Get The App

હાલમાં CAG ચર્ચામાં છે; તે રિપોર્ટ શું છે, કેવી રીતે કરે છે કામ? જાણો તેની શક્તિ અને સત્તા વિશે

તાજેરતમાં CAG દ્વારા સરકારની ઘણી યોજનાઓમાં ચાલી રહેલી ગરબડનો પર્દાફાશ કર્યો

CAGનો રિપોર્ટ આવ્યા બાદ વિરોધ પક્ષોએ કેન્દ્ર સરકારને ઘેરી હતી

Updated: Aug 16th, 2023

GS TEAM


Google News
Google News
હાલમાં CAG ચર્ચામાં છે; તે રિપોર્ટ શું છે, કેવી રીતે કરે છે કામ? જાણો તેની શક્તિ અને સત્તા વિશે 1 - image


ભારતમાં આગામી વર્ષમાં લોકસભાની ચૂંટણી યોજાનાર છે ત્યારે છેલ્લા કેટલાય સમયથી કોમ્પ્ટ્રોલર એન્ડ ઓડિટર જનરલ એટલે કે CAG ફરી એકવાર ચર્ચામાં છે.  તાજેરતમાં CAG દ્વારા સરકારની ઘણી યોજનાઓમાં ચાલી રહેલી ગરબડનો પર્દાફાશ કર્યો છે જેમાં આયુષ્માન યોજના, અયોધ્યા વિકાસ પ્રોજેક્ટ અને દ્વારકા એક્સપ્રેસ વેનું નિર્માણ મુખ્ય છે. હાલમાં CAG ચર્ચામાં છે તે રિપોર્ટ શું છે, કેવી રીતે કરે છે કામ? જાણો તેની શક્તિ અને સત્તા વિશે.

સરકારી કંપનીઓ પર પણ CAG નજર રાખે છે

CAG એક એવી સંવિધાનિક સંસ્થા છે જે ભારત સરકાર તેમજ દરેક રાજ્યોની સરકારની આવક અને વપરાશ પર નજર રાખે છે. સરકારી કંપનીઓ પર પણ CAG નજર રાખે છે. તેના રિપોર્ટ પર દરેક ધ્યાન આપે છે અને ગંભીરતાથી પણ લે છે. અત્યારે આખા ભારતની આ સાર્વજનિક સંસ્થામાં 58 હજારથી વધારે કર્મચારી કામ કરી રહ્યા છે. CAGનો રિપોર્ટ આવ્યા બાદ વિરોધ પક્ષોએ કેન્દ્ર સરકારને ઘેરી હતી. દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલે ટ્વીટ કરીને કહ્યું હતું કે મોદી સરકારે 75 વર્ષના ભ્રષ્ટાચારના તમામ રેકોર્ડ તોડી નાખ્યા છે. આ સિવાય કોંગ્રેસના જયરામ રમેશે વડાપ્રધાનને સમગ્ર મામલે મૌન તોડવાનું કહ્યું છે. આ પહેલીવાર નથી જ્યારે  CAGના રિપોર્ટથી સરકારની મુશ્કેલીઓ વધી હોય. આ પહેલા પણ  CAGના રિપોર્ટના કારણે મુખ્યમંત્રી અને મંત્રીઓની ખુરશી પણ જતી રહી છે. 

CAG શું હોય છે અને તે કેવી રીતે કામ કરે છે?

સરકારી ખર્ચની તપાસ માટે સરકારી એજન્સી બનાવવાની બંધારણમાં જોગવાઈ છે. CAGની નિમણુક કલમ 148 મુજબ ભારતના રાષ્ટ્રપતિ કરે છે અને પ્રધાનમંત્રીની સલાહ લેવામાં આવે છે. આ CAGને સુપ્રીમ કોર્ટના ન્યાયાધીશની જેમ હટાવી શકાય છે. બંધારણના અનુચ્છેદ 149, 150 અને 151 CAGના કાર્યો અને સત્તાઓ સાથે વ્યવહાર કરે છે. CAGનું કામ તમામ સરકારી સંસ્થાઓનું ઓડિટ કરવાનું છે અને પોતાનો અહેવાલ સંસદની અને વિધાનસભાઓની અનેક સમિતિઓને આપે છે. આ સમિતિઓ અહેવાલની ચકાસણી કરે છે અને તેમાં તમામ પોલિસીનું પાલન કરવામાં આવ્યું છે કે કેમ તે નક્કી કરે છે. CAGના ઓડિટને બે કેટેગરીમાં વહેંચવામાં આવ્યું છે જેમાં રેગ્યુલેટરી ઓડિટ અને પરફોર્મન્સ ઓડિટ છે.

શું છે રેગ્યુલેટરી ઓડિટ ?

રેગ્યુલેટરી ઓડિટને અનુપાલન ઓડિટ પણ કહેવાય છે. આમાં તમામ સરકારી કચેરીઓની નાણાકીય વિગતોનું વિશ્લેષણ કરવામાં આવે છે. વિશ્લેષણમાં તે મુખ્યત્વે જોવામાં આવે છે કે શું તમામ નિયમો અને કાયદાનું પાલન કરવામાં આવ્યું છે કે નહીં? નિયમિતતા ઓડિટના કારણે 2જી સ્પેક્ટ્રમની હરાજીનો મુદ્દો ઉભો થયો હતો.

શું છે પર્ફોર્મન્સ ઓડિટ ?

પર્ફોર્મન્સ ઓડિટમાં CAG એ શોધી કાઢે છે કે ઓછા ખર્ચે સરકારી યોજના શરૂ કરવાનો હેતુ યોગ્ય રીતે પૂરો થયો છે કે નહીં? આ દરમિયાન યોજનાઓનું બિંદુવાર વિશ્લેષણ કરવામાં આવે છે.

CAGના તાજેતરના રિપોર્ટમાં શું છે?

CAG દ્વારા તાજેતરમાં અનેક રિપોર્ટ આપ્યા છે જેમાં હરિયાણાથી દિલ્હી સુધી બની રહેલા દ્વારકા એક્સપ્રેસ વેમાં થયેલી ગેરરીતિઓનો પર્દાફાશ કર્યો છે. CAG અનુસાર સરકારે તેને 18 કરોડ રૂપિયામાં બનાવવાની મંજૂરી આપી હતી પરંતુ NHAI તેને બનાવવા માટે 250 કરોડ રૂપિયાનો ખર્ચ કરી રહી છે. આ સિવાય અન્ય એક CAGના રિપોર્ટમાં આયુષ્માન સ્કીમમાં ગોટાળાનો ખુલાસો થયો છે જેમાં રિપોર્ટ મુજબ આયુષ્માન યોજના હેઠળ, 3,446 દર્દીઓની સારવાર માટે 6.97 કરોડ રૂપિયા ચૂકવવામાં આવ્યા હતા જેઓ પહેલાથી જ મૃત્યુ પામ્યા હતા અને આયુષ્માન યોજના હેઠળ 7.5 લાખ લાભાર્થીઓ એક જ નંબરના મોબાઈલ નંબર સાથે જોડાયેલા છે. રિપોર્ટમાં ભારે હેરાફેરીનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે. આ ઉપરાંત CAG દ્વારા અયોધ્યાના વિકાસ માટે બનાવવામાં આવી રહેલી સ્વદેશ દર્શન યોજના પર પણ સવાલો ઉઠાવ્યા છે. જેમાં CAG અનુસાર આ પ્રોજેક્ટમાં કોન્ટ્રાક્ટરોને રૂ. 19.73 કરોડનો અયોગ્ય લાભ આપવામાં આવ્યો છે.

હાલમાં કોણ છે CAG?

કોમ્પ્ટ્રોલર એન્ડ ઓડિટર જનરલ ઓફ ઇન્ડિયા એ સરકારના ચીફ ઓડિટર હોય છે. ગિરીશચંદ્ર મુર્મુની નિમણૂક દેશના CAG તરીકે કરવામાં આવી છે. આદિવાસી સમાજમાંથી આવતા મુર્મુ દેશના પ્રથમ ટ્રાબલ CAG પણ છે. ગિરિશચંદ્ર મુર્મુ 1985ની બેચના ગુજરાત કેડરના IAS અધિકારી છે. 

Tags :