પુણેમાં કાળા જાદુની ભયાનક ઘટના: મહિલાને સંતાન પ્રાપ્તિ માટે માનવ હાડકાનો પાઉડર ખવડાવ્યો
- મહિલાને ગર્ભ ધારણ કરવા માટે તાંત્રિક દ્વારા આ પાવડર ખવડાવવા માટે મજબૂર કરવામાં આવી તો સાસરિયા વાળા અને પતિએ તેમાં તેનો સાથ આપ્યો
પુણે, તા. 21 જાન્યુઆરી 2023, સોમવાર
મહારાષ્ટ્રના પુણેમાં એક ચોંકાવનારી ઘટના સામે આવી છે. કાળા જાદુની પ્રથાના ભાગરૂપે એક મહિલાને મૃત લોકોના હાડકામાંથી બનાવેલો પાવડર ખાવાની ફરજ પાડવામાં આવી છે. જ્યારે એક મહિલાને ગર્ભ ધારણ કરવા માટે તાંત્રિક દ્વારા આ પાવડર ખવડાવવા માટે મજબૂર કરવામાં આવી તો સાસરિયા વાળા અને પતિએ તેમાં તેનો સાથ આપ્યો.
પોલીસે આરોપીઓ સામે બે કેસ નોંધ્યા છે. પહેલા કેસમાં પીડિતાએ આરોપ લગાવ્યો હતો કે 2019માં લગ્ન સમયે તેના સાસરિયાઓએ દહેજની માંગણી કરી હતી જેમાં કેટલીક રોકડ, સોના અને ચાંદીના દાગીના સામેલ હતા. બીજા કેસમાં પોલીસને મળેલી ફરિયાદ મુજબ લગ્ન બાદ મહિલાને વિવિધ અંધશ્રદ્ધા પ્રવૃતિમાં ધકેલી દેવામાં આવી હતી અને કાળા જાદુમાં પણ સામેલ કરવામાં આવી હતી.
પોલીસે જણાવ્યું કે, આ કેસમાં મહિલાએ જણાવ્યું કે ઘણી અમાવસ્યા દરમિયાન પીડિતાના સાસરિયાઓએ તેને ઘરમાં કેટલીક અંધશ્રદ્ધા પ્રવૃતિઓ કરાવવા દબાણ કર્યું અને અન્ય કેટલીક વિધિઓ કહીને પીડિતાને બળજબરીથી એક અજાણ્યા સ્મશાન ગૃહમાં લઈ ગય અને માનવ હાડકાંનો પાવડર ખાવા માટે કહ્યું.
પુણે સિટી પોલીસના ડેપ્યુટી કમિશનર ઓફ પોલીસ સુહેલ શર્માએ વધુમાં જણાવ્યું હતું કે, સાસરિયાં પીડિતાને અન્ય ધાર્મિક વિધિના બહાને મહારાષ્ટ્રના કોંકણ પ્રદેશના એક અજ્ઞાત વિસ્તારમાં લઈ ગયા હતા જ્યાં તેને એક ઝરણા નીચે 'અઘોરી' પ્રથામાં ભાગ લેવા માટે મજબૂર કરવામાં આવી હતી. આ સાધનાઓ દરમિયાન તેઓ વીડિયો કોલ દ્વારા ફોન પર તાંત્રિક બાબાના નિર્દેશ પણ લઈ રહ્યા હતા.