IMD Predicts, El Niño: દેશમાં આ વખતે ચોમાસાને લઈને હવામાન વિભાગે ચિંતાજનક એલર્ટ જાહેર કર્યું છે. ભારતીય હવામાન વિભાગ (IMD)એ ચોમાસા અંગે ચિંતા વ્યક્ત કરી છે. IMDએ સંભાવના વ્યક્ત કરી છે કે 2026નું દક્ષિણ-પશ્ચિમ ચોમાસું સામાન્ય કરતા નબળું રહી શકે છે. જેનો અર્થ એ છે કે વરસાદ ઓછો થશે. હવામાન વિભાગ (IMD) મુજબ, જૂન થી સપ્ટેમ્બર વચ્ચે દેશભરમાં વરસાદ લોંગ પીરિયડ એવરેજ (LPA)ના 92 ટકા રહેવાનો અંદાજ છે, જે 'બિલો નોર્મલ' (સામાન્યથી ઓછું) શ્રેણીમાં આવે છે. સાથે જ હવામાન વિભાગે અલ નીનો સર્જાવાની આશંકા પણ વ્યક્ત કરી છે, જેનાથી ચોમાસા પર વધુ દબાણ વધી શકે છે.
નબળા ચોમાસા તરફ ઈશારો
વર્ષ 2026ના દક્ષિણ-પશ્ચિમ ચોમાસા અંગે જાહેર કરાયેલા લાંબા ગાળાના પૂર્વાનુમાનમાં આ વખતે દેશભરમાં સામાન્ય કરતા ઓછો વરસાદ થવાની સંભાવના વ્યક્ત કરવામાં આવી છે. હવામાન વિભાગ મુજબ આ વર્ષે ચોમાસાની સિઝન (જૂન થી સપ્ટેમ્બર) દરમિયાન કુલ વરસાદ દીર્ઘકાલીન સરેરાશ (LPA)ના લગભગ 92 ટકા રહી શકે છે. આ અંદાજમાં પ્લસ માઈનસ 5 ટકાની ભૂલ શક્ય છે, એટલે કે વાસ્તવિક વરસાદ 87 ટકા થી 97 ટકાની વચ્ચે રહી શકે છે. એટલે કે વાસ્તવિક વરસાદ આનાથી થોડો ઉપર-નીચે થઈ શકે છે, પરંતુ પ્રારંભિક સંકેતો નબળા ચોમાસા તરફ ઈશારો કરી રહ્યા છે.
દેશમાં વરસાદી સિઝનમાં જોવા મળશે અસમાનતા
હવામાન વૈજ્ઞાનિકોના જણાવ્યા અનુસાર, 1971 થી 2020ના આંકડાઓના આધારે દેશમાં ચોમાસાનો સરેરાશ વરસાદ 87 સેમી માનવામાં આવે છે. આવી સ્થિતિમાં 2026નો અંદાજ આ સરેરાશથી નીચે રહેવા તરફ સંકેત આપે છે. આ સ્થિતિ કૃષિ, જળ સંસાધનો અને ગ્રામીણ અર્થતંત્ર પર અસર કરી શકે છે, ખાસ કરીને એવા વિસ્તારોમાં જ્યાં વરસાદ પર નિર્ભરતા વધુ છે. જો કે પૂર્વોત્તર ભારત, ઉત્તર-પશ્ચિમના કેટલાક ભાગો અને દક્ષિણ દ્વીપકલ્પના વિસ્તારોમાં સામાન્ય અથવા તેનાથી વધુ વરસાદ થઈ શકે છે. આ પ્રાદેશિક અસમાનતા ચોમાસાના વિતરણને પ્રભાવિત કરી શકે છે.
અલ નીનો ચોમાસાને નબળું પાડે છે
એપ્રિલ થી જૂન 2026 વચ્ચે ભૂમધ્યરેખીય પ્રશાંત મહાસાગરમાં ENSO (એલ નીનો-સધર્ન ઓસિલેશન)ની સ્થિતિ તટસ્થ રહેવાની શક્યતા છે. પરંતુ જૂન પછી અલ નીનો જેવી પરિસ્થિતિઓ વિકસી શકે છે, જે સામાન્ય રીતે ભારતમાં ચોમાસાને નબળું પાડે છે. સાથે જ પ્રચંડ ગરમી પણ લોકોની હાલત ખરાબ કરી શકે છે. બીજી તરફ, જો અલ નીનો સંપૂર્ણ રીતે વિકસિત થાય છે, તો વરસાદમાં ધાર્યા કરતાં વધુ ઘટાડો જોવા મળી શકે છે. હિંદ મહાસાગરમાં હાલમાં ઇન્ડિયન ઓશન ડાઇપોલ (IOD) ની સ્થિતિ તટસ્થ બનેલી છે, પરંતુ ચોમાસાના અંત સુધીમાં તે સકારાત્મક થવાની સંભાવના છે. સકારાત્મક IOD સામાન્ય રીતે ચોમાસા માટે સાનુકૂળ માનવામાં આવે છે અને તે અલ નીનોની નકારાત્મક અસરોને અમુક અંશે સંતુલિત કરી શકે છે એટલે કે તેને ઠારી શકે છે.
આ પણ વાંચો: ઈરાન યુદ્ધની અસર ! ભારતમાં મોંઘવારી વધી, માર્ચ મહિનામાં રિટેલ ફુગાવો 3.4% પર પહોંચ્યો
મે મહિનામાં આવશે હવામાનની સ્થિતિનું મેજર અપડેટ
જાન્યુઆરી થી માર્ચ 2026 દરમિયાન ઉત્તર ગોળાર્ધ અને યુરેશિયામાં બરફથી ઢંકાયેલો વિસ્તાર સામાન્ય કરતા થોડો ઓછો રહ્યો છે. આ સ્થિતિ ચોમાસા માટે સાનુકૂળ માનવામાં આવે છે, કારણ કે તેનાથી જમીન અને સમુદ્રના તાપમાનમાં તફાવત વધે છે, જે ચોમાસુ પવનોને મજબૂતી આપે છે. એવું માનવામાં આવે છે કે આ પૂર્વાનુમાન પછી હવામાન વિભાગ મે 2026માં બીજું અપડેટ જાહેર કરશે, જેમાં વધુ સ્પષ્ટતા આવવાની આશા છે.
જો કે ભારતની વર્ષા ઋતુને હિન્દ મહાસાગરમાં થતા ફેરફાર સાથે પણ સીધો સંબંધ છે. આ ફેરફારને હવામાનની ભાષામાં ઇન્ડિયન ઓશન ડાયપોલ(આઇ.ઓ.ડી.) કહેવાય છે.સાથોસાથ યુરોપ ખંડમાં બરફનું પ્રમાણ અને સ્થાનિક પરિબળોને પણ ધ્યાનમાં લેવાં જરૂરી છે. કહેવાનો અર્થ એ છે કે ભારતના ચોમાસા માટે ફક્ત અલ નીનો કે લા નીના ઉપરાંત પણ અન્ય કુદરતી પરિબળોને પણ ધ્યાનમાં રાખવાં જરૂરી હોય છે.


