા અને ગંડક નદીઓના જળસ્તરમાં વધારો થતાં બિહારના 6 જિલ્લાઓમાં એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે, જ્યારે પટનામાં ગંગા નદીનો દીઘા ઘાટ ડૂબી જતાં લોકોને નદી કિનારે ન જવાની સલાહ આપવામાં આવી છે.
દિલ્હી-NCR: ગરમી અને હળવા વરસાદ વચ્ચે ટ્રાફિકની મુશ્કેલી
રાજધાની દિલ્હીમાં વાદળછાયા વાતાવરણ સાથે કેટલાક સ્થળોએ ટૂંકા ગાળા માટે ભારે વરસાદ અને 50 થી 60 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાઈ શકે છે. તેમ છતાં મોટાભાગના વિસ્તારોમાં ગરમી અને બફારાનો માહોલ રહેશે. દિલ્હીમાં મહત્તમ તાપમાન 35 થી 37 ડિગ્રી અને લઘુત્તમ તાપમાન 25 થી 27 ડિગ્રી સેલ્સિયસ રહેવાની સંભાવના છે. ભારે વરસાદની સ્થિતિમાં રસ્તાઓ પર પાણી ભરાવા અને વાહનવ્યવહાર પ્રભાવિત થવાની શક્યતા રહેશે.
ઉત્તરાખંડ: ભૂસ્ખલનની ચેતવણી અને પહાડી માર્ગો પર જોખમ
ઉત્તરાખંડના પર્વતીય અને મેદાની વિસ્તારોમાં હવામાન ખરાબ રહેવાની શક્યતા છે. અલમોડા, ચમોલી, રુદ્રપ્રયાગ, પિથોરાગઢ, નૈનીતાલ, હરિદ્વાર, ઋષિકેશ અને ઉત્તરકાશી સહિતના વિસ્તારોમાં 40 થી 50 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે ફૂંકાતા પવન સાથે ભારે વરસાદનું એલર્ટ છે. પહાડી વિસ્તારોમાં ભારે વરસાદના કારણે ભૂસ્ખલન, રસ્તા બંધ થવા અને નદી-નાળાઓનું જળસ્તર વધવાની શક્યતા હોવાથી પ્રવાસીઓને સંવેદનશીલ રસ્તાઓ પર મુસાફરી ટાળવા જણાવાયું છે. દહેરાદૂનમાં મહત્તમ તાપમાન આશરે 27 ડિગ્રી અને લઘુત્તમ 23 ડિગ્રી સેલ્સિયસ રહેશે.
હિમાચલ પ્રદેશ: 4 દિવસનું યલો એલર્ટ અને મોટું નુકસાન
હિમાચલ પ્રદેશમાં શિમલા હવામાન કેન્દ્ર દ્વારા 31 ઓગસ્ટથી 3 સપ્ટેમ્બર સુધી ભારે વરસાદનું યલો એલર્ટ જારી કરવામાં આવ્યું છે. રાજ્યમાં ચોમાસા દરમિયાન વરસાદ સંબંધિત ઘટનાઓમાં 30 જૂનથી અત્યાર સુધીમાં આશરે 103 લોકોના મોત થયા છે અને અંદાજે 1,184 કરોડ રૂપિયાનું નુકસાન થયું છે, તેથી પ્રવાસીઓને હાલ યાત્રા મોકૂફ રાખવા ચેતવણી અપાઈ છે.
મધ્ય પ્રદેશ: સતત વરસાદથી મંદાકિની નદીમાં પૂર
મધ્ય પ્રદેશમાં સતત 18 કલાક પડેલા ભારે વરસાદના કારણે ચિત્રકૂટ, સતના, છતરપુર, ટીકમગઢ અને પન્ના જિલ્લામાં પૂર જેવી સ્થિતિ સર્જાઈ છે. ચિત્રકૂટમાં મંદાકિની નદી 30 ફૂટની ઊંચાઈએ વહી રહી હોવાથી તંત્ર દ્વારા એલર્ટ જારી કરવામાં આવ્યું છે. મુખ્યમંત્રી મોહન યાદવ (Mohan Yadav) એ મંદાકિની અને સિહાવલ નદીના કિનારે આવેલા પૂરગ્રસ્ત વિસ્તારોની મુલાકાત લઈને સ્થિતિની સમીક્ષા કરી છે.
રાજસ્થાન: વરસાદનું જોર ઘટશે અને બફારો વધશે
રાજસ્થાનમાં 31 ઓગસ્ટે ઉત્તર ભારતની સરખામણીએ ચોમાસું ઓછું સક્રિય રહેશે અને ભારે વરસાદની કોઈ મોટી ચેતવણી નથી. જયપુર, બિકાનેર, કોટા, ચુરુ, અજમેર, ઉદયપુર, જેસલમેર અને જોધપુર જેવા વિસ્તારોમાં ગરમી અને બફારો યથાવત રહેશે. જયપુરમાં મહત્તમ તાપમાન 33 ડિગ્રી અને લઘુત્તમ 24 ડિગ્રી સેલ્સિયસ રહેવાનો અંદાજ છે, જોકે કેટલાક સ્થળોએ સ્થાનિક વાદળો સર્જાતા હળવા ઝાપટાં પડી શકે છે.
છત્તીસગઢ અને ઓડિશા: અતિભારે વરસાદનું એલર્ટ
છત્તીસગઢ અને ઓડિશાના મોટાભાગના વિસ્તારોમાં ભારેથી અતિભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. 31 ઓગસ્ટે છત્તીસગઢમાં કેટલાક સ્થળોએ અત્યંત ભારે વરસાદ થવાની શક્યતા છે, જેના કારણે નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાવાની સમસ્યા ઊભી થઈ શકે છે.
પશ્ચિમ બંગાળ, સિક્કિમ અને પૂર્વોત્તર રાજ્યો
ગંગાના મેદાની વિસ્તારો ધરાવતા પશ્ચિમ બંગાળ, સિક્કિમ અને ઝારખંડમાં ભારે વરસાદની સંભાવના છે. આ ઉપરાંત અસમ, મેઘાલય, અરુણાચલ પ્રદેશ, નાગાલેન્ડ, મણિપુર, મિઝોરમ અને ત્રિપુરા જેવા પૂર્વોત્તર રાજ્યોમાં પણ આગામી દિવસોમાં મધ્યમથી ભારે વરસાદ ચાલુ રહેવાની હવામાન વિભાગે આગાહી કરી છે.
દક્ષિણ ભારત અને દરિયાકાંઠાના વિસ્તારો
આંધ્ર પ્રદેશ, તમિલનાડુ, પુડુચેરી તેમજ આંદામાન અને નિકોબાર ટાપુઓના કેટલાક ભાગોમાં 40 થી 50 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાવાની અને ગાજવીજ સાથે વાવાઝોડું આવવાની શક્યતા છે. દરિયામાં કરંટ વધવાની શક્યતા જોતાં સ્થાનિક તંત્ર દ્વારા માછીમારો અને કિનારાના લોકોને સાવચેત રહેવા નિર્દેશ અપાયા છે.




