Get The App

હજારો કરોડના ખર્ચ છતાં મહાકુંભમાં અવ્યવસ્થા સામે સવાલ: સ્થાનિકો ઘરોમાં પૂરાયા

Updated: Feb 11th, 2025

GS TEAM


Google News
Google News
હજારો કરોડના ખર્ચ છતાં મહાકુંભમાં અવ્યવસ્થા સામે સવાલ: સ્થાનિકો ઘરોમાં પૂરાયા 1 - image


- પ્રયાગરાજ આસપાસ 300 કિમી સુધી વાહનોની લાંબી લાઇનો લાગી

- માઘ પૂર્ણિમાના અમૃત સ્નાનમાં મૌની અમાસ જેટલા ધસારાની શક્યતાને પગલે તંત્ર એલર્ટ, સંગમ રેલવે સ્ટેશન બંધ કરવું પડયું ઃ ૪૮ કરોડથી વધુએ સ્નાન કર્યું

- પ્રયાગરાજમાં ભીડ વધતા પોલીસે લોકોને પાછા કાઢ્યાં, શ્રદ્ધાળુઓનો ધસારો વારાણસી અને અયોધ્યા તરફ વળ્યો 

- રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મૂએ સંગમ ઘાટ પર સ્નાન કર્યું, પ્રયાગરાજવાસીઓ કલાકો સુધી ઘરોમાં રહેવા મજબુર 

- કુંભમાં અત્યાર સુધીમાં 12 બાળકોનો જન્મ, ધાર્મિક નામ અપાયા

ઉત્તર પ્રદેશના પ્રયાગરાજમાં આયોજીત મહાકુંભમાં જવા માટે લોકોમાં ઉત્સાહ એટલો વધી ગયો છે કે પ્રયાગરાજ જનારા તમામ રોડ પર અનેક કિમી સુધી ટ્રાફિક જામ રહ્યો હતો, કેટલાક દાવા મુજબ આશરે ૩૦૦ કિમી સુધી ૪૮ કલાક સુધી ટ્રાફિક જામી રહ્યો, જેને પગલે લોકોએ ભારે મુશ્કેલીનો સામનો કરવો પડયો હતો. કેટલાક લોકોએ ટ્રાફિક જામની તસવીરો અને વીડિયો સોશિયલ મીડિયા પર પોસ્ટ કર્યા હતા અને તેને વિશ્વનો સૌથી મોટો ટ્રાફિક જામ ગણાવ્યો હતો. રવિવારથી સોમવાર દરમિયાન હજારો લોકો પોતાના વાહનોમાં જ રાત વિતાવવા મજબૂર થયા હતા.

મહાકુંભ ઉત્તર પ્રદેશના પ્રયાગરાજમાં યોજાઇ રહ્યો છે જ્યારે ટ્રાફિક જામની અસર એટલી વ્યાપક હતી કે પાડોશી રાજ્ય મધ્ય પ્રદેશમાં પણ અનેક જિલ્લાઓમાં વાહનોની લાંબી લાઇનો લાગી હતી. મધ્ય પ્રદેશના કટણી જિલ્લાની પોલીસે જાહેર કર્યું હતું કે સોમવાર સુધી ટ્રાફિક જામ રહેશે. રેવા, મૈહર, જબલપુર, કટણી જિલ્લાના રોડ પર વાહનોની લાંબી લાઇનો લાગી હતી. જ્યારે પ્રયાગરાજની આસપાસના તમામ રસ્તાઓ જામ થઇ ગયા હતા. વારાણસી, લખનઉ, કાનપુર, અયોધ્યા સુધી વાહનોની લાઇનો લાગી ગઇ હતી. આસપાસના તમામ રસ્તા પર ભારે ભીડને કારણે પ્રયાગરાજમાં રહેતા લોકોએ પણ મુશ્કેલીનો સામનો કરવો પડયો હતો અને કલાકો સુધી ઘરોમાં રહેવા મજબુર થયા હતા. 

મહાકુંભમાં જનારા લોકો વારાણસી પણ જઇ રહ્યા છે જેને પગલે આ ધાર્મિક નગરીમાં પણ ભારે ટ્રાફિકની સમસ્યા ઉભી થઇ રહી છે. ભારે ભીડને કારણે વારાણસીમાં પણ કાર, બસો સહિતના ફોર વ્હીલર વાહનોના પ્રવેશ પર રોક લગાવાઇ છે જેને ૧૨ ફેબુ્રઆરી સુધી લંબાવી દેવાઇ છે. અગાઉ મૌની અમાસના શાહી સ્નાનમાં લાખો લોકો એક સાથે સામેલ થયા હતા જેને કારણે નાસભાગમાં સરકારી આંકડા મુજબ ૩૦ લોકો માર્યા ગયા હતા. હવે ૧૨મી તારીખે માઘ પૂર્ણિમાના પણ લાખો લોકો શાહી સ્નાન કરશે જેને ધ્યાનમાં રાખીને ફરી એક વખત પ્રશાસન એલર્ટ થઇ ગયું છે. કેન્દ્રીય રેલવે મંત્રીએ દાવો કર્યો છે કે લોકોના ભારે ધસારાને ધ્યાનમાં રાખીને મહાકુંભ માટે આઠ રેલવે સ્ટેશનોને એલર્ટ રખાયા છે. સંગમ ક્ષેત્રની આસપાસ રેલવે સ્ટેશનો પર ૧૩ હજાર રેલવે કર્મી તૈનાત કરાયા છે, રવિવારે ૩૩૦ ટ્રેનોમાં સાડા બાર લાખ યાત્રાળુને પ્રયાગરાજ માટે ઉતારવામાં આવ્યા હતા. ભારે ટ્રાફિકને પગલે રેલવે સ્ટેશનને થોડા સમય માટે બંધ રાખવાની જાહેરાત કરાઇ છે.   સોમવારે ૧૦ લાખથી વધુ કલ્પવાસી અને ૮૨ લાખથી વધુ તીર્થયાત્રાળુઓએ સંગમ પર સ્નાન કર્યું હતું. બપોરે બે વાગ્યા સુધીમાં સંખ્યા એક કરોડ સુધી પહોંચી ગઇ હતી. આંકડા મુજબ મહાકુંભ શરૂ થયો ત્યારથી લઇને અત્યાર સુધી ૪૩.૫૭ કરોડ લોકો સ્નાન કરી ચુક્યા છે. પ્રયાગરાજના લોકો પરેશાનીમાં મુકાયા છે તેઓએ મીડિયા સમક્ષ જણાવ્યું હતું કે અગાઉ અમે અનેક મહાકુંભ જોયા છે પરંતુ ટ્રાફિકની આટલી મોટી સમસ્યા અમે નથી જોઇ, માત્ર એક કિમી દુર જવું હોય તો પણ આઠ કિમી ફરીને જવું પડી રહ્યું છે. સોમવારે રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મૂએ સંગમમાં સ્નાન કર્યું હતું. એરપોર્ટ પર તેમનું રાજ્યપાલ આનંદીબેન પટેલ અને મુખ્યમંત્રી યોગી આદિત્યનાથે સ્વાગત કર્યું હતું જે બાદ રાષ્ટ્રપતિ સંગમ ઘાટ પર પહોંચ્યા હતા અને ડુબકી લગાવી હતી.

કુંભમાં 10 હજાર કરોડનો ખર્ચ છતા નબળી વ્યવસ્થા સામે સવાલ

પ્રયાગરાજ : મહાકુંભ શરૂ થયો ત્યારથી અત્યાર સુધી કરોડો લોકોએ સ્નાન કર્યું હતું, આ યાત્રાળુઓમાં ગર્ભવતી મહિલાઓનો પણ સમાવેશ થાય છે. પ્રાપ્ત આંકડા મુજબ મહાકુંભમાં અત્યાર સુધીમાં ૧૨ બાળકોનો જન્મ થયો છે. કુંભમાં તૈયાર કરાયેલી સેન્ટ્રલ હોસ્પિટલમાં આ બાળકોનો જન્મ થયો હતો. હોસ્પિટલના મુખ્ય ડોક્ટર મનોજ કૌશીકે જણાવ્યું હતું કે તમામ બાળકોની નોર્મલ પ્રસુતી થઇ હતી, વળી કુંભમાં જે બાળકોનો જન્મ થયો તેમને ધાર્મિક નામો પણ અપાઇ રહ્યા છે. રવિવારે ૧૨માં બાળકનો જન્મ થયો હતો, નેહા સિંહ નામની મહિલાએ આ બાળકને હોસ્પિટલમાં જન્મ આપ્યો હતો જેને કુંભ નામ આપવામાં આવ્યું છે. કેટલાક બાળકોના નામ ભોલેનાથ, બજરંગી, નંદી, જમુના વગેરે આપવામાં આવ્યા છે. વસંત પંચમીએ બે બાળકો જન્મ્યા હતા જેમાં એક બાળકી અને બીજા બાળકનો સમાવેશ થાય છે, બાળકીનું નામ વસંતી જ્યારે બાળકનું નામ વસંત રખાયું હતું. 

મહાકુંભમાં આવનારા લોકો ભારે ટ્રાફિકને કારણે અનેક મુશ્કેલીનો સામનો કરી જ રહ્યા છે સાથે જ પ્રયાગરાજવાસીઓ પણ મુશ્કેલીમાં મુકાયા છે. આ સ્થિતિ વચ્ચે ટ્રાફિક જામ થતા વિપક્ષ સમાજવાદી પાર્ટીના વડા અખિલેશ યાદવે વ્યવસ્થા પર સવાલો ઉઠાવ્યા હતા, અખિલેશે સવાલ કર્યો હતો કે રાજ્ય અને કેન્દ્ર સરકાર મળીને ૧૦ હજાર કરોડ રૂપિયાનો ખર્ચ વ્યવસ્થા પાછળ કરી રહી હોવાનો દાવો કરી રહી છે છતા આ પ્રકારની વ્યવસ્થા કેમ? લોકો પોતાના ઘરોમાં પુરાઇ રહ્યા છે. લોકો મોટી સંખ્યામાં આવી રહ્યા છે તેની જાણકારી હોવા છતા સૈન્યની મદદ કેમ લેવામાં ના આવી. જો સમયસર સેનાની મદદ લીધી હોત તો ટ્રાફિકની આટલી સમસ્યા ના સર્જાઇ હોત.

Tags :