નમો ટુરિસ્ટ સેન્ટર બનાવ્યા તો તોડી નાખીશું, રાજ ઠાકરેની શિંદેને ખુલ્લી ધમકી

Raj Thackeray Open Threat To Eknath Shinde: મહારાષ્ટ્ર નવનિર્માણ સેના (MNS) પ્રમુખ રાજ ઠાકરેએ ડેપ્યુટી સીએમ એકનાથ શિંદેને ખુલ્લી ધમકી આપી છે. તેમણે કહ્યું કે, ઐતિહાસિક કિલ્લાઓ પર નમો ટુરિસ્ટ સેન્ટર બનાવ્યા તો તેને તોડી નાખીશું. એવા અહેવાલ હતા કે, રાજ્ય સરકારે આવા સેન્ટર માટે 20 કરોડ રૂપિયા મંજૂર કર્યા છે. આ ઉપરાંત ઠાકરેએ ચૂંટણીમાં EVMના ઉપયોગ પર પણ સવાલ ઉઠાવ્યા છે.
નમો ટુરિસ્ટ સેન્ટર બનાવ્યા તો તોડી નાખીશું
મીડિયા અહેવાલ પ્રમાણે ઠાકરેએ મુંબઈમાં આયોજિત એક કાર્યક્રમમાં મનસે કાર્યકર્તાઓને કહ્યું કે, 'કેટલાક અખબારોમાં એવા અહેવાલ છપાયા છે કે રાજ્ય સરકાર આપણા છત્રપતિ શિવાજી મહારાજના કિલ્લાઓ પર નમો ટુરિસ્ટ સેન્ટર બનાવવાની યોજના બનાવી રહી છે. આ શહેરી વિકાસ વિભાગ હેઠળ થઈ રહ્યું છે, જેનું નેતૃત્વ એકનાથ શિંદે કરી રહ્યા છે. તેમને એક નમો ટુરિસ્ટ સેન્ટર બનાવવા દો અમે તેને તોડી નાખીશું. આ સામાન્ય સ્થળ નથી. આ સ્થળ મહારાષ્ટ્ર માટે પવિત્ર છે.'
અહેવાલ પ્રમાણે શિંદે માટે તેમણે કહ્યું કે, 'માત્ર મુખ્યમંત્રી બની રહેવા માટે કેટલી ચાપલૂસીની જરૂર છે? કદાચ વડાપ્રધાનને પણ અંદાજો નહીં હોય કે અહીં કેટલી ખુશામત ચાલી રહી છે.'
EVM મુદ્દે વિપક્ષ સાથે એક થયા રાજ ઠાકરે
શિવસેના (UBT) પ્રમુખ ઉદ્ધવ ઠાકરે, NCP (SP) પ્રમુખ શરદ પવાર અને MNS અધ્યક્ષ રાજ ઠાકરે સહિત મહાવિકાસ આઘાડીના શીર્ષ નેતાઓ મતદાર યાદીઓમાં કથિત ગેરરીતિઓ સામે મુંબઈમાં 1 નવેમ્બરના રોજ યોજાનાર વિપક્ષના વિરોધ માર્ચનું નેતૃત્વ કરશે. ગુરુવારે ઉદ્ધવ ઠાકરે, રાજ ઠાકરે અને પવારે અહીં એક બેઠક કરી હતી, જેમાં સંયુક્ત રેલીની રૂપરેખાને અંતિમ સ્વરૂપ આપવામાં આવ્યું હતું. આ બેઠકમાં કોંગ્રેસના વરિષ્ઠ નેતા નસીમ ખાન, શેતકરી કામગાર પક્ષના જયંત પાટિલ અને ડાબેરી પક્ષોના નેતાઓ પણ હાજર રહ્યા હતા.
કોઈ એક નેતા મહત્વપૂર્ણ નથી
પૂર્વ મહારાષ્ટ્રમાં પોતાના વતન બુલઢાણામાં પત્રકારો સાથે વાત કરતા કોંગ્રેસના પ્રદેશ અધ્યક્ષ હર્ષવર્ધન સપકાલે કહ્યું કે અમારી પાર્ટી વિરોધ માર્ચનું સંપૂર્ણ સમર્થન કરે છે. જોકે, પોતે માર્ચમાં લેશે કે નહીં તે અંગેના સવાલોને ટાળી દીધા હતા. તેમણે કહ્યું કે, 'કોઈ એક નેતા મહત્વપૂર્ણ નથી. જે પણ જશે તે પાર્ટીનું પ્રતિનિધિત્વ કરશે. મહત્વની બાબત મતદાર યાદીઓને ભૂલ-મુક્ત કરવાની અને અપડેટેડ કરવાની માગ છે.' આ મુદ્દો (મતદાર યાદીઓમાં અનિયમિતતાનો) સૌપ્રથમ કોંગ્રેસ દ્વારા ઉઠાવવામાં આવ્યો હતો.


