હિન્દી VS મરાઠી: મુંબઈમાં રિક્ષાચાલકને ટોળાંએ ઢોર માર માર્યો, કહ્યું- આ 'શિવસેના સ્ટાઈલ' છે
Hindi Controversy News : મહારાષ્ટ્રના પાલઘર જિલ્લાના વિરારમાં શનિવારે એક ઓટો રિક્ષા ચાલકને માર મારવામાં આવ્યો હોવાનો વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થયો હતો. વીડિયોમાં દેખાય છે કે શિવસેના (ઉદ્ધવ બાળાસાહેબ ઠાકરે જૂથ) અને મહારાષ્ટ્ર નવનિર્માણ સેનાના કાર્યકરોએ જાહેરમાં ડ્રાઇવરને માર માર્યો હતો અને મરાઠી ભાષા અને મહારાષ્ટ્ર વિરુદ્ધ કથિત રીતે 'વાંધાજનક' ટિપ્પણી કરવા બદલ માફી મગાવી હતી.
થોડા દિવસ પહેલા થયો હતો ઝઘડો
થોડા દિવસો પહેલા, વિરાર સ્ટેશન પરિસરમાં એક રિક્ષા ચાલક અને ટુ-વ્હીલર સવાર વચ્ચે મરાઠી ભાષાને લઈને ઝઘડો થયો હતો. રિક્ષા ચાલક યુવકને ધમકાવતો અને મરાઠી ભાષામાં બોલવાનો વિરોધ કરતો જોવા મળ્યો હતો. રિક્ષા ચાલકે યુવકને પણ ધમકી આપી હતી અને તેને ભોજપુરી અને હિન્દી બોલવાની ફરજ પાડી હતી.
શું છે આખો મામલો?
વાયરલ વીડિયો મુજબ આ ઘટના વિરાર રેલ્વે સ્ટેશન નજીક એક વ્યસ્ત રસ્તા પર બની હતી. એવું જાણવા મળ્યું હતું કે બહારથી આવેલા સ્થળાંતરિત ડ્રાઇવરે કથિત રીતે મરાઠી ભાષા, મહારાષ્ટ્ર રાજ્ય અને મરાઠી આઇકોન્સ વિરુદ્ધ અપમાનજનક ટિપ્પણી કરી હતી. એવો દાવો કરવામાં આવી રહ્યો છે કે આનો એક અલગ વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ ગયો છે, જેના કારણે સ્થાનિક રાજકીય સંગઠનો અને લોકોમાં રોષ ફેલાયો હતો.
જાહેરમાં માફી મગાવી
શનિવારે, મહિલાઓ સહિત એક જૂથે ઓટો ડ્રાઈવરને થપ્પડ મારી અને તેને એક પુરુષ અને તેની બહેનની જાહેરમાં માફી માંગવા દબાણ કર્યું, જેમની સાથે તેણે કથિત રીતે દુર્વ્યવહાર કર્યો હતો. આ ઉપરાંત, તેને મહારાષ્ટ્ર અને તેની સંસ્કૃતિનું 'અપમાન' કરવા બદલ જાહેરમાં માફી માંગવા પણ કહેવામાં આવ્યું હતું.
શિવસેના (UBT)નું રિએક્શન
શિવસેના (UBT) વિરાર શહેરના વડા ઉદય જાધવે ઘટનાની પુષ્ટિ કરતા કહ્યું, "જો કોઈ મરાઠી ભાષા, મહારાષ્ટ્ર અથવા મરાઠી લોકોનું અપમાન કરશે, તો તેને શિવસેનાની રીતે જવાબ મળશે. અમે ચૂપ નહીં બેસીએ." તેમણે કહ્યું કે ડ્રાઈવરે મહારાષ્ટ્ર અને મરાઠી માનુષ વિરુદ્ધ બોલવાની 'હિંમત' બતાવી હતી તેથી તેને 'પાઠ શીખવવામાં આવ્યો' અને લોકો પાસે માફી માંગવા માટે કહેવામાં આવ્યું.