યુપીના ફતેહપુરમાં મકબરા મુદ્દે હોબાળો, મંદિરના દાવા સાથે પૂજા કરવા પહોંચેલા હિન્દુ સંગઠનોની તોડફોડ
UP Fatehpur News: ઉત્તર પ્રદેશના ફતેહપુરમાં નવાબ અબ્દુલ સમદના મકબરા મુદ્દે હોબાળો ખૂબ વધી ગયો છે. સોમવારે હિન્દુ સંગઠનો આ મકબરો તોડવા માટે પહોંચી ગયા હતા અને તેમનો દાવો છે કે હજારો વર્ષ પહેલાં આ સ્થળે ભગવાન શિવ અને શ્રી કૃષ્ણનું મંદિર હતું. જોકે વહીવટીતંત્રે મકબરાની સુરક્ષા માટે બેરિકેડ લગાવ્યા હતા, પરંતુ ભીડ સામે બધી વ્યવસ્થા અપૂરતી લાગી રહી હતી.
શું મકબરાની જગ્યાએ શિવ મંદિર હતું?
આ સમગ્ર વિવાદ શિવ મંદિર અને મકબરને લઈને છે. હિન્દુ સંગઠનોએ દાવો કર્યો છે કે મકબરાની જગ્યાએ શિવ અને શ્રી કૃષ્ણ મંદિર હતું. હાલમાં સ્થળ પર હિન્દુ સંગઠનોના લોકોની મોટી ભીડ એકઠી થઈ છે. હિન્દુ સંગઠનોના લોકો અહીં મકબરમાં પૂજા કરવા માટે ભેગા થયા છે. વહીવટીતંત્ર આ લોકોને રોકવાનો પ્રયાસ કરી રહ્યું છે, પરંતુ મોટી ભીડને કારણે સફળતા મળી નથી.
આ પણ વાંચોઃ VIDEO : વોટ ચોરી મુદ્દે 300 સાંસદ માર્ગો પર, સંસદથી ચૂંટણી પંચના કાર્યાલય સુધી કૂચ શરૂ
વિવાદનું કારણ ભાજપના નેતાનું નિવેદન
આ ક્ષેત્રના ભાજપના જિલ્લા અધ્યક્ષે અગાઉ નવાબ અબ્દુલ સમદ મકબરાને એક મંદિર ગણાવ્યો હતો અને અહીંથી જ વિવાદની શરૂઆત થઈ હતી. તેમણે આ મકબરાને એક હજાર વર્ષ જૂનું ઠાકુર જી અને શિવજીનું મંદિર ગણાવ્યું હતું. મંદિરના સ્વરૂપને બદલી મકબરો બનાવાયાનો આરોપ મૂકાયો હતો.
મકબરામા ઘૂસીને કરી તોડફોડ
હિન્દુ સંગઠનોએ આ મકબરામાં કમળનું ફૂલ અને ત્રિશૂળના નિશાન બતાવીને તે મંદિર હોવાનો દાવો કર્યો છે. જિલ્લા તંત્રએ આ મામલાને ગંભીરતાથી લીધો છે અને હાલ ઘટનાસ્થળે પોલીસનો મોટો કાફલો ખડકી દીધો છે. મકબરાના પરિસરમાં બનેલા મજાર પર હિન્દુ સંગઠનોના લોકો ઘૂસી ગયા હતા અને તોડફોડ કરવા લાગ્યા હતા. આ ઘટના દરમિયાન પોલીસ સાથે તેમની ઝપાઝપી પણ થઇ હતી.