જમ્મુ-કાશ્મીરમાં આઇઇડી વિસ્ફોટ : આર્મી કેપ્ટન સહિત બે જવાનો શહીદ
- એલઓસી પાસેના અખનૂર સેક્ટરમાં હુમલો
- છેલ્લા ચાર દિવસમાં સરહદ પારથી આતંકવાદીઓ દ્વારા કરવામાં આવેલા ત્રીજો હુમલો
જમ્મુ : જમ્મુ-કાશ્મીરના અખનૂરમાં મંગળવારે એક આતંકી હુમલામાં સેનાના કેપ્ટન સહિત બે જવાન શહીદ થયા છે. ભારતીય સેનાએ જણાવ્યું હતું કે એલઓસીની પાસે અખનૂર સેક્ટરમાં થયેલા આઇઇડી બ્લાસ્ટમાં ત્રણ સૈનિકો ઘાયલ થયા હતાં. જેમાંથી બે જવાનોના સારવાર દરમિયાન મોત થયા હતાં.
સૂત્રોના જણાવ્યા અનુસાર આ હુમલો એવા સમયે થયો હતો જ્યારે સૈનિક નિયંત્રણ રેખા પર પેટ્રોલિંગ કરી રહ્યાં હતાં. છેલ્લા ચાર દિવસમાં જમ્મુ વિસ્તારમાં આતંકવાદીઓ દ્વારા કરવામાં આવેલો ત્રીજો હુમલો છે.
ઉલ્લેખનીય છે કે એક દિવસ પહેલા જ વ્હાઇટ નાઇટ કોરના જનરલ ઓફિસર કમાન્ડિંગ અને લેફટનન્ટ જનરલ નવીન સચદેવાએ રાજૌરી જિલ્લામાં એલઓસી પર સરહદ પારથી થઇ રહેલ આતંકી પ્રવૃત્તિઓની સમીક્ષા કરી હતી.
ઘટનાની જાણ થતાં જ સેનાની સર્ચ ટીમ ઘટના સ્થળે પહોંચી ગઇ હતી અને સર્ચ ઓપરેશન શરૂ કરી દીધું હતું. સેનાએ બે દિવસ પહેલા જ રાજૌરી જિલ્લાના કેરી સેક્ટરમાં આતંકવાદીઓ તરફથી ગોળીબારની માહિતી મળી હતી.
સૂત્રોના જણાવ્યા અનુસાર આ હુમલો મંગળવાર બપોરે ૩.૩૦ કલાકે જમ્મુના ખૌૈર પોલીસ સ્ટેશનની હદમાં આવતા બટ્ટલ ક્ષેત્રમાં થયો હતો. નિયંત્રણ રેખા પર પેટ્રોલિંગ કરી રહેલા ત્રણ સૈનિકો વિસ્ફોટના શિકાર બન્યા હતાં.
ત્રીજા જવાનની હોસ્પિટલમાં સારવાર ચાલી રહી છે. સેનાની તરફથી એક્સ પર જણાવવામાં આવ્યું હતું કે વ્હાઇટ નાઇટ કોર બે વીર સૈનિકોના સર્વોચ્ચ બલિદાનને સલામ કરે છે અને શ્રદ્ધાંજલિ આપે છે.