તમારી પુત્રી પરણિત છે તો બીજાની પુત્રીઓને સન્યાસી કેમ બનાવો છો

Updated: Oct 2nd, 2024


Google NewsGoogle News
તમારી પુત્રી પરણિત છે તો બીજાની પુત્રીઓને સન્યાસી કેમ બનાવો છો 1 - image


- સદગુરુ તરીકે ઓળખાતા જગ્ગી વાસુદેવને હાઇકોર્ટનો સવાલ

- કોર્ટના આદેશ બાદ 150 પોલીસનો કાફલો જગ્ગીના આશ્રમમાં ત્રાટક્યો, દસ્તાવેજો અને ત્યાં રહેતા લોકોની ચકાસણી કરી

- મારી બન્ને પુત્રીઓનું બ્રેઇનવોશ કરી આશ્રમમાં રખાઇ, અમારો સંપર્ક પણ તોડી નખાયો : પિતાની હાઇકોર્ટમાં આજીજી

- અધ્યાત્મ માતા પિતાથી સંપર્ક તોડીને તેમને તરછોડી દેવાનું નથી કહેતો, આવુ કરવું તે તો પાપ ગણાય છે : હાઇકોર્ટ

કોઇમ્બતોર : સદગુરુ તરીકે ઓળખાતા જગ્ગી વાસુદેવ ફરી વિવાદોમાં આવ્યા છે. તામિલનાડુની કોર્ટના આદેશ બાદ ૧૫૦ પોલીસના કાફલાએ જગ્ગી વાસુદેવના ઇશા ફાઉન્ડેશન પર દરોડા પાડયા હતા. આ દરોડામાં પોલીસ જવાનોની સાથે ત્રણ ડીએસપી પણ જોડાયા હતા. સંસ્થામાં તમામ દસ્તાવેજો અને ત્યાં રહેતા લોકોના ઓળખપત્રો સહિતની ચકાસણી કરી હતી. હાઇકોર્ટમાં હેબીઅસ કોર્પસ પિટિશન દાખલ થઇ હતી. નિવૃત્ત પ્રોફેસર ડો. એસ કામરાજે પોતાની અરજીમાં દાવો કર્યો હતો કે મારી પુત્રીઓને તેમની મરજી વિરુદ્ધ આશ્રમમાં બંધક બનાવી રખાઇ છે.  

પ્રોફેસરે એવો પણ દાવો કર્યો હતો કે જગ્ગી વાસુદેવની સંસ્થા મહિલાઓનું બ્રેઇનવોશ કરીને તેમને સાધવી બનાવી રહી છે. સાથે જ તેમના પરિવાર સાથેનો સંપર્ક પણ તોડાવી નાખે છે. હાઇકોર્ટે આ દાવાની નોંધ લીધી હતી અને જગ્ગી વાસુદેવને સવાલ કર્યો હતો કે તમારી પુત્રીએ લગ્ન કર્યા છે અને ઘરસંસારવાળુ જીવન જીવી રહી છે તો પછી તમે અન્ય યુવા વયની મહિલાઓને આશ્રમમાં રહેવા કે મુંડન કરાવવા વગેરે કેમ કહે છે? બીજાની પુત્રીઓને સન્યાસી કેમ બનાવો છો? 

પ્રોફેસર ડો. એસ કામરાજે પિટિશનમાં પોતાની પુત્રીઓ અંગે પણ વિગતો જાહેર કરી હતી, તેમણે જણાવ્યંસ હતું કે તેમની બન્ને પુત્રીઓ ૪૨ વર્ષીય ગીતા અને ૩૯ વર્ષીય લતા કામરાજ શિક્ષિત છે. ગીતાએ પ્રખ્યાત યુકે યુનિવર્સિટીમાંથી મિકેટ્રોનિક્સમાં માસ્ટર કર્યું છે, ૨૦૦૮માં છૂટાછેડા પહેલા તેનો બહુ મોટો પગાર હતો, બાદમાં તે જગ્ગીની સંસ્થાના યોગા ક્લાસમાં જોડાઇ અને સંસ્થામાં જ રહેવા લાગી. બીજી પુત્રી લતા સોફ્ટવેજ એન્જિનિયર હતી પણ બહેનની જેમ તેણે પણ બધુ છોડીને સંસ્થામાં રહેવાનું નક્કી કર્યું. સંસ્થા ત્યા રહેતા લોકોને એવી દવા અને ભોજન આપે છે કે વ્યક્તિ પોતાના જ્ઞાાનનો ઉપયોગ નથી કરી શકતો અને પરિવારથી ધીરે ધીરે દૂર કરી દેવાય છે.

પ્રોફેસરે અરજીમાં કહ્યું હતું કે ઇશા ફાઉન્ડેશન સાથે જોડાયેલા એક ડોક્ટર પર એક આદિવાસી શાળાની ૧૨ વિદ્યાર્થિનીના શારીરિક શોષણનો આરોપ છે, પોક્સો હેઠળ આ કેસ નોંધાયો હતો. કોર્ટમાં પ્રોફેસરની પુત્રીઓ હાજર રહી હતી જેમણે દાવો કર્યો હતો કે મરજીથી જ અધ્યાત્મનો રસ્તો અપનાવ્યો છે. બાદમાં હાઇકોર્ટના ન્યાયાધીશ સુબ્રમણ્યમે સામે સવાલ કર્યો હતો કે જો અધ્યાત્મનો જ રસ્તો અપનાવ્યો હોય તો માતા પિતાથી સંબંધ કેમ તોડયો, માતા પિતાને તરછોડવા પાપ છે. અત્યાત્મ શીખવે છે કે તમામ લોકોને પ્રેમ કરો. પરંતુ અહીંયા તો તમે માતા પિતાનું કોઇ જ સન્માન નથી જાળવી રહ્યા. બાદમાં કોર્ટનું ધ્યાન દોરાયું હતું કે જગ્ગી વાસુદેવની સંસ્થા સામે અનેક કેસો દાખલ છે. જેને પગલે હાઇકોર્ટે તમામ કેસોની વિગતો માગી હતી. હાઇકોર્ટના આ આદેશ બાદ કોઇમ્બતોરના એસપીએ  તપાસ રિપોર્ટ માગ્યો હતો, તેથી પોલીસે દરોડા પાડયા હતા. દરમિયાન ઇશા ફાઉન્ડેશને આ તમામ આરોપોને જુઠા ગણાવ્યા હતા.


Google NewsGoogle News