ભારત-પાકિસ્તાન સંઘર્ષને પગલે મોકૂફ રખાયેલી CAની પરીક્ષાનું ICAI દ્વારા નવું શેડ્યૂલ જાહેર
CA Exam 2025: જમ્મુ-કાશ્મીરના પહલગામમાં 22 એપ્રિલે થયેલા આતંકવાદી હુમલામાં 26 લોકોના મોત બાદ ભારતીય સેનાએ 'ઓપરેશન સિંદૂર' હેઠળ પાકિસ્તાન અને PoKમાં સ્થિત 9 આતંકવાદી ઠેકાણાને ધ્વસ્ત કરી દીધા હતાં. ત્યારબાદ પાકિસ્તાની સેના દ્વારા ભારતના સરહદી વિસ્તારોમાં ગોળીબાર કરવામાં આવ્યો, જેનો ભારતે વળતો જવાબ આપ્યો અને ત્યારથી ભારત-પાકિસ્તાન વચ્ચે તણાવ શરૂ છે. આ તણાવને લઈને ઘણાં મહત્ત્વના નિર્ણય લેવાયા હતાં. જેમાંથી એક CAની પરીક્ષા મોકૂફ રાખવાનો પણ હતો. જોકે, હવે CA પરીક્ષાને લઈને મોટી અપડેટ સામે આવી છે. જેમાં ફાઇનલ અને ઇન્ટમીડિયેટ પરીક્ષા માટે નવી તારીખો જાહેર કરવામાં આવી છે.
નવી તારીખ કરાઈ જાહેર
ICAI (ઇન્સ્ટીટ્યૂટ ઑફ ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ ઑફ ઈન્ડિયા)એ જાહેરનામું બહાર પાડીને જાહેરાત કરી છે કે, દેશમાં સુરક્ષા સ્થિતિમાં અનુકૂળ ઘટનાક્રમોને ધ્યાને લઈ, હવે નિર્ણય લેવાયો છે કે, ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ ફાઇનલ, ઇન્ટરમીડિએટ અને INT-AT (PQC) પરીક્ષા જે પહેલાં 9 મે 2025 થી 14 મે 2025માં યોજાવાની હતી, તે હવે 16 મે 2025 થી 24 મે 2025 સુધી યોજાશે.
આ પણ વાંચોઃ ભારત-પાકિસ્તાન તણાવ વચ્ચે ICAIનો મોટો નિર્ણય, CAની પરીક્ષા આગામી નિર્ણય સુધી મોકૂફ
સુરક્ષા સ્થિતિને ધ્યાને રાખી પરીક્ષા મોકૂફ રખાઈ હતી
નોંધનીય છે કે, આ પહેલાં દેશમાં તણાવપૂર્ણ અને સુરક્ષા સંબંધિત પરિસ્થિતિને ધ્યાનમાં રાખીને, મે 2025માં યોજાનારી CA ફાઇનલ, ઇન્ટરમીડિયેટ અને પોસ્ટ ક્વોલિફિકેશન કોર્સ (PQC) ઇન ઇન્ટરનેશનલ ટેક્સેશન(INTT AT)ની બાકી રહેલી કેટલીક પરીક્ષાઓ નવમીથી 14મી મે દરમિયાન યોજાવાની હતી, તેને મોકૂફ રાખવામાં આવી હતી. જોકે, હવે આ પરીક્ષાને લઈને નવો ટાઇમટેબલ જાહેર કરવામાં આવ્યો છે.