Netaji Subhash Chandra Bose: આજે 23 જાન્યુઆરીના રોજ દેશ નેતાજી સુભાષ ચંદ્ર બોઝની 129મી જન્મજયંતિ ઉજવી રહ્યો છે. ત્યારે આ વચ્ચે હવે તેમની દીકરી અનિતા બોઝ ફાફે જાપાનના રેનકોજી મંદિરમાં રાખવામાં આવેલી અસ્થિઓને પરત લાવવાની માગ કરી છે. તે અને તેમના પરિવારના ઘણા સભ્યો આ અસ્થિઓને નેતાજીના અવશેષો માને છે. ફાફે કહ્યું કે, તે ખૂબ જ દુઃખદ છે કે, ભારતની આઝાદી માટે લડતા પોતાના જીવનનું બલિદાન આપનારા નેતાજીના મૃત્યુના 80 વર્ષ બાદ અને ભારતની આઝાદીના 78 વર્ષ પછી પણ તેમના અવશેષો માતૃભૂમિની બહાર રાખવામાં આવ્યા છે.
નેતાજીના અવશેષોની સન્માનજનક વાપસીની માગ
ફાકે એર ન્યૂઝ એજન્સીને મોકલેલા નિવેદનમાં કહ્યું કે, 'હું નેતાજીનું સન્માન કરનારા ભારતીયોને તેમના અવશેષોને અંતિમ અને યોગ્ય સંસ્કાર માટે ભારત પરત લાવવાનું સમર્થન કરવા માટે આમંત્રણ આપું છું.' નેતાજીના ભાઈ શરત બોઝની પૌત્રી માધુરી બોઝે કહ્યું કે, 'પરિવાર અસ્થિઓની વાપસી અને DNA ટેસ્ટની માગ કરી રહ્યું છે, જેથી તેમના એ વિશ્વાસની પુષ્ટિ થઈ શકે કે, તે મહાન સ્વાતંત્ર્ય સેનાનીના જ અવશેષો છે. અમે નેતાજીના પરિવારના સભ્યો મહાન નેતાના અવશેષોની સન્માનજનક વાપસીની માગ કરી રહ્યા છીએ અને મને આશા છે કે આ ટૂંક સમયમાં થશે.'
કેવી રીતે થયું હતું મૃત્યુ?
આઝાદ હિંદ ફોજના કર્નલ હબીબુર રહેમાન સહિત અનેક પ્રત્યક્ષદર્શીઓએ નેતાજીના મૃત્યુની તપાસ માટે રચાયેલા કમિશન સમક્ષ જુબાની આપી હતી કે તેમનું મૃત્યુ ઑગસ્ટ 1945માં તાઇપેઇમાં થયેલ વિમાન દુર્ઘટનામાં થયું હતું. તેઓ તેમાં જીવિત બચી ગયા હતા અથવા તો તે વિશેષ વિમાનમાં ઉડાન ન ભરવાની ધારણાઓ પ્રચલિત રહી છે. કેટલીક ધારણાઓ પ્રમાણે નેતાજી કોઈક રીતે ભારત પરત ફર્યા હતા અને દેશમાં વેશ બદલીને રહી રહ્યા હતા. કોઈ રશિયન ગુલાગ(જેલ)માં તેમનું મૃત્યુ થયું હોવાની પણ ધારણા પ્રચલિત થઈ હતી.
DNA ટેસ્ટની માગ
માધુરી બોઝે જણાવ્યું કે, નેતાજીની દીકરી અનિતા ફાફ, તેમના મોટા ભાઈના પુત્ર અને પ્રખ્યાત ભૌતિકશાસ્ત્રી દ્વારકા નાથ બોઝ અને નેતાજીના બીજા ભત્રીજા અર્ધેન્દુ બોઝ સહિત પરિવારના ત્રણ સભ્યોએ ઑક્ટોબર 2016 અને ડિસેમ્બર 2019માં સરકારને વિવાદ ખતમ કરવા અને રેનકોજીની અસ્થિઓના DNA ટેસ્ટનો આદેશ આપવા માટે વિનંતી કરી હતી. જોકે, અત્યાર સુધી આ કરવામાં નથી આવ્યું.
ફાફેએ નેતાજીના જીવન અને સંઘર્ષને યાદ કરતાં પોતાના સંદેશમાં ઉલ્લેખ કર્યો કે તેમણે સ્વતંત્રતા ચળવળ માટે દાયકાઓ સમર્પિત કર્યા હતા. બાદમાં જ્યારે કારાવાસના કારણે તેમનું મિશન અશક્ય બની ગયું ત્યારે તેમણે ભારત છોડીને દેશની બહારથી સ્વતંત્રતા સંગ્રામ ચાલુ રાખવાનો નિર્ણય કર્યો.
વિમાન દુર્ઘટના
યુરોપ તરફ તેમનું પલાયન, ત્યારબાદ એક સબમરીન દ્વારા દક્ષિણ-પૂર્વ એશિયાની ખતરનાક યાત્રા અને આઝાદ હિંદ ફોજના નેતૃત્વમાં બીજા વિશ્વયુદ્ધ દરમિયાન સ્વતંત્ર ભારતની કામચલાઉ સરકારની રચના થઈ. ફાફે કહ્યું કે, ઑગસ્ટ 1945માં જાપાનની શરણાગતિ બાદ નેતાજી સિંગાપોરથી ટોક્યો માટે રવાના થયા હતા પરંતુ 18 ઑગસ્ટ, 1945ના રોજ તાઇપેઇમાં એક જીવલેણ વિમાન દુર્ઘટનાનો શિકાર બની ગયા.
આ પણ વાંચો: અજિત પવાર પણ 'યુઝ એન્ડ થ્રો'નો શિકાર બનશે? મહારાષ્ટ્રના રાજકારણમાં મોટા ઉલટફેરના સંકેત
જોકે, તેઓ ગંભીર રીતે દાઝી ગયા હોવા છતાં શરુઆતી દુર્ઘટનામાં બચી ગયા હતા, પરંતુ તે જ દિવસે બાદમાં તેઓ મૃત્યુ પામ્યા હતા. તેમના અંતિમ સંસ્કાર તાઇપેઇમાં કરવામાં આવ્યા હતા અને તેમની અસ્થિઓ બાદમાં ટોક્યો લાવવામાં આવી હતી. ત્યારથી નેતાજીની અસ્થિઓ જાપાનના રેનકોજી મંદિરના મુખ્ય પૂજારી દ્વારા સુરક્ષિત કસ્ટડીમાં રાખવામાં આવી હતી, જ્યાં તે આજે પણ છે.


