માનવીય ભૂલ કે આતંકી એંગલ... શ્રીનગરના નૌગામ પોલીસ સ્ટેશનમાં કેવી રીતે થયો બ્લાસ્ટ?
Summarized by AI; it may make mistakes. Check important info
Summarized by AI; it may make mistakes. Check important info

Srinagar news : જમ્મુ અને કાશ્મીરની રાજધાની શ્રીનગર શનિવારે એક ભીષણ વિસ્ફોટથી ધણધણી ઉઠી. શહેરના નૌગામ વિસ્તારમાં આવેલા નૌગામ પોલીસ સ્ટેશનમાં થયેલા આ શક્તિશાળી બ્લાસ્ટમાં અત્યાર સુધીમાં 9 લોકોના મોત થયા છે, જ્યારે 27 લોકો ઘાયલ થયા છે. અનેક ઘાયલોની હાલત ગંભીર હોવાથી મૃત્યુઆંક વધવાની આશંકા છે. વિસ્ફોટ એટલો ભયાનક હતો કે ઘટનાસ્થળથી લગભગ 300 ફૂટ દૂર સુધી માનવ અંગોના ટુકડાઓ મળી આવ્યા હતા.
બ્લાસ્ટ બાદ અફરા તફરી સર્જાઈ હતી
બ્લાસ્ટ બાદ સમગ્ર દક્ષિણ શ્રીનગરમાં અફરા-તફરીનો માહોલ સર્જાયો હતો અને ધમાકાનો અવાજ ઘણા કિલોમીટર દૂર સુધી સંભળાયો હતો. પોલીસ સ્ટેશનમાંથી આગની જ્વાળાઓ ઉઠતી જોવા મળી હતી. ઘટનાની જાણ થતાં જ એમ્બ્યુલન્સ અને ફાયર બ્રિગેડની ગાડીઓ ઘટનાસ્થળે પહોંચી હતી અને બચાવ કામગીરી શરૂ કરી હતી. ઘાયલોને નજીકની હોસ્પિટલોમાં ખસેડવામાં આવ્યા છે અને તમામ આરોગ્ય કેન્દ્રોને એલર્ટ પર રાખવામાં આવ્યા છે. શ્રીનગરના ડેપ્યુટી કમિશનર અક્ષય લાબરુ સહિતના ઉચ્ચ અધિકારીઓ પરિસ્થિતિનું નિરીક્ષણ કરવા હોસ્પિટલ પહોંચ્યા હતા.
તપાસના બે એંગલ: અકસ્માત કે આતંકી ષડયંત્ર?
આ ભીષણ વિસ્ફોટને લઈને સુરક્ષા એજન્સીઓ મુખ્યત્વે બે થિયરી પર કામ કરી રહી છે:
અકસ્માતનો એંગલ
પ્રાથમિક તપાસમાં જાણવા મળ્યું છે કે પોલીસ સ્ટેશનમાં જપ્ત કરાયેલો લગભગ 350 કિલોગ્રામ એમોનિયમ નાઈટ્રેટનો જથ્થો રાખવામાં આવ્યો હતો. આશંકા છે કે આ સંવેદનશીલ કેમિકલને સીલ કરવાની અથવા હેન્ડલ કરવાની પ્રક્રિયા દરમિયાન કોઈ ચૂક થઈ, જેના કારણે આ દુર્ઘટના બની.
આતંકી ષડયંત્રનો એંગલ
બીજી તરફ, આ ઘટનાને આતંકી હુમલાના દ્રષ્ટિકોણથી પણ જોવામાં આવી રહી છે. પોલીસ સ્ટેશન પરિસરમાં એક જપ્ત કરાયેલી કાર પાર્ક કરેલી હતી. એવી આશંકા છે કે આ કારમાં પહેલાથી જ IED (ઇમ્પ્રુવાઇઝ્ડ એક્સપ્લોઝિવ ડિવાઇસ) લગાવવામાં આવ્યું હતું, જેમાં બ્લાસ્ટ થતાં નજીકમાં રાખેલા એમોનિયમ નાઈટ્રેટમાં પણ વિસ્ફોટ થયો અને દુર્ઘટનાએ વિકરાળ સ્વરૂપ લીધું.









