હિન્દુ યુવક સાથે બાઈક પર જતી મુસ્લિમ મહિલાને ટોળાએ અટકાવી, મહિલાને એકલી ઘરે જવાની ફરજ પાડી
નવી દિલ્હી,તા.19.સપ્ટેમ્બર,2021
હિન્દુ યુવક સાથે બાઈક પર બેઠેલી મુસ્લિમ મહિલાને જોઈને બે અજાણ્યા વ્યક્તિઓએ મહિલા સાથે ખરાબ વર્તન કર્યુ હોવાની ચોંકાવનારી ઘટના બેંગ્લોરમાં બની છે.
આ બંને વ્યક્તિઓએ મહિલાને તેના પતિને ફોન કરવાની ફરજ પાડી હતી અને પછી તેના પતિ સાથે તેમણે વાત કરી હતી.એ પછી મહિલાને બાઈક પરથી ઉતરીને એકલા જવાની ફરજ પાડી તહી.
આ અંગેનો વિડિયો હવે વાયરલ થઈ રહ્યો છે.જેમાં કેટલાક યુવકો એક બાઈક સવારનો પીછો કરે છે અને તેને રોકવાની ફરજ પાડે છે.પોલીસે પણ આ ઘટના બની હોવાનુ કહ્યુ છે.વિડિયોમાં દેખાઈ રહ્યુ છે કે, યુવકો બાઈક સવારને મારે છે અને કહે છે કે, બુરખો પહેરેલી આ મહિલાને બાઈક પર બેસાડીને ક્યાં લઈ જઈ રહ્યા છો, ટોળામાંથી એક વ્યક્તિ મહિલાનુ નામ પૂછે છે અને કહે છે કે, કેવો જમાનો આવી ગયો છે, તને શરમ આવી જોઈએ કે તું આની સાથે બેસીને જઈ રહી છે.
ટોળુ મહિલા પાસે તેના પતિનો નંબર માંગે છે અને મહિલા પોતે જ પતિને ફોન લગાવીને આપી દે છે.એક વ્યક્તિ મહિલાના પતિ સાથે પણ ખરાબ રીતે વાત કરે છે અને એ પછી મહિલાને કહે છે કે, બાઈક પરથી ઉતરીને જાતે જ તારી ઘરે જા.
આ ઘટનાનો વિડિયો વાયરલ થયા બાદ હવે પોલીસે કાર્યવાહી કરીને ધમકી આપનાર અને મારપીટ કરનાર બે વ્યક્તિની ધરપકડ કરી છે.