IAS અધિકારીઓ હંમેશા IPS અને IFS પર પોતાનું વર્ચસ્વ જમાવવાનો પ્રયાસ કરે છેઃ સુપ્રીમ કોર્ટ
Supreme Court: સુપ્રીમ કોર્ટે બુધવારે IAS, IPS અને IFSના સિવિલ અધિકારીઓ વચ્ચે ચાલી રહેલી અહંકારની લડાઈમાં ઇન્ડિયન એડમિનિસ્ટ્રેટિવ સર્વિસ(IAS)ના અધિકારીઓને ફટકાર લગાવી હતી. સુપ્રીમ કોર્ટના જસ્ટિસ બીઆર ગવઈ અને જસ્ટિસ જ્યોર્જ મસીહની બેન્ચે ટિપ્પણી કરી હતી કે, IAS અધિકારીઓ હંમેશા IPS અને IFS અધિકારીઓ પર પોતાની સર્વોપરિતા બતાવવાનો પ્રયાસ કરે છે.
જસ્ટિસ ગવઈએ જણાવ્યું હતું કે, 'IAS હંમેશા IPS અને IFS પર પોતાનું વર્ચસ્વ જમાવવાનો પ્રયાસ કરે છે. આ નિવેદન મારા સરકારી વકીલ અને જસ્ટિસ તરીકેના અનુભવના આધારે છે. આ સંઘર્ષ તમામ રાજ્યોમાં છે. બીજી બાજુ IPS અને IFSમાં પણ એ વાતનો અહંકાર છે કે 'તેઓ એક જ કેડરના હોવા છતાં શા માટે IASનું સાંભળે.’
આ પણ વાંચોઃ ‘કોઈપણ જાતિ મંદિર પર માલિકીનો દાવો ન કરી શકે’ મદ્રાસ હાઈકોર્ટ મહત્ત્વની ટિપ્પણી
સુપ્રીમ કોર્ટે પર્યાવરણીય મામલાની સુનાવણી કરતી વખતે આ નિવેદન આપ્યું હતું. આ મામલો IAS અધિકારીઓ દ્વારા વન અધિકારીઓને તેમના આદેશનું પાલન કરવા મુદ્દેનો હતો. કેન્દ્ર સરકારના બીજા સૌથી વરિષ્ઠ કાયદા અધિકારી, સોલિસિટર જનરલ તુષાર મહેતાએ કોર્ટને ખાતરી આપી કે તે અધિકારીઓ વચ્ચેના આવા આંતરિક સંઘર્ષોને ઉકેલવાનો પ્રયાસ કરશે.