| (IMAGE - IANS) |
Justice Ujjal Bhuyan on Transfer: સુપ્રીમ કોર્ટના જસ્ટિસ ઉજ્જલ ભુઈયાએ ન્યાયતંત્રની આંતરિક કામગીરી અને જજોની બદલીની પ્રક્રિયા(કોલેજિયમ સિસ્ટમ) પર ગંભીર સવાલો ઉઠાવીને કાયદાકીય જગતમાં ખળભળાટ મચાવી દીધો છે. પુણેની આઈ.એલ.એસ. લો કોલેજમાં વ્યાખ્યાન દરમિયાન તેમણે સ્પષ્ટ શબ્દોમાં જણાવ્યું કે, 'ન્યાયતંત્રની સ્વતંત્રતા માટે સૌથી મોટું જોખમ હવે બહારથી નહીં પણ અંદરથી જ પેદા થઈ રહ્યું છે.' તેમણે મધ્યપ્રદેશ હાઈકોર્ટના જસ્ટિસ અતુલ શ્રીધરનના કિસ્સાનો ઉલ્લેખ કરતા કહ્યું કે, 'કોઈ જજને માત્ર એટલા માટે બદલી દેવા કે તેણે સરકાર વિરુદ્ધ કોઈ અસુવિધાજનક આદેશ આપ્યો હોય, તે ન્યાયતંત્રની ગરિમાને ઠેસ પહોંચાડે છે.'
સરકારી દખલગીરી અને કોલેજિયમ પર સવાલ
જસ્ટિસ ભુઈયાએ એ વાત પર દુઃખ વ્યક્ત કર્યું કે, જસ્ટિસ શ્રીધરનની બદલીમાં કેન્દ્ર સરકારના સૂચન મુજબ ફેરફાર કરવામાં આવ્યા હતા. પહેલા તેમને છત્તીસગઢ મોકલવાની ભલામણ હતી, પરંતુ બાદમાં સરકારના કહેવા પર તેમને અલ્લાહાબાદ હાઈકોર્ટ મોકલી દેવાયા. જસ્ટિસ ભુઈયાએ સવાલ કર્યો કે જ્યારે કોલેજિયમ પોતે જ સ્વીકારે છે કે સરકારના કહેવાથી નિર્ણય બદલાયો છે, ત્યારે ન્યાયતંત્રની સ્વતંત્રતા પર શંકા જાય છે. તેમણે ભારપૂર્વક જણાવ્યું કે જજોની બદલીમાં સરકારની કોઈ ભૂમિકા હોવી જોઈએ નહીં; આ સંપૂર્ણપણે ન્યાયતંત્રનું કામ છે.
ન્યાયિક કડકાઈ અને બદલીનો વિવાદ
જસ્ટિસ ઉજ્જલ ભુઈયાએ આ વિવાદના મૂળમાં રહેલી ઘટનાનો ઉલ્લેખ કરતા જણાવ્યું કે, મે મહિનામાં જસ્ટિસ અતુલ શ્રીધરનની બેન્ચે ભાજપના એક મંત્રી દ્વારા કરવામાં આવેલી વાંધાજનક ટિપ્પણી બદલ કડક વલણ અપનાવ્યું હતું. આ ન્યાયિક કાર્યવાહીના ટૂંકા સમયગાળામાં જ તેમની બદલી કરવામાં આવતા કાયદાકીય નિષ્ણાતો તેને સરકારની નારાજગીના પરિણામ અથવા એક પ્રકારની 'સજા' તરીકે જોઈ રહ્યા છે. આ કિસ્સો ન્યાયતંત્રમાં કાર્યપાલિકાના વધતા હસ્તક્ષેપ તરફ આંગળી ચીંધે છે.
લોકશાહીના માળખા સામે જોખમ
તેમણે વધુમાં ચેતવણી આપી હતી કે, જો દેશમાં સરકારના ઈશારે જજોની બદલીઓ થવા લાગશે, તો તે ન્યાયતંત્રની સ્વાયત્તતા અને આઝાદી સામે સૌથી મોટું જોખમ સાબિત થશે. ન્યાયતંત્રની સ્વતંત્રતા સાથે આવું સમાધાન લોકશાહીના મૂળભૂત માળખાને નબળું પાડી શકે છે. જસ્ટિસ ભુઈયાના મતે, જ્યારે ન્યાયિક નિર્ણયોને આધારે બદલીઓ થાય છે, ત્યારે તે માત્ર એક જજની કારકિર્દીને જ નહીં, પરંતુ સમગ્ર ન્યાય પ્રણાલીની વિશ્વસનીયતાને પણ નુકસાન પહોંચાડે છે.
લોકોનો ભરોસો જ ન્યાયતંત્રની સાચી તાકાત
ન્યાયતંત્રના પાયા વિશે વાત કરતા તેમણે કહ્યું કે અદાલતો પાસે ન તો પૈસા છે અને ન તો શારીરિક તાકાત; તેમની પાસે માત્ર લોકોનો અતૂટ ભરોસો છે. જો આ ભરોસો તૂટી જશે તો લોકશાહીમાં કંઈ જ બચશે નહીં. તેમણે જજોને બંધારણીય નૈતિકતાનું પાલન કરવા અને કોઈપણ ડર કે પક્ષપાત વગર કામ કરવાની સલાહ આપી છે. જસ્ટિસ ભુઈયાએ સ્વીકાર્યું કે કોલેજિયમ સિસ્ટમમાં સુધારાની જરૂર હોઈ શકે છે, પરંતુ તેની ઈમાનદારી અને સ્વતંત્રતાને દરેક ભોગે બચાવવી અનિવાર્ય છે.


