Get The App

જાણો, તમારી મનપસંદ 'મેગી'નું નામ મેગી કેવી રીતે પડ્યું?

- 123 વર્ષ જૂનો છે 'ટૂ મિનિટ નૂડલ્સ'નો ઇતિહાસ

Updated: May 2nd, 2020

GS TEAM

Google News
Google News
જાણો, તમારી મનપસંદ 'મેગી'નું નામ મેગી કેવી રીતે પડ્યું? 1 - image

નવી દિલ્હી, તા. 02 મે 2020, શનિવાર 

મેગી, જેને આપણે 'ટૂ મિનિટ નૂડલ્સ' નામથી ઓળખીયે છીએ, આજે વિશ્વભરના લોકોમાં સૌથી વધારે ફેવરિટ છે. ભારતમાં પણ મેગીના દિવાનાઓની સંખ્યા ઘણીબધી છે. જેમને જમવાનું બનાવતા નથી આવડતું તે લોકો આ ઝટપટ મેગી બનાવીને પોતાનું પેટ ભરી લે છે, પરંતુ શું તમે જાણો છો કે મેગી જે આજે ખૂબ જ પ્રચલિત છે  તેનો ઇતિહાસ શું છે અને તેનું નામ મેગી કેવી રીતે પડ્યું? આ લગભગ 123 વર્ષ જૂની વાત છે. 

આમ તો ભારતમાં મેગીની કહાની વર્ષ 1983માં શરૂ થઇ હતી. નેસ્લે ઇન્ડિયા લિમિટેડે ભારતમાં મેગી નૂડલ્સને લૉન્ચ કરી હતી, પરંતુ આ પહેલા વિદેશમાં તે ખૂબ જ પ્રચલિત હતી. વર્ષ 1897માં સૌથી પહેલા જર્મનીમાં મેગી નૂડલ્સ રજૂ કરવામાં આવી હતી. 

જાણો, તમારી મનપસંદ 'મેગી'નું નામ મેગી કેવી રીતે પડ્યું? 2 - image

મેગી નૂડલ્સ બનાવનારનું નામ જૂલિયસ માઇકલ જોહાનસ મેગી હતું. જે સ્વિટ્ઝરલેન્ડના રહેવાસી હતા. તેમના નામ પરથી જ મેગીનું નામ મેગી પડ્યું હતું. તેને બનાવવા પાછળની સ્ટોરી પણ રસપ્રદ છે. હકિકતમાં, વર્ષ 1884માં જૂલિયસે લોટમાંથી બનતા ઉત્પાદનો વેચવાનું શરૂ કર્યુ હતું. પરંતુ આ તેમનો બિઝનેસ ખાસ આગળ ન વધી શક્યો. ત્યારબાદ વર્ષ 1886માં તેમણે વિચાર્યુ કે તેઓ કોઇ એવી ખાદ્ય વસ્તુ બનાવે જે જલ્દી બની જાય. બસ અહીંથી જ મેગીની શરૂઆત થઇ. 

ધીમે ધીમે જૂલિયસની મેગીએ બજારમાં પોતાની ઓળખ બનાવી લીધી.  તે સમયે સ્વિટ્ઝરલેન્ડની સરકારે પણ આ કામમાં તેમની મદદ કરી હતી. જૂલિયસે મેગી ઉપરાંત પણ કેટલાય પ્રકારના ફ્લેવરવાળા સૂપને પણ બજારમાં લાવવાની શરૂઆત કરી અને તે બધા ઘણા લોકપ્રિય થયા હતા. 

વર્ષ 1912 સુધીમાં જૂલિયસ મેગીના ઉત્પાદનોએ અમેરિકા અને ફ્રાન્સ જેવા કેટલાય દેશમાં પોતાની ઓળખ બનાવી લીધી હતી. જો કે તેમના અવસાન બાદ મેગીના ઉત્પાદનમાં થોડોક ફરક જોવા મળ્યો, પરંતુ મેગીની લોકપ્રિયતા બની રહી. ત્યારબાદ વર્ષ 1947માં નેસ્લેએ 'મેગી'ને ખરીદી લીધું ત્યારથી મેગી ભારતમાં પણ પ્રચલિત છે અને ઘરે-ઘરે લોકોની પસંદ બની ગઇ છે.