'રાહુલ ગાંધીનું માનતા રહેશો તો કોંગ્રેસ ખતમ થઈ જશે', દિલ્હીની પદયાત્રામાં ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ નીતિન નબીનનું નિવેદન
Summarized by AI; it may make mistakes. Check important info
Summarized by AI; it may make mistakes. Check important info

BJP Leader Nitin Nabin Attacks Rahul Gandhi: દિલ્હીમાં યોજાયેલી 'લોકતંત્ર બચાવો, અરાજકતા હટાવો' પદયાત્રા દરમિયાન ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ નીતિન નબીને કોંગ્રેસ અને લોકસભામાં વિપક્ષના નેતા રાહુલ ગાંધી પર તીખા પ્રહાર કર્યા છે. તેમણે કહ્યું કે, દેશમાં લોકશાહી વડાપ્રધાન નરેન્દ્ર મોદીના સુરક્ષિત હાથોમાં છે. દેશના 140 કરોડ લોકો પીએમ મોદીનો પરિવાર છે, અને જો કોંગ્રેસના નેતાઓ સતત રાહુલ ગાંધીનું માનતા રહેશે, તો કોંગ્રેસ પાર્ટી એક દિવસ સંપૂર્ણપણે ખતમ થઈ જશે.
'લોકશાહીના મૂળિયાં ખૂબ જ મજબૂત'
નવી દિલ્હીના ચાંદની ચોક સ્થિત ભગવાન મહાવીરના પવિત્ર સ્થાનથી પદયાત્રા શરૂ કરતા નીતિન નબીને જણાવ્યું કે, ભાજપના કાર્યકર્તાઓ સત્તામાં હોય કે વિપક્ષમાં, હંમેશા રસ્તા પર ઉતરીને જનતા માટે સંઘર્ષ કરે છે. તેમણે કોંગ્રેસ પર પ્રહાર કરતા કહ્યું કે, કેટલાક નેતાઓ એક પરિવારની ઈચ્છાઓને દેશનો કાયદો બનાવવાનો પ્રયાસ કરે છે, પરંતુ ભારતીય લોકશાહીના મૂળિયાં એટલા મજબૂત છે કે, ઇમરજન્સી પછી પણ જનતાએ તેને સાબિત કરી બતાવ્યું છે.
'મતદાર યાદીમાંથી ઘૂસણખોરોના નામ હટશે'
નીતિન નબીને દાવો કર્યો કે, ભાજપના કાર્યકર્તાઓ મતદાર યાદી શુદ્ધ કરવા માટે તૈયાર છે. દરેક ભારતીય નાગરિકનું નામ મતદાર યાદીમાં સામેલ થશે અને ઘૂસણખોરોના નામ યાદીમાંથી હટાવવામાં આવશે. આ સાથે તેમણે કોરોના મહામારી દરમિયાન વિપક્ષની ગેરહાજરી પર પણ સવાલો ઉઠાવ્યા હતા. ઉલ્લેખનીય છે કે, 1 નવેમ્બરે રામલીલા મેદાન ખાતે કોંગ્રેસની મહારેલી પહેલા ભાજપે આ પદયાત્રા શરૂ કરીને વિપક્ષ સામે મોરચો માંડ્યો છે.




