India નહિ , પણ ભારત... ફરી એકવાર ચર્ચમાં છે. પહેલાથી જ બંધારણ માંથી India શબ્દ કાઢી નાખવા પર ભાર મુકવામાં આવી રહ્યો છે. રાષ્ટ્રીય સ્વયં સેવક સંઘના સંઘ ચાલક મોહન ભાગવતે લોકોને India ની જગ્યા એ ભારત નામનો ઉપયોગ કરવા અપીલ કરી છે. એક અનુમાન એવું પણ છે કે, તારીખ 18 થી 22 સપ્ટેમ્બરના વિશેષ સત્રમાં ભારતીય બંધારણમાંથી India શબ્દ હટાવવા બાબતે બિલ રજુ કરી શકે છે. એવામાં આપણા માટે દેશના નામનો ઈતિહાસ જાણવો જરૂરી છે. તો જાણીએ દેશનું નામ કેવી રીતે પડ્યું...
પ્રાચીન સમયથી ભારત ધરાવે છે અલગ અલગ નામ
આપણા દેશના પ્રાચીન સમયથી અલગ અલગ નામો છે. પ્રાચીન ગ્રંથોમાં દેશના વિવિધ નામો લખવામાં આવ્યા હતા - જેમ કે જંબુદ્વીપ, ભારતખંડ, હિમવર્ષ, અજ્ઞાભાવર્ષ, આર્યાવર્ત, જ્યારે તેમના સમયના ઇતિહાસકારોએ હિંદ, હિન્દુસ્તાન, ભારતવર્ષ, ભારત જેવા નામો આપ્યા હતા. પરંતુ તેમાં ભારત સૌથી વધુ લોકપ્રિય હતું.
વિષ્ણુ પુરાણ અનુસાર
વિષ્ણુ પુરાણમાં ઉલ્લેખ છે કે 'ભારતની સીમાઓ ઉત્તરમાં હિમાલયથી લઈને દક્ષિણમાં સમુદ્ર સુધી આવેલી છે. વિષ્ણુ પુરાણ કહે છે કે જ્યારે ઋષભદેવ ગળામાં પોટલું બાંધીને નગ્ન અવસ્થામાં વનમાં ગયા ત્યારે તેમણે તેમના મોટા પુત્ર ભરતને ઉત્તરાધિકારી બનવ્યા હતા, જેના કારણે દેશનું નામ ભારતવર્ષ પડ્યું હતું. આપણે ભારતીયો આ હકીકત વારંવાર સામાન્ય ભાષામાં પણ કહીએ છીએ કે કાશ્મીરથી કન્યાકુમારી સુધી આપણું આખું રાષ્ટ્ર વસે છે.
ભારત/ ભારતવર્ષ નામ કેવી રીતે પડ્યું?
આ અંગે અનેક દાવાઓ કરવામાં આવે છે. જેમાં એક માન્યતા એવી છે કે મહાભારતમાં હસ્તિનાપુરના રાજા દુષ્યંત અને શકુંતલાના પુત્ર ભરતના નામ પરથી દેશનું નામ ભારત રાખવામાં આવ્યું હતું. ભરત ચક્રવર્તી સમ્રાટ પણ બન્યો, જેને ચારેય દિશાઓની ભૂમિનો સ્વામી કહેવામાં આવે છે. એવો પણ દાવો છે કે સમ્રાટ ભરતના નામ પરથી દેશનું નામ 'ભારતવર્ષ' રાખવામાં આવ્યું હતું. સંસ્કૃતમાં વર્ષનો અર્થ વિસ્તાર કે ભાગ પણ થાય છે.
ભગવાન શ્રી રામના ભાઈ ભરત પરથી
સૌથી પ્રચલિત માન્યતા અનુસાર, આપણા દેશનું નામ ભગવાન શ્રી રામના નાના ભાઈ ભરતના નામ પરથી ભારત રાખવામાં આવ્યું હતું. શ્રી રામ ચરિત માનસ મુજબ, રામ વનવાસમાં ગયા પછી, ભરતે ભગવાન રામની ચરણપાદુકાને સિંહાસન પર રાખીને શાસન સંભાળ્યું હતું, પરંતુ પોતે ક્યારેય રાજા બન્યા નહીં. પરંતુ તેમના બલિદાન અને અનંત પ્રેમએ તેમને મહાન બનાવ્યા અને તેમના નામ પરથી દેશનું નામ ભારત રાખવામાં આવ્યું.
એવી પણ માન્યતા છે કે નાટ્યશાસ્ત્રમાં ઉલ્લેખ કરાયેલા ભરતમુનિના નામ પરથી દેશનું નામ પડ્યું હતું. તે રાજર્ષિ ભારત વિશે પણ કહેવામાં આવે છે, જેમના નામ પર જડભરત રૂઢીપ્રયોગ પણ ખૂબ પ્રચલિત છે.
તેવી જ રીતે, મત્સ્ય પુરાણમાં ઉલ્લેખ છે કે મનુને ભરત એટલા માટે કહેવામાં આવે છે કારણ કે તે લોકોને જન્મ આપનાર અને તેમની સંભાળ રાખનાર હતો. ભારતના નામકરણનો આધાર જૈન પરંપરામાં પણ જોવા મળે છે.
India નામ કેવી રીતે મળ્યું?
જયારે અંગ્રેજો ભારતમાં આવ્યા ત્યારે તેમણે સિંધુ ખીણને ઈન્ડસ વેલી કહ્યું જેના પરથી દેશનું નામ India કરવામાં આવ્યું હતું. આવું માનવા પાછળ એક બાબત એ પણ છે કે ભારત કે હિન્દુસ્તાન બોલવામાં તેમને મુશ્કેલી પડતી હતી અને India બોલવું સરળ છે. આથી ત્યારથી જ ભારતને India કહેવાની શરૂઆત થઈ હતી.
'India' શબ્દ હટાવવાની માંગ શા માટે?
ભારતીય બંધારણના અનુચ્છેદ-1માં ભારત માટે આપવામાં આવેલી વ્યાખ્યામાં 'India that is Bharat' એટલે કે 'ઇન્ડિયા અર્થાત ભારત' માં જે શબ્દ પ્રયોગ કરવામાં આવ્યા છે, તે હટાવીને માત્ર 'ભારત' શબ્દને જ રાખવાની વિચારણા ચાલી રહી છે. વર્ષ 2020 માં આ બાબતની શરૂઆત થઇ હતી. બંધારણમાંથી India શબ્દ હટાવવા બાબતની અરજી સુપ્રીમ કોર્ટમાં દાખલ કરવામાં આવી હતી. જેમાં અરજદારોની દલીલ એવી હતી કે India શબ્દ ગુલામીની નિશાની છે. આથી India ની જગ્યા એ ભારત અથવા હિન્દુસ્તાન શબ્દ પ્રયોગ થવો જોઈએ. અંગ્રેજી નામ હટાવવાનું પ્રતીકાત્મક હોઈ શકે છે, પરંતુ તે આપણી રાષ્ટ્રીયતામાં, ખાસ કરીને ભાવિ પેઢીમાં ગૌરવની ભાવના જગાડશે. જો કે બંધારણમાં ભારત નામનો ઉલ્લેખ પહેલાથી જ છે એવું જણાવીને કોર્ટે આ અરજી ફગાવી દીધી હતી.
ઇન્ડિયન નેશનલ ડેવલપમેન્ટ ઇન્ક્લુઝીવ અલાયન્સ
2024ની લોકસભા ચૂંટણી પહેલા જ વિપક્ષી પાર્ટીઓના ગઠબંધન I.N.D.I.A. નામ દ્વારા બનાવવામાં આવે છે. તેનો અર્થ I.N.D.I.A.-ઇન્ડિયન નેશનલ ડેવલપમેન્ટ ઇન્ક્લુઝીવ અલાયન્સ થાય છે. જ્યારથી આ ગઠબંધન બન્યું છે ત્યારથી શાસક પક્ષના લોકો જે રીતે India શબ્દનો વિરોધ કરી રહ્યા છે. તેથી જ India નામ વિશે બંધારણીય માન્યતાઓ પર ચર્ચા પણ તેજ બની છે.
હિન્દુસ્તાન નામ કેમ પડ્યું?
ભારતની એકતા અને અખંડિતતા દર્શાવતું નામ હિન્દુસ્તાન છે, એવું કહેવાય છે કે મધ્ય યુગમાં તુર્ક અને ઈરાનીઓએ ભારતમાં સિંધુ ખીણ તરફથી પ્રવેશ લીધો હતો. એ લોકો 'સ' અક્ષરનો ઉચ્ચાર 'હ' કરતા. આ રીતે સિંધુનું અપભ્રંશ થઈને હિંદુ બન્યું. જેના કારણે દેશનું નામ હિન્દુસ્તાન પડ્યું.
જંબુદ્વીપ
એવું કહેવાય છે કે જંબુદ્વિપ નામ જાંબુના ઝાડ (બ્લેકબેરી) પરથી પડ્યું હતું. વિષ્ણુ પુરાણ અધ્યાય 2 માં જાંબુના ઝાડના ફળો હાથી જેવા મોટા હોવાનું વર્ણન કરવામાં આવ્યું છે અને જ્યારે જાંબુ સડી જાયછે અને પર્વતોની ટોચ પર પડે છે, ત્યારે તેના રસની નદી બની જતી હતી. જંબુદ્વીપ નામ તે નદી અથવા સ્થળને વ્યાખ્યાયિત કરવા માટે આપવામાં આવ્યું હતું.
ભારતખંડ
વેદ, પુરાણ, મહાભારત અને રામાયણ સહીતના ઘણા ભારતીય ગ્રંથોમાં ભારત ખંડ નામ આપવામાં આવ્યું છે. જેનો અર્થ થાય છે ભારતનો ભાગ અથવા ભારતની ભૂમિ.
આર્યાવ્રત
આર્યોને ભારતના મૂળ નિવાસી તરીકે ઓળખવામાં આવે છે. તેઓ સમુદ્રમાર્ગે અહી આવ્યા અને તેમના દ્વારા દેશ બનાવવામાં આવ્યો આથી નામ પડ્યું આર્યાવ્રત એટલે કે આર્યોની ભૂમિ.
હિમવર્ષ
હિમાલયના કરને પહેલા ભારતને હિમવર્ષ તરીકે ઓળખવામાં આવતો. વાયુ પુરાણમાં પણ અ બાબતનો ઉલ્લેખ પણ જોવા મળે છે.


