ધોમધખતા ઉનાળા વચ્ચે દેશભરમાં થશે વાતાવરણ પલટો, ગુજરાત સહિત અનેક રાજ્યોમાં વાવાઝોડા સાથે વરસાદની આગાહી
Weather News : મે મહિનાની શરૂઆતથી હવામાન બદલાયું છે. દેશના કેટલાક ભાગોમાં તડકાની સાથે, તોફાન અને વરસાદ પણ જોવા મળી રહ્યો છે. કેટલાક વિસ્તારોમાં વરસાદથી લોકોને ગરમીથી રાહત મળી છે. આ દરમિયાન, ભારતીય હવામાન વિભાગે આગાહી કરી છે કે, આગામી દિવસોમાં દેશના ઘણા ભાગોમાં વરસાદ ચાલુ રહેશે. આગામી 24 કલાક દરમિયાન ઉત્તર પશ્ચિમ ભારતમાં મહત્તમ તાપમાનમાં ઘટાડો થઈ શકે છે.
હવામાન વિભાગની આગાહી
હવામાન વિભાગે આગાહી કરી છે કે, 5 મે સુધી મહારાષ્ટ્ર, મધ્યપ્રદેશ, છત્તીસગઢમાં હળવો વરસાદ થઇ શકે છે. 4 મેના રોજ ઓડિશા, ઝારખંડ, પશ્ચિમ બંગાળના કેટલાક ભાગો અને બિહારના કેટલાક વિસ્તારોમાં ભારે વાવાઝોડા અને કરા પડવાની પણ શક્યતા છે. રાજધાની દિલ્હી અને NCR માટે યલો એલર્ટ જારી કરવામાં આવ્યું છે.
ઉત્તર ભારતના રાજ્યોમાં કેવું હશે વાતાવરણ?
3 થી 6 મે દરમિયાન જમ્મુ-કાશ્મીર, લદાખ, મુઝફ્ફરાબાદ, હિમાચલ પ્રદેશ અને ઉત્તરાખંડમાં હળવાથી મધ્યમ વરસાદ અને વાવાઝોડા સાથે ભારે પવન ફૂંકાય તેવી શક્યતા છે. 3 મેના રોજ હિમાચલ પ્રદેશમાં કરા પડવાની અને 4 મેના રોજ ઉત્તરાખંડ અને જમ્મુ-કાશ્મીરમાં ભારે વાવાઝોડાની ચેતવણી આપવામાં આવી છે. આ ઉપરાંત પંજાબ, હરિયાણા, ચંદીગઢ, ઉત્તર પ્રદેશ અને રાજસ્થાનમાં પણ વરસાદ અને ભારે પવન સાથે વાવાઝોડાની શક્યતા છે.
ગુજરાત અને દક્ષિણના રાજ્યોમાં કેવું હશે વાતાવરણ?
ગુજરાત, કોંકણ, ગોવા, મહારાષ્ટ્રમાં 3 થી 8 મે દરમિયાન વાવાઝોડા અને ભારે પવન ફૂંકાય તેવી શક્યતા છે. જ્યારે દક્ષિણ ભારતના રાજ્યો કર્ણાટક, આંધ્રપ્રદેશ, તેલંગાણા, કેરળ, તમિલનાડુ, પુડુચેરી અને આસપાસના વિસ્તારોમાં આગામી સાત દિવસ સુધી વાવાઝોડા સાથે હળવાથી મધ્યમ વરસાદની આગાહી છે. 5 અને 6 મેના રોજ ઉત્તર આંતરિક કર્ણાટકમાં કરા પડવાની શક્યતા છે અને 3 અને 6 મેના રોજ દક્ષિણ આંતરિક કર્ણાટકમાં ભારે વરસાદની શક્યતા છે.
IMDએ શું કહ્યું?
IMD એ જણાવ્યું હતું કે, આગામી 24 કલાકમાં ઉત્તર પશ્ચિમ ભારતમાં મહત્તમ તાપમાન 2 થી 4 ડિગ્રી સેલ્સિયસ ઘટશે. આ પછી, આગામી ત્રણ દિવસ સુધી કોઈ ખાસ ફેરફાર થશે નહીં, પરંતુ તે પછી 2-3 ડિગ્રીનો વધારો થઈ શકે છે. તે જ સમયે, મધ્ય અને પશ્ચિમ ભારતમાં પણ તાપમાનમાં ઘટાડો જોવા મળી શકે છે.