Get The App

મહિલા IRS અધિકારીએ કરાવ્યું લિંગ પરિવર્તન, અનુસૂયામાંથી સૂર્યા બનતા સરકારે પણ આવકાર્યો નિર્ણય

Updated: Jul 10th, 2024


Google NewsGoogle News
irs-officer-anusuya


Woman IRS Officer Changed her Gender: ભારતીય સિવિલ સર્વિસમાં આવી કોઈ ઘટના પહેલીવાર બની છે. ભારતીય મહેસૂલ સેવા (IRS)ની એક વરિષ્ઠ મહિલા અધિકારીએ પોતાનું લિંગ બદલ્યું છે. ઐતિહાસિક નિર્ણય લેતા નાણા મંત્રાલયે તમામ સત્તાવાર દસ્તાવેજોમાં તેનું નામ અને લિંગ બદલવાની વિનંતી સ્વીકારી લીધી છે. 

સરકારી રેકોર્ડમાં પણ નામ અને લિંગ બદલ્યા 

હૈદરાબાદમાં ચીફ કમિશનર ઑફ કસ્ટમ્સ એક્સાઇઝ એન્ડ સર્વિસ ટેક્સ એપેલેટ ટ્રિબ્યુનલ (CESTAT)માં જોઈન્ટ કમિશનર તરીકે ફરજ નિભાવતા એમ. અનુસૂયાએ લિંગ પરિવર્તન કરાવ્યું છે. ત્યારબાદ તેમણે નાણા મંત્રાલયમાં નામ બદલવાની તેમજ લિંગ કોલમમાં પણ સ્ત્રીના બદલે પુરુષ કરવાની વિનંતી કરી હતી. જે મંત્રાલય દ્વારા સ્વીકારી લેવામાં આવી હતી. તેમણે પોતાનું નામ એમ. અનુસૂયામાંથી અનુકથિર સૂર્યા કર્યું છે. 

ભોપાલથી સાયબર લો અને ફોરેન્સિક્સમાં પીજી ડિપ્લોમા

ડિસેમ્બર 2013માં સૂર્યાએ ચેન્નાઈમાં આસીસ્ટન્ટ કમિશનર તરીકે કાર્યભાર સંભાળ્યો હતો. ત્યારબાદ 2018માં તેઓ ડેપ્યુટી કમિશનર બન્યા, તેમજ હવે ગયા વર્ષે તેમનું પોસ્ટિંગ હૈદરાબાદ કરવામાં આવ્યું હતું. સૂર્યાએ ચેન્નઈમાં મદ્રાસ ઈન્સ્ટિટ્યૂટ ઓફ ટેકનોલોજીમાંથી ઈલેકટ્રોનિકસમાં ગ્રેજ્યુએશન કરેલું છે. ત્યારબાદ વર્ષ 2023માં નેશનલ લો ઇન્સ્ટિટ્યૂટ યુનિવર્સિટી, ભોપાલમાંથી સાયબર લો અને સાયબર ફોરેન્સિકમાં પીજી ડિપ્લોમા કર્યું હતું.  

લિંગ પરિવર્તનની પ્રક્રિયા ખૂબ લાંબી છે 

લિંગ પરિવર્તન સર્જરીમાંથી પસાર થવું એ પડકારજનક છે. તેમજ તેમાં લાખો રૂપિયાનો ખર્ચ થાય છે. આ પ્રક્રિયા લાંબો સમય ચાલે છે. લિંગ બદલવા માટે, સૌ પ્રથમ અરજી કરવી પડે છે. ત્યારબાદ તે અરજી પર પ્રક્રિયા કરવામાં આવે છે. એકવાર વ્યક્તિ લિંગ બદલવાનું નક્કી કરે તે પછી તેણે એફિડેવિટનો મુસદ્દો તૈયાર કરવાનો રહે છે. 

લિંગ પરિવર્તનની માન્યતા મળી 

15 એપ્રિલ 2014ના રોજ સુપ્રીમ કોર્ટે નાલસા કેસમાં ઐતિહાસિક ચુકાદો આપ્યો હતો. જેમાં થર્ડ જેન્ડરને માન્યતા આપવામાં આવી હતી. એવું પણ કહેવામાં આવ્યું હતું કે સ્ત્રી તરીકે કે પુરુષ તરીકેની ઓળખ પસંદ કરવી એ કોઈપણ વ્યક્તિની વ્યક્તિગત પસંદગી છે. ઓડિશાના એક પુરૂષ કોમર્શિયલ ટેક્સ ઓફિસરે ઓડિશા ફાયનાન્સિયલ સર્વિસમાં જોડાયાના પાંચ વર્ષ પછી 2015માં તેનું લિંગ બદલીને સ્ત્રી બનાવવાનો નિર્ણય લીધો તે પછી આ નિર્ણય લેવામાં આવ્યો છે.

મહિલા IRS અધિકારીએ કરાવ્યું લિંગ પરિવર્તન, અનુસૂયામાંથી સૂર્યા બનતા સરકારે પણ આવકાર્યો નિર્ણય 2 - image


Google NewsGoogle News