કઈ રીતે કામ કરે છે ટેરિટોરિયલ આર્મી? જે દેશને જરૂર પડે ત્યારે જ બોલાવાય છે, જાણો ભરતીના નિયમ
Territorial Army : ઓપરેશન સિંદૂર બાદ ભારત અને પાકિસ્તાન વચ્ચે તણાવ વધતાં ભારત સરકારે અનેક જરૂરી નિર્દેશ જારી કર્યા છે, ત્યારે રક્ષા મંત્રાલયે સેના પ્રમુખને મોટી જવાબદારી સોંપી છે. જેમાં પાકિસ્તાન સાથેની ઉત્તરીય અને પશ્ચિમી સરહદો પર વધતાં તણાવ વચ્ચે રક્ષા મંત્રાલયે સેનાની તૈયારીનો તાગ મેળવ્યો છે. આ સાથે ટેરિટોરિયલ આર્મીને તૈનાત કરવા માટે પણ સૂચનાઓ આપવામાં આવી છે. આવી સ્થિતિમાં, હવે ટેરિટોરિયલ આર્મીના અધિકારીઓ અને નોંધાયેલા જવાનોને પણ તૈનાત કરવામાં આવશે. ચાલો જાણીએ કઈ રીતે કામ કરે છે ટેરિટોરિયલ આર્મી?
ટેરિટોરિયલ આર્મી રૂલ્સ 1948ના નિયમ 33 અનુસાર 6 મે 2025ના રોજ જારી કરાયેલા નોટિફિકેશન મુજબ, સરકારે આર્મી ચીફને જરૂર મુજબ ટેરિટોરિયલ આર્મીના દરેક અધિકારી અને નોંધાયેલા જવાનોને બોલાવવા અને જવાબદારીઓ સોંપવાનો અધિકાર આપ્યો છે. આ નિર્દેશમાં ખાસ કરીને ભારતીય સેનાના દક્ષિણ, પૂર્વીય, પશ્ચિમી, મધ્ય, ઉત્તરી, દક્ષિણ પશ્ચિમી, આંદામાન અને નિકોબાર અને આર્મી ટ્રેનિંગ કમાન્ડ(ARTRAC)માં તૈનાત કરવા માટે તમામ મુખ્ય કમાન્ડો અને પ્રાદેશિક સેનાની હાલની 32-ઇન્ફેન્ટ્રી બટાલિયનમાંથી 14ને મંજૂરી આપવામાં આવી છે. આવી સ્થિતિમાં, એ જાણવું મહત્ત્વપૂર્ણ છે કે, ટેરિટોરિયલ આર્મી શું છે અને તે કેવી રીતે કાર્ય કરે છે, તેનો ઉપયોગ ક્યારે થાય છે અને તેના માટે ભરતી પ્રક્રિયા શું છે?
ટેરિટોરિયલ આર્મી એટલે શું?
'સિટીઝન સોલ્જર'નું દળ તરીકે ઓળખાતી Territorial Army ભરતીનું એક પાર્ટ ટાઇમ સૈન્ય દળ છે. આ સેનાનો એ હિસ્સો છે કે, જેમાં સામાન્ય નાગરિક જે અન્ય વ્યવસાય સાથે સંકળાયેલા હોય અને દેશની સેવા માટે જરૂર જણાતાં સૈન્યમાં ડ્યૂટી નિભાવે છે. જેને એક સ્વૈચ્છિક દળ એટલે કે વોલિયેન્ટર ફોર્સ પણ કહેવાય છે. જ્યારે યુદ્ધ, આપત્તિજનક સ્થિતિ કે આંતરિક અશાંતિની પરિસ્થિતિ વખતે તેમને બોલાવવામાં આવે છે.
ક્યારે ટેરિટોરિયલ આર્મીની જરૂર પડે છે?
યુદ્ધ અથવા આપત્તિજનક સ્થિતિમાં જેવી કે, 1962, 1965, 1971ના યુદ્ધમાં આનો ઉપયોગ કરાયો હતો. જ્યારે કુદરતી આફત જેવી કે, પૂર, ભુકંપ સહિતની વિકટ પરિસ્થિતિની સમયે રાહત કાર્ય માટે ટેરિટોરિયલ આર્મીની મદદ મેળવવામાં આવે છે. આ સાથે આતંરિક સુરક્ષા તથા કાનુન-વ્યવસ્થાની સ્થિતિ દરમિયાન ટેરિટોરિયલ આર્મીનો સહારો લેવામાં આવે છે. ઘણી વખત બોર્ડર પર સુરક્ષા દળની જરૂરીયાતને પહોંચી વળવા માટે તેમની મદદ લેવામાં આવે છે. જેમાં ટેરિટોરિયલ આર્મીને પણ સેન્ય દળોની જેમ સમ્માન, રેન્ક અને મેડલ્સ મળે છે.
ભરતી થવા આ રહેશે લાયકાત
ટેરિટોરિયલ આર્મીમાં ભરતી થવા માટે ઓછામાં ઓછી 18 વર્ષ અને 42 વર્ષથી વધુ ઉંમર ન હોવી જોઈએ. જેના માટે માન્યતા પ્રાપ્ત યુનિવર્સિટીમાંથી સ્નાતક(ગ્રેજ્યુએટ) કરેલું હોવું આવશ્યક છે. જેમાં સરકાર, પ્રાયવેટ કે અન્ય રોજગાર સાથે સાથે સંકળાયેલા અથવા કાર્યરત હોવા જોઈએ. પસંદગી પ્રક્રિયા લેખિત પરીક્ષા, ઇન્ટરવ્યુ અને મેડિકલ ટેસ્ટ પછી જ પૂર્ણ થાય છે. અનુરાગ ઠાકુર, સચિન પાયલટ અને એમએસ ધોની જેવા ઘણાં જાણીતા લોકો ટેરિટોરિયલ આર્મી સાથે જોડાયેલા રહ્યા છે.
પ્રાદેશિક સેનાના એકમો
ઇન્ફેન્ટ્રી
રેલવે એકમો
ઇકોલૉજીકલ ટાસ્ક ફોર્સ
ઔદ્યોગિક એકમો (ONGC, IOC વગેરે સાથે જોડાયેલા)
ટેરિટોરિયલ આર્મીમાં સેવા કરવાથી પેન્શનની ગેરંટી આપવામાં આવતી નથી. ટેરિટોરિયલ આર્મીમાં નિયુક્તિ થયા બાદ કોઈપણ શખ્સ લેફ્ટનન્ટ પદથી પોતાની સેવા શરુ કરે છે. જ્યારે તાલીમ અથવા લશ્કરી સેવા માટે નિયુક્ત કરવામાં આવે છે, ત્યારે ટેરિટોરિયલ આર્મીના અધિકારીઓને નિયમિત સેનાના અધિકારીઓ જેટલા જ પગાર અને ભથ્થાં મળે છે. ટેરિટોરિયલ આર્મી નાગરિકોને સેનામાં જોડાવવા અને રાષ્ટ્ર પ્રત્યે પોતાનું સમર્પણ દર્શાવવાની તક આપે છે.