Get The App

પૂરપાટ દોડતી કાર ટ્રેક્ટર ટ્રોલીમાં ઘૂસી, ગ્વાલિયર ઝાંસી હાઈવે પર ગમખ્વાર અકસ્માતમાં 5ના મોત

Updated: Nov 16th, 2025

GS TEAM

Google News
Google News
પૂરપાટ દોડતી કાર ટ્રેક્ટર ટ્રોલીમાં ઘૂસી, ગ્વાલિયર ઝાંસી હાઈવે પર ગમખ્વાર અકસ્માતમાં 5ના મોત 1 - image

AI Image 



Gwalior jhanshi Accident : મધ્યપ્રદેશના ગ્વાલિયર-ઝાંસી હાઈવે પર માલવા કોલેજની સામે રવિવારે સવારે એક અત્યંત ભીષણ અને દર્દનાક માર્ગ અકસ્માત સર્જાયો છે. રેતી ભરીને જઈ રહેલી એક ટ્રેક્ટર-ટ્રોલીમાં પાછળથી પૂરઝડપે આવી રહેલી ફોર્ચ્યુનર કાર ઘૂસી જતાં કારમાં સવાર પાંચેય લોકોના ઘટનાસ્થળે જ કમકમાટીભર્યા મોત થયા હતા. ટક્કર એટલી ભયાનક હતી કે કારનો કચ્ચરઘાણ નીકળી ગયો હતો અને મૃતદેહોને બહાર કાઢવા માટે ગાડીને કટરથી કાપવી પડી હતી.

કેવી રીતે સર્જાઈ દુર્ઘટના? 

આ ઘટના રવિવારે સવારે લગભગ 6:30 વાગ્યે બની હતી. ફોર્ચ્યુનર કાર (નંબર- MP 07 CG 9006) ઝાંસી તરફથી ગ્વાલિયર તરફ આવી રહી હતી. માલવા કોલેજ પાસેના એક વળાંકમાંથી રેતી ભરેલી ટ્રેક્ટર-ટ્રોલી અચાનક હાઈવે પર આવી. ફોર્ચ્યુનરની ગતિ ખૂબ જ તેજ હોવાને કારણે, ડ્રાઇવરને ગાડી પર કાબૂ મેળવવાનો સહેજ પણ મોકો મળ્યો નહીં અને કાર સીધી ટ્રોલીના પાછળના ભાગમાં ઘૂસી ગઈ.

ભયાનક દ્રશ્યો અને બચાવ કામગીરી 

અકસ્માત એટલો ગંભીર હતો કે અડધીથી વધુ ફોર્ચ્યુનર કાર ટ્રોલીની નીચે ફસાઈ ગઈ હતી અને તેનો આગળનો ભાગ સંપૂર્ણપણે ચકનાચૂર થઈ ગયો હતો. કારમાં સવાર પાંચેય લોકોના મૃતદેહ કાર અને ટ્રોલીની વચ્ચે ફસાઈ ગયા હતા. ઘટનાની જાણ થતાં જ ઝાંસી રોડ પોલીસ સ્ટેશનની ટીમ ઘટનાસ્થળે પહોંચી હતી. સ્થાનિક ગ્રામજનોની મદદથી, પોલીસે કટર મંગાવીને કારના પતરા કાપીને મૃતદેહોને બહાર કાઢવાની કામગીરી શરૂ કરી હતી. પોલીસે જણાવ્યું કે પાંચેય લોકોના મોત ઘટનાસ્થળે જ થઈ ગયા હતા. સમાચાર લખાયા ત્યાં સુધી મૃતકોની ઓળખ થઈ શકી ન હતી અને પોલીસ આગળની કાર્યવાહી કરી રહી છે.

Tags :