જો યુદ્ધ વિસ્તરી પ્રાદેશિક યુદ્ધ બની રહેશે તો ચીન, બાંગ્લાદેશ અને તૂર્કી પણ ભારત માટે ભયરૂપ બની શકે
- ડીફેન્સ એક્ષપર્ટે ઉચ્ચારેલી ચેતવણી
- અમેરિકાના ઉપ-પ્રમુખ જે.ડી. વાન્સે તો પરમાણુ યુદ્ધ થવાની સંભાવના દર્શાવી છે, ત્યારે કર્નલ (તિ.) સંજિત સિરોહી કેટલીક કુઠાર સંભાવના પ્રત્યે પણ ધ્યાન દોરે છે
નવીદિલ્હી, : ખ્યાતનામ ડીફેન્સ અને ફોરેન રીલેશન્સ એક્ષપર્ટ કર્નલ (તિ.) સંજિત સિરોહીએ ન્યૂઝ-૨૪ને આપેલા એક્સક્લુઝિવ ઇન્ટરવ્યૂમાં કહ્યું હતું કે જો (ભારત અને પાકિસ્તાન વચ્ચે) યુદ્ધ વિસ્તરી પ્રાદેશિક યુદ્ધ બની જશે, તો ચાયના, બાંગ્લાદેશ અને તૂર્કી પણ ભારત માટે ભયરૂપ બની રહી શકે. તેઓની ઉપર વિશ્વાસ રાખી ન શકાય. ચીન અને બાંગ્લાદેશ તો ભારત માટે સીધી રીતે જ ભયરૂપ બની શકે તેમ છે. પરંતુ તૂર્કી પણ પાકિસ્તાનને શસ્ત્રાશસ્ત્રો પહોંચાડી ભયરૂપ બની શકે.
તેઓને જ્યારે પૂછવામાં આવ્યું કે અમેરિકાના ઉપપ્રમુખ જે.ડી. વાન્સે તો આ યુદ્ધ વ્યાપક બને તો તેમાં પરમાણુ શસ્ત્રોનો પણ ઉપયોગ થઈ શકે તેવી ભીતિ દર્શાવી હતી. તે વિષે આપને શું કહેવું છે ? તે તદ્દન અસ્વીકાર્ય કહેતાં કર્નલ (તિ.) સિરોહીએ કહ્યું હતું કે આ તબક્કે તેવી કોઈ સંભાવના દેખાતી નથી. પરંતુ ઉલ્લેખનીય છે કે ગઈ રાત્રિએ પાકિસ્તાને ભારતમાં ઘણાં સ્થળોએ મિસાઈલ હુમલા કરવા પ્રયત્નો કર્યા હતા. પરંતુ તે તદ્દન નકામા બનાવી દેવાયા હતા. તે ભારતની હવાઈ સંરક્ષણ શક્તિ દર્શાવે છે.
ભારતને સ્લીધ વિમાનોની અનિવાર્યતા છે કે કેમ ? તેવા પત્રકારોના પ્રશ્નના ઉત્તરમાં જણાવ્યું હતું કે કોઈ પણ દેશ માટે સ્લીધ વિમાનો તો જરૂરી જ છે અને તાજેતરમાં બનેલી ઘટનાઓએ તો તે વિમાનોની જરૂરિયાત સાબિત કરી આપી છે. હું આશા રાખું છું કે ભારતે ટૂંક સમયમાં જ અમેરિકી બનાવટનાં એફ-૩૫ ફાયટર જેટ વિમાનો ખરીદવા નિર્ણય લેવો જ જોઈએ. તેમજ રશિયા બનાવટનાં સુખાઈ એસ-યુ-૫૭ ખરીદવાં જ જોઈએ.