Get The App

ફાઈટર જેટ્સનાં પ્રોડકશનની ધીમી ગતિ અંગે IAF ચીફ એ.પી.સિંઘે ગંભીર ચિંતા દર્શાવી

Updated: Jan 9th, 2025

GS TEAM

Google News
Google News
ફાઈટર જેટ્સનાં પ્રોડકશનની ધીમી ગતિ અંગે IAF ચીફ એ.પી.સિંઘે ગંભીર ચિંતા દર્શાવી 1 - image

- ચીન અને પાકિસ્તાનની તેમ બંને તરફથી ભીતિ રહેલી છે, આથી ૪૨ સ્કવોડ્રનસ તો જોઇએ જ તે સામે માત્ર 31 સ્ક્વોડ્રન્સ છે

નવી દિલ્હી : ભારતને અત્યારે ફાઈટર જેટ્સની ઓછપ રહી છે. ચીન અને પાકિસ્તાન બંને તરફથી ભીતિ હોવાને લીધે આપણી પાસે ઓછામાં ઓછી ૪૨ સ્ક્વોડન્સ હોવી જોઇએ તેને બદલે અત્યારે આપણી પાસે માત્ર ૩૧ સ્ક્વોડ્રન્સ જ છે તેમ એર ચીફ માર્શલ એ.પી.સિંહે અહીં યોજાયેલા એક પરિસંવાદમાં જણાવ્યું હતું. આ સાથે તેઓએ ખેદ વ્યક્ત કરતાં જણાવ્યું હતું કે અત્યારે ફાઈટર જેટ્સનાં ઉત્પાદનની પણ ગતિ ધીમી રહી છે તે પણ ચિંતાજનક છે.

તેઓએ કહ્યું આ અંગે કેટલાક ટૂંકા ગાળાના ઉપાયો શોધવા જ રહ્યા, અને તેના ભાગ રૂપે આપણે વિદેશોમાંથી તત્કાળ પૂરતાં તો ફાયર જેટ્સ આયાત કરવાં પણ પડે.

આ સાથે આઇએએફના વડાએ આત્મનિર્ભરતા ઉપર પણ ભાર મુક્યો હતો. સાથે કહ્યું હતું કે જ્યારે આપણા વિરોધીઓ ઘણી મોટી સંખ્યામાં ફાઈટર જેટ્સની આગળ વધી રહ્યા છે ત્યારે ધીમી ગતિએ કામ કરવું અને રાહ જોયા કરવી પોસાય તેમ નથી.

આ પરિસંવાદમાં ઉપસ્થિત રહેલ ડીફેન્સ રીસર્ચ એન્ડ ડેવલપમેન્ટ ઓર્ગેનાઇઝેશનના વડા ડૉ. સમીર કે. કામથે કહ્યું હતું કે આપણે આપણાં સંરક્ષણ અંદાજપત્રના માત્ર ૫ ટકા જ રીસર્ચ એન્ડ ડેવલપમેન્ટ માટે ફાળવીએ છીએ. ખરેખર તો ૧૦થી ૧૫ ટકા તે માટે ફાળવવા જોઇએ જે નથી થતું. વાસ્તવમાં સિકસ્થ જનરેશન એન્જિન્સ બનાવવા માટે ૫.૬થી ૬ બિલિયન ડોલર્સની જરૂર છે. જે નથી મળતા.