- ઋષિ 4 કિલો રો ચોકલેટ લાવતો અને તેમાં 40 ગ્રામ હેશ ઓઈલ મિક્સ કરીને વિવિધ ફ્લેવરની ચોકલેટ બનાવતો હતો
હૈદરાબાદ, તા. 06 નવેમ્બર 2022, રવિવાર
હૈદરાબાદના પોલીસ કમિશનર સીવી આનંદે જણાવ્યું કે, અમેરિકન યુનિવર્સિટીમાંથી MBA કરી રહેલા 22 વર્ષના વિદ્યાર્થીની હૈદરાબાદમાં ડ્રગ્સ ધરાવતી ચોકલેટનું ઉત્પાદન અને સપ્લાય કરવા બદલ ધરપકડ કરવામાં આવી છે. આરોપીની ઓળખ ઋષિ સંજય મહેતા તરીકે કરવામાં આવી છે તેના માતા-પિતા હૈદરાબાદમાં ફાર્મા કંપનીના માલિક છે અને તે ખૂબ જ શ્રીમંત પરિવારનો છે. જ્યારે માતા-પિતા ઘરની બહાર હોય ત્યારે તે હેશ ઓઈલથી કાચી ચોકલેટને પકાવતો હતો અને ચોકલેટ બાર તૈયાર કરતો હતો. તેના ગ્રાહકો 18 થી 22 વર્ષની વયના યુવાનો હતા. તે સોશિયલ મીડિયા વ્હોટ્સએપ, ઈન્સ્ટાગ્રામ અને સ્નેપચેટ દ્વારા જાહેરાતો કરતો હતો અને ગ્રાહકો સાથે વાતચીત કરતો હતો.
ઋષિને કોલેજના દિવસોથી જ ડ્રગ્સની લત લાગી હતી. પહેલા તેણે ઈ-સિગારેટ, પછી બ્રાઉની વેચી અને હવે તે ડ્રગ્સ વાળી ચોકલેટ બાર વેચી રહ્યો હતો. તે 4 કિલો રો ચોકલેટ લાવતો અને તેમાં 40 ગ્રામ હેશ ઓઈલ મિક્સ કરીને વિવિધ ફ્લેવરની ચોકલેટ બનાવતો હતો.
પોલીસ કમિશનરે કહ્યું કે, તેણે આ વખતે 60 બાર બનાવ્યા હતા. દરેકની કિંમત 5000 થી 10,000 રૂપિયા હતી. બાળકો 2500-3000 રૂપિયામાં એક ટુકડો ખરીદતા હતા અને 6-7 કલાક નશામાં રહેતા હતા. ઈન્સ્ટાગ્રામ, સ્નેપચેટ, વ્હોટસએપ પર 'ખાદ્ય ઉપલબ્ધ હૈ' તેનો કોડવર્ડ હતો. પોલીસ કમિશનરે જણાવ્યું હતું કે યુવકો રોકડ અથવા ગૂગલ પે દ્વારા ચૂકવણી કરતા હતા અને ઉબેર અથવા રેપિડો દ્વારા ઓર્ડર ડિલિવરી કરતા હતા. રિશીના માતા-પિતાની ફાર્મા કંપની છે. જ્યારે તેમને ઋષિ વિશે જણાવવામાં આવ્યું ત્યારે તેઓ ચોંકી ગયા હતા.


