મોબાઇલ નંબર, UPI ID સહિતની વિગતો અસલી છે કે નકલી આ રીતે ચેક કરો, ડિજિટલ ફ્રોડથી બચી જશો
Cyber Fraud: ડિજિટાઇઝેશનના યુગમાં મોબાઇલ નંબર, ઈમેઇલ, બૅન્ક એકાઉન્ટ, સોશિયલ મીડિયા હેન્ડલ, વેબસાઇટ્સ, યુપીઆઇ જેવી સુવિધાઓએ લોકોનું જીવન સરળ બનાવ્યું છે. પરંતુ તેમાં સાયબર અટેકનું જોખમ પણ એટલું જ વધ્યું છે. અનેક લોકોએ સાયબર અટેકમાં લાખો કરોડો રૂપિયા ગુમાવ્યા છે. આરબીઆઇ, કેન્દ્ર સરકાર સહિત વિવિધ સંસ્થાઓ નકલી ફોન કોલ, ફ્રોડ ઈમેઇલથી સાવચેત રહેવા અવારનવાર અપીલ કરે છે. આજે અમે તમને આ ફ્રોડથી બચવાનો સરળ રસ્તો જણાવવા જઈ રહ્યા છીએ.
જો તમે પણ સાયબર હુમલાથી બચવા માંગતા હોવ તો આ એક જ હેલ્પલાઇનની મદદથી નકલી મોબાઇલ નંબર, સ્પેમ ઈમેઇલ, નકલી સોશિયલ મીડિયા એકાઉન્ટ વિશે માહિતી મેળવી શકો છો. જેના માટે થર્ડ પાર્ટી એપની પણ જરૂર નથી. નેશનલ સાયબર ક્રાઇમ રિપોર્ટિંગ પોર્ટલની મદદથી તમે સાયબર ફ્રોડના ગુનાઓ નોંધાવી પણ શકો છો અને ટ્રેક પણ કરી શકો છો. તેમજ સંદિગ્ધ ફોન નંબર, ઈમેઇલ આઇડી આપી તેના વિશે માહિતી પણ મેળવી શકો છો.
આ રીતે ચેક કરો
- NCCRPની વેબસાઇટ https://cybercrime.gov.in/ની મુલાકાત લો. જેમાં Report & Check Suspect વિકલ્પ પર ક્લિક કરો.
- Report & Check Suspectમાં ત્રણ વિકલ્પો ખૂલશે. જેમાં જો તમે સંદિગ્ધ મોબાઇલ કે ઈમેઇલ, વેબસાઇટ, ઍપ્સ વિશે વિગતો ચકાસવા માગતા હોવ તો પ્રથમ વિકલ્પ Suspect Repository પસંદ કરી શકો છો. ફરિયાદ નોંધાવા માટે બીજો વિકલ્પ Report Suspect અને GAC સાથે અપીલ કરવા માટે ત્રીજો વિકલ્પ File an Appeal with GAC પસંદ કરી શકો છો.
- Suspect Repositoryમાં ક્લિક કરતાં મોબાઇલ, ઈમેઇલ, બૅન્ક એકાઉન્ટ, સોશિયલ મીડિયા, યુપીઆઇ આઇડીની ખરાઈ કરી શકો છો.
દરેક ફેક નંબર શોધવા સક્ષમ નહીં
આ વેબસાઇટ પરથી મોટાભાગના મોબાઇલ નંબર, બૅન્ક એકાઉન્ટ, ઈમેઇલ, સોશિયલ મીડિયા, યુપીઆઇ આઇડી સહિતની વિગતો ચકાસી શકો છો. જો કે, ઘણીવાર તદ્દન નવો નંબર કે તદ્દન નવું એકાઉન્ટ હોય તો તેના વિશે વિગતો મળવી મુશ્કેલ પણ બની શકે છે. કારણકે આ પોર્ટલ સાયબર ક્રાઇમ સાથે જોડાયેલી ફરિયાદોના ડેટાબેઝના આધારે કામ કરે છે. ઉલ્લેખનીય છે, આ વેબસાઇટ પરથી તદ્દન મફતમાં તમે ઘરેબેઠા સંદિગ્ધ એકાઉન્ટ વિશે માહિતી મેળવી શકો છો.