ઉ. પ્રદેશની નેપાળ સરહદે ગેરકાયદે મસ્જિદો મદરેસાનો રાફડો, યોગીનું બુલડોઝર ફરી વળ્યું
- પાંચ જિલ્લાઓમાં દબાણ હટાવો અભિયાન શરૂ
- શ્રાવસ્તીમાં 41 મદરેસા સીલ, કુલ 139 ધાર્મિક સ્થળો સામે પગલા, બહરાઇચમાં 133 ઇમારતો હટાવાઇ
- સિદ્ધાર્થનગરમાં 14 નોંધણી વગરના મદરેસા અને સરકારી જમીન પર બનેલી ત્રણ મસ્જિદો સામે કાર્યવાહી
લખનઉ : ઉત્તર પ્રદેશની યોગી સરકારે રાજ્યોમાં ચાલી રહેલા ગેરકાયદે મદરેસા તેમજ ગેરકાયદે મસ્જિદો સામે ડિમોલિશન ડ્રાઇવર સહિતની કાર્યવાહી શરૂ કરી છે. ખાસ કરીને નેપાળ સરહદ પાસે આવેલા જિલ્લાઓમાં મોટાપાયે આ અભિયાન ચાલી રહ્યું છે. રાજ્યનો પોલીસ અને રેવન્યૂ વિભાગ દ્વારા સંયુક્ત ઓપરેશન શરૂ કરાયું છે. જેમાં ગેરકાયદે મદરેસા, મસ્જિદોની ઓળખ કરાય છે. મુખ્યમંત્રી યોગી આદિત્યનાથના આદેશ પર આ કાર્યવાહી શરૂ કરાઇ છે.
એક સત્તાવાર સરકારી નિવેદનમાં જણાવવામાં આવ્યું છે કે ગુરુવારે શ્રાવસ્તી જિલ્લામાં પાંચ ગેરકાયદે મદરેસાને સીલ કરી દેવામાં આવ્યા હતા. જે સાથે જ જિલ્લામાં સીલ કરાયેલા મદરેસાની સંખ્યા વધીને ૪૧ પર પહોંચી છે. જ્યારે ભિંડા તાલુકાના ભરથા અને રોશન ગામમાં સરકારી જમીન પર બનેલી મસ્જિદને તોડી પાડવામાં આવી હતી. આ જિલ્લામાં ૧૩૯ ગેરકાયદે કબજા છોડાવાયા હતા. જ્યારે બલરામપુરમાં આઠ મદરેસા અને ત્રણ ગેરકાયદે મઝારના બાંધકામ કરનારાઓને નોટિસ પાઠવવામાં આવી હતી. બહરાઇચમાં બુધવારે અને ગુરુવારે આઠ દબાણો દૂર કરાયા હતા. જે સાથે જ આ જિલ્લામાં ગેરકાયદે ઇમારતો દૂર કરવામાં આવી તેની સંખ્યા વધીને ૧૩૩એ પહોંચી હતી.
સિદ્ધાર્થનગર જિલ્લામાં ત્રણ ગેરકાયદે મસ્જિદો અને ૧૪ નોંધણી વગરના મદરેસા સહિત કુલ ૧૭ જેટલા ગેરકાયદે ધાર્મિક સ્થળો સામે પગલા લેવામાં આવ્યા હતા. રાજ્યની નેપાળ સરહદે જમીનો પર ગેરકાયદે કબજાનું પ્રમાણ વધી રહ્યું છે. ખાસ કરીને મહારાજગંજ જિલ્લામાં સ્થિત ભારત-નેપાળ સરહદે સરકારી જમીનો પર કબજો કરી લેવાયો છે. જ્યાં મસ્જિદો, મદરેસા અને મઝારો બનાવી દેવામાં આવી હોવાની માહિતી સરકારને મળી હતી. જે બાદ આ અભિયાન શરૂ કરવામાં આવ્યું હતું. અહીંયા ૮૪ કિમી સુધી નેપાળ અને ભારત સરહદ આવેલી છે. મોટાભાગના ગેરકાયદે મદરેસા નેપાળથી ૧૫ કિમી દૂર છે ત્યાં વધુ આકરા પગલા લેવામાં આવી રહ્યા છે.