એર ટિકિટ 48 કલાકમાં કેન્સલ કરાવાય તો કેન્સલેશન ચાર્જ નહીં લાગે

- નવી ગાઇડલાઇન્સ અંગે 30 નવે. સુધી મંતવ્યો રજૂ કરી શકાશે
- બુકિંગ કરાવ્યાના ચોવીસ કલાકમાં પેસેન્જર તેના નામમાં કોઇ ભૂલ હોવાનું દર્શાવે તો તે એરલાઇન્સે વિનામૂલ્યે સુધારી આપવી પડશે
નવી દિલ્હી : દેશમાં નાગરિક ઉડ્ડયન વિભાગના નિયામક ડાયરેકટોરેટ જનરલ ઓફ સિવિલ એવિએશન- ડીજીસીએ- દ્વારા એરલાઇન્સ માટે સૂચવવામાં આવેલી નવી માર્ગદર્શિકા અનુસાર બુકિંગ કરાવ્યાના ૪૮ કલાકમાં કોઇ એર ટિકિટ કેન્સલ કરાવશે તો તેને કોઇ કેન્સલેશન ચાર્જ લાગશે નહીં. નવી ગાઇડલાઇન્સ અનુસાર રિફંડના નિયમો કડક બનાવવામાં આવશે અને કેન્સલેશન ચાર્જની પણ મર્યાદા નક્કી કરવામાં આવશે. આ સૂચિત ગાઇડલાઇન્સ વિશે ૩૦ નવેમ્બર સુધી નાગરિકોના વાંધાવચકાં ડીજીસીએ દ્વારા સ્વીકારવામાં આવશે અને તે પછી નવી પોલિસી જાહેર કરવામાં આવશે.
ડીજીસીએના માર્ગદર્શક રેખાઓના મુસદ્દા અનુસાર ૪૮ કલાકમાં ટિકિટ કેન્સલ કરવાની જોગવાઇને લુક ઇન વિન્ડો તરીકે ઓળખાવાઇ છે. અલબત્ત, જ્યારે ટિકિટ એરલાઇન્સની વેબસાઇટ પરથી સીધી બુક કરાવવામાં આવી હોય તો ડોમેસ્ટિક ફલાઇટ પાંચ દિવસમાં અને ઇન્ટરનેશનલ ફલાઇટ ૧૫ દિવસમાં રવાના થવાની હોય તો આ લુક ઇન વિન્ડોનો લાભ મળશે નહીં. વળી આ વિકલ્પ બુકિંગ કરાવ્યાના ૪૮ કલાક બાદ ઉપલબ્ધ રહેશે નહીં અને પેસેન્જરે એ પછી લાગુ પડતો કેન્સલેશન ચાર્જ ચૂકવવાનો રહેશે. બુકિંગ કરાવ્યાના ચોવીસ કલાકમાં પેસેન્જર તેના નામમાં કોઇ ભૂલ હોવાનું દર્શાવે તો તે કોઇ ચાર્જ લીધાં વિના સુધારી આપવી પડશે. આ ઉપરાંત એર ટિકિટ ક્રેડિટ કાર્ડ દ્વારા ખરીદવામાં આવી હોય તો એરલાઇન્સે સાત દિવસમાં રિફંડ આપવાનું રહેશે અને જો ટિકિટ રોક્ડેથી ખરીદવામાં આવી હોય તો જ્યાંથી ટિકિટ ખરીદવામાં આવી હોય તે એરલાઇન્સ ઓફિસે ત્યાં તત્કાળ નાણાં પરત કરવાના રહેશે. જો ટિકિટ એજન્ટ કે પોર્ટલ દ્વારા ખરીદવામાં આવી હોય તો રિફંડની રકમ ૨૧ દિવસમાં પરત કરવાની જવાબદારી એરલાઇન્સની રહેશે. વળી રિફંડની રકમ પણ એરલાઇન્સે તેની વેબસાઇટ પર દર્શાવવાની રહેશે. એરલાઇને બુકિંગ વખતે પણ કેન્સલેશન ચાર્જ સ્પષ્ટ જણાવવાના રહેશે. આ ચાર્જ બેસિક ફેર અને ફયુઅલ સરચાર્જ કરતાં કોઇપણ સંજોગોમાં વધુ ન હોવા જોઇએ.
નવી ગાઇડલાઇન્સના મુસદ્દા અનુસાર એરલાઇન્સે રિફંડ પ્રોસેસ કરવા માટે વધારાનો કોઇ ચાર્જ ન લેવો જોઇએ. આ દરખાસ્ત અનુસાર એરલાઇન્સે ટિકિટ ન વપરાય તો તેના પર લેવામાં આવેલાં તમામ પ્રકારના ટેક્સ પણ રિફંડ કરવાના રહેશે.આ જોગવાઇ તમામ પ્રકારની ટિકિટોને લાગુ પડશે. પ્રોમો અથવા સ્પેશ્યલ ફેરમાં બેસિક ફેર નોન રિફંડેબલ હોય છે. વળી એરલાઇન્સે પેસેન્જર કહે તે પ્રમાણે તેને રિફંડ ક્રેડિટ કરી આપવાનું રહેશે. તેમાં એરલાઇન્સની મનમાની નહીં ચાલે તેમ આ મુસદ્દામાં જણાવાયું છે.

