Get The App

સૈન્ય કાર્યવાહીમાં ઉપયોગી અત્યાધુનિક ટેકનોલોજીથી સજ્જ હ્યુમનોઇડ રોબોટ ટૂંક સમયમાં હકીકત બનશે

Updated: May 11th, 2025

GS TEAM


Google News
Google News
સૈન્ય કાર્યવાહીમાં ઉપયોગી અત્યાધુનિક ટેકનોલોજીથી સજ્જ હ્યુમનોઇડ રોબોટ  ટૂંક સમયમાં હકીકત બનશે 1 - image


DRDO News |  ભારત સરકારના ડિફેન્સ રિસર્ચ એન્ડ ડેવલપમેન્ટ ઓર્ગેનાઇઝેશન (ડીઆરડીઓ)ના વિજ્ઞાનીઓ અત્યાધુનિક ટેકનોલોજી ધરાવતા  હ્યુમનોઇડ રોબોટ(માનવી જેવાં કાર્ય કરી શકવાની ક્ષમતા ધરાવતું યંત્ર) વિકસાવી રહ્યા છે. આ વિશિષ્ટ પ્રકારનો રોબોટ લશ્કરી કાર્યવાહી દરમિયાન મહત્વની કામગીરી બજાવી શકશે.  હાલ આ મહત્વની સંશોધનાત્મક કામગીરી ડીઆરડીઓ અંતર્ગત કાર્ય કરતા ધ રિસર્ચ એન્ડ ડેવલપમેન્ટ એસ્ટાબ્લિશનમન્ટ (આર.એન્ડ ડીએ - એન્જિનિયર)ના વિજ્ઞાનીઓ કરી રહ્યા છે.

થોડા સમય પહેલાં પુણેમાં એડવાન્સ્ડ લેગ્ડ રોબોટિક્સ વિશે યોજાયેલા નેશનલ વર્કશોપમાં આ હ્યુમનોઇડ રોબોટની કામગીરી રજૂ કરવામાં આવી હતી. આ પ્રોજેક્ટ 2027માં પૂરો થઇ જશે.

ગૂ્રપ ડાયરેક્ટર એસ.ઇ.તળોળેએ એવી માહિતી આપી છે કે અમે જે અત્યાધુનિક ટેકનોલોજીવાળું યંત્ર (રોબોટ) વિકસાવી રહ્યા  છીએ તે માનવીના માર્ગદર્શનમાં અતિ સંકુલ કે પડકારરૂપ કામગીરી કરી શકશે. એટલે આવો હ્યુમનોઇડ રોબોટ વિકસાવવાનો હેતુ ભારતીય લશ્કરના જવાનોને સહાયરૂપ થવાનો છે. ભારતીય લશ્કરના જવાનો પર્વતીય કે જંગલ વિસ્તારોમાં મહત્વની કામગીરી કરતા હોય ત્યારે  આ રોબોટ તેમને મદદરૂપ બનશે. આમ આ હ્યુમનોઇટ રોબોટ ભારતીય લશ્કરના જવાનોનો કાર્યબોજો ઓછો કરશે. 

એસ.ઇ તળોળે એવી માહિતી પણ આપી છે કે હાલ આ હ્યુમનોઇડ રોબોટ વિકસાવવાની કામગીરી મહત્વના તબક્કામાં છે. આ રોબોટ તેને આપવામાં  આવતા વિવિધ પ્રકારના કમાન્ડ સમજી શકે છે અને  તેનો અમલ પણ કરી શકે છે  કે કેમ તેનું ખાસ પરીક્ષણ થઇ રહ્યું છે.

અમે આ હ્યુમનોઇટ રોબોટ છેલ્લાં ચાર વર્ષથી વિકસાવી રહ્યા છીએ. અમે આ રોબોટના ઉપરના અને નીચેના હિસ્સા જુદી જુદી રીતે વિકસાવ્યા છે.એટલે બંને હિસ્સાનું સ્વરૂપ અલગ છે. મહત્વની બાબત  તો એ છે કે અમારા ખાસ પ્રકારના પરીક્ષણ દરમિયાન આ હ્યુમનોઇડ રોબોટના વિવિધ હિસ્સાની  કામગીરી  સફળ રહી છે. 

રોબોટના ઉપરના હિસ્સાના હાથ(આર્મ્સ) વજનમાં બહુ હલકા હશે. રોબોટના બંને હાથ ૨૪ ડિગ્રી ફરી શકશે. વળી, આ રોબોટ  કોઇપણ વસ્તુને ગોળ  ફેરવી શકશે, ધક્કો મારીને દૂર કરી શકશે,ખેંચી શકશે,  દરવાજા  સરકાવી શકશે, વાલ્વને ખુલ્લો કરી શકશે, કોઇપણ પડકારરૂપ પરિસ્થિતિમાં મહત્વની કામગીરી કરી શકશે.આમ આ રોબોટ  આવી વિવિધ પ્રકારની કામગીરી પણ કરી શકશે.

ઉપરાંત, આ હ્યુમનોઇડ રોબોટ તેના બંને હાથથી  સુરંગ, કોઇપણ વિસ્ફોટક પદાર્થ, પ્રવાહી વગેરે પર  પણ સલામત રીતે કાબૂ મેળવી શકશે. મહત્વનું પાસું તો એ છે કે આ હ્યુમનોઇડ રોબોટ દિવસે અને રાત્રે, ઘર કે કોઇ મકાનમાં કે  ખુલ્લા મેદાનમાં પણ કામગીરી કરી શકશે.

 આ પ્રોજેક્ટની ડિઝાઇન ટીમના મુખ્ય વિજ્ઞાની  કિરણ અકેલ્લાએ એવી  વિશિષ્ટ માહિતી આપી છે કે   આ હ્યુમનોઇડ રોબોટનું સૌથી મહત્વનું ટેકનિકલ પાસું એ છે કે તેમાં એક્ચ્યુએટર્સ(જેનાથી રોબોટના મસલ્સ  માનવીના મસલ્સની જેમ કાર્ય કરી શકશે--હલનચલન કરી શકશે), સેન્સર્સ(જે  આજુબાજુના પરિસરમાંથી તમામ પ્રકારની માહિતી મેળવી શકશે, કન્ટ્રોલ સિસ્ટમ( સચોટ માર્ગદર્શન માટે  તે માહિતીનું  અર્થઘટન કરી શકશે) એવા ત્રણ મહત્વના ટેકનિકલ હિસ્સા છે. 

ઉપરાંત, આ રોબોટ કોઇપણ પડકારરૂપ કાર્ય કે પરિસ્થિતિને બહુ સરળતાથી પાર પાડી શકશે.પોતે મેળવેલી માહિતીનું બહુ ઝડપથી અર્થઘટન કરીને તેનો સચોટ અમલ પણ કરી શકશે.

Tags :