સામાન્ય ઝઘડામાં છૂટાછેડાને મંજૂરી આપીશું તો કોઇના લગ્ન નહીં ટકે
- છૂટાછેડાના કેસમાં અલ્લાહાબાદ હાઇકોર્ટની મહત્ત્વની ટકોર
- લગ્નેત્તર સંબંધોના આરોપો લગાવી બધુ કોર્ટ પર ના છોડો, દરેક ઝઘડાને ક્રૂરતા ના માની શકાય : હાઇકોર્ટ
લખનઉ : અલ્લાહાબાદ હાઇકોર્ટે પતિ-પત્ની વચ્ચેના ઝઘડા અને છૂટાછેડાને લઇને એક મહત્વપૂર્ણ ટિપ્પણી કરી હતી. હાઇકોર્ટે કહ્યું હતું કે સામાન્ય ઝઘડાને પણ જો અમે ક્રૂરતા માનીને છૂટાછેડાને માન્યતા આપવા લાગીશું તો કોઇના લગ્ન નહીં ટકે અને હરકોઇ છૂટાછેડા લેવા આવી જશે. પતિ-પત્નીના એક વિવાદની અરજીની સુનાવણી દરમિયાન હાઇકોર્ટે આ ટિપ્પણી કરી હતી.
આ કેસમાં પતિએ આરોપ લગાવ્યો હતો કે મારી પત્નીએ લગ્નના થોડા જ સમય બાદ લગ્ન નિભાવવાની ના પાડી દીધી હતી, મારા માતા પિતાની સાથે પણ ઝઘડો કર્યો હતો. મને ચોર ગણાવીને મારી મારપીટ માટે ભીડ એકઠી કરી હતી. જ્યારે પત્નીએ આરોપ લગાવ્યો હતો કે મારા પતિના તેની ભાભી સાથે સંબંધ છે. મારા પતિ પણ મારા પર અત્યાચાર ગુઝારી રહ્યા છે. આ આરોપો સાથે ફેમેલી કોર્ટમાં પતિ દ્વારા છૂટાછેડાની અરજી કરવામાં આવી હતી. જોકે ફેમેલી કોર્ટે અરજીને નકારી દીધી હતી. જેથી બાદમાં હાઇકોર્ટમાં અપીલ કરવામાં આવી હતી. ૨૦૧૩માં બન્નેના લગ્ન થયા અને માત્ર છ જ મહિનામાં બન્ને અલગ થઇ ગયા હતા.
હાઇકોર્ટે પતિ-પત્નીના સામાન્ય વિવાદો પર નજર કરતા કહ્યું હતું કે જો કોર્ટો સામાન્ય વિવાદો અને ઝઘડાઓને જ ક્રૂરતાનો આધાર માનવા લાગશે તો એવા કેસો કે જ્યાં પતિ કે પત્ની સંબંધનો આનંદ નહીં લઇ રહ્યા હોય તેઓ પણ કોર્ટમાં છૂટાછેડા લેવા માટે પહોંચી જશે. આ સાથે જ હાઇકોર્ટે પત્ની અને પતિ બન્નેને ટકોર કરતા કહ્યું હતું કે તમે ક્રૂરતાના કે અન્યો સાથે સંબંધોના એકબીજા પર જે આરોપો લગાવો છો તે માત્ર કલ્પનાના આધારે ના હોવા જોઇએ, આવા આરોપોની કલ્પના તમે કોર્ટ પર ના નાખી શકો. નોંધનીય છે કે સહમતીથી છૂટાછેડા માટે પતિ-પત્ની બન્ને તૈયાર ના હોય અને એક પક્ષે છૂટાછેડા લેવા હોય તો કોર્ટમાં ક્રૂરતા સાબિત કરવી પડે છે. જેને પગલે હાઇકોર્ટે આ ટિપ્પણી કરી હતી. હાલમાં આ કેસમાં હાઇકોર્ટે છૂટાછેડાને સીધા માન્યતા આપવાની ના પાડી દીધી હતી પણ ન્યાયિક રુપે બન્નેને અલગ રહેવાનો આદેશ આપ્યો હતો.