બે દિવસમાં મસ્જિદ તોડી પાડો...' શિમલામાં ગેરકાયદે બાંધકામ અંગે હોબાળો, વિધાનસભામાં પણ મામલો ઉછળ્યો

Updated: Sep 5th, 2024


Google NewsGoogle News
બે દિવસમાં મસ્જિદ તોડી પાડો...' શિમલામાં ગેરકાયદે બાંધકામ અંગે હોબાળો, વિધાનસભામાં પણ મામલો ઉછળ્યો 1 - image


Image Source: X

Shimla Mosque Controversy: શિમલાના સંજૌલી વિસ્તારમાં મસ્જિદના કથિત ગેરકાયદે બાંધકામનો વિવાદ વધુ ઘેરો બની રહ્યો છે. આ મુદ્દે સ્થાનિક લોકોએ તો વિરોધ પ્રદર્શન કર્યું જ પરંતુ આ મુદ્દે કોંગ્રેસ અને ભાજપના નેતાઓ વચ્ચે તીખા નિવેદનો શરૂ થઈ ગયા છે. AIMIMના ચીફ અસદુદ્દીન ઓવૈસીએ પણ આ મુદ્દે કોંગ્રેસને આડે હાથ લીધી હતી. જેના કારણે રાજકારણ ગરમાયું છે. 

રાજ્યના ઘણા મંત્રીઓ, વિપક્ષી નેતાઓ અને પૂર્વ મુખ્યમંત્રી જયરામ ઠાકુરે મસ્જિદના ગેરકાયદે બાંધકામ પર પોત-પોતાની પ્રતિક્રિયાઓ આપી છે. મોટી વાત એ છે કે, રાજ્ય સરકારમાં મંત્રી અનિરુદ્ધ સિંહે પણ આ બાંધકામને લઈને સરકાર અને તંત્ર પર સવાલ ઉઠાવ્યા છે. જે હિંમત સાથે તેમણે વિધાનસભામાં આ મુદ્દે પોતાનું સ્ટેન્ડ લીધું, તેના સમર્થનમાં સત્તાધારી પક્ષ કરતાં વધુ વિપક્ષ જોવા મળ્યો હતો. આ મુદ્દે AIMIMના ચીફ અસદુદ્દીન ઓવૈસીએ કોંગ્રેસ સરકાર પર પ્રહાર કર્યા છે.

ગેરકાયદે બાંધકામ હટાવવા માટે હિન્દુ સંગઠને આપ્યું બે દિવસનું અલ્ટીમેટમ

ગેરકાયદે બાંધકામના આ મામલાને કારણે હિમાચલ પ્રદેશમાં રસ્તાઓથી લઈને વિધાનસભા સુધી હોબાળો થઈ રહ્યો છે. આજે હિન્દુ સંગઠનોના લોકો બપોરે અહીં એકત્ર થયા અને વિરોધ માર્ચ કાઢી હતી. બીજી તરફ હિમાચલ પ્રદેશ વિધાનસભામાં આ મુદ્દે સરકારનો રિપોર્ટ રજૂ કરનાર મંત્રી અનિરુદ્ધ સિંહ પણ અહીં પહોંચ્યા હતા અને વિરોધ પ્રદર્શનને સંબોધિત કર્યું હતું. હિન્દુ સંગઠનોએ આ મામલે હવે સરકારને બે દિવસનું અલ્ટીમેટમ આપ્યું છે.

અનિરુદ્ધ સિંહે વિધાનસભામાં ઉઠાવ્યા સવાલ

હિમાચલ પ્રદેશના ગ્રામીણ વિકાસ અને પંચાયતી રાજ મંત્રી અનિરુદ્ધ સિંહે વિધાનસભામાં મસ્જિદના નિર્માણના મુદ્દે કડક ટિપ્પણી કરી હતી. તેમણે કહ્યું કે, સંજૌલી બજારમાં મહિલાઓ માટે ચાલવું મુશ્કેલ બની ગયું છે. ચોરીઓ થઈ રહી છે, લવ જેહાદ જેવી ઘટનાઓ ઘટી રહી છે, જે રાજ્ય અને દેશ માટે ખતરનાક છે. મસ્જિદનું ગેરકાયદે બાંધકામ કરવામાં આવ્યું છે. પહેલા એક માળનું નિર્માણ કરવામાં આવ્યું હતું. પછી મંજૂરી વિના બાકીની માળનું બાંધકામ કરવામાં આવ્યું. હવે 5 માળની મસ્જિદ બનાવી દેવામાં આવી. તંત્રને એ સવાલ છે કે, મસ્જિદના ગેરકાયદે બાંધકામનું વીજળી-પાણીમાં કાપ કેમ મૂકવામાં ન આવ્યો?

અનિરુદ્ધ સિંહે વિધાનસભામાં મસ્જિદ વિવાદ અંગે ભારપૂર્વક પોતાના વિચારો વ્યક્ત કર્યા. તેમણે કહ્યું કે સંજૌલી બજારમાં મહિલાઓ માટે ચાલવું મુશ્કેલ બની ગયું છે. તેમણે આરોપ લગાવ્યો કે હું પોતે ત્યાં કરવામાં આવી રહેલી અભદ્ર ટિપ્પણીઓનો સાક્ષી છે. તેમણે એમ પણ કહ્યું કે ડ્રગ્સ અને ચોરી જેવી ગુનાહિત પ્રવૃત્તિઓ વધી રહી છે. આ સાથે જ લવ જેહાદનો મુદ્દો પણ ઉઠાવ્યો. જેને તેમણે દેશ અને રાજ્ય માટે ગંભીર ખતરો ગણાવ્યો. સિંહે કહ્યું કે આ વિસ્તારમાં થતા ઝઘડા અને હિંસા પાછળ સ્થાનિક લોકોનો હાથ નથી પરંતુ આને બહારના તત્વો દ્વારા શરૂ કરવામાં આવ્યું હતું જેના પછી સ્થાનિક લોકોએ પ્રતિક્રિયા આપી છે.

તેમણે મુખ્યમંત્રી પાસે માગ કરી કે રાજ્યમાં કામ માટે આવતા લોકોની યોગ્ય ચકાસણી કરવામાં આવે. સિંહે ભારપૂર્વક કહ્યું કે, માત્ર હિમાચલી બોનિફાઈડ નાગરિકોને જ તહબજારીનું લાયસન્સ આપવું જોઈએ. વિપક્ષે પણ આ મામલે અનિરુદ્ધ સિંહનું સમર્થન કર્યું, જેના કારણે સરકાર પર આ મામલે યોગ્ય પગલાં લેવાનું દબાણ વધુ વધી ગયું છે.

ઓવૈસીના કોંગ્રેસ પર પ્રહાર

AIMIMના ચીફ અસદુદ્દીન ઓવૈસીએ હિમાચલ પ્રદેશના મંત્રી અનિરુદ્ધ સિંહના નિવેદન પર આકરી પ્રતિક્રિયા આપી અને કોંગ્રેસ પર ભાજપની ભાષા બોલવાનો આરોપ લગાવ્યો. ઓવૈસીએ સોશિયલ મીડિયા પર એક વીડિયો પોસ્ટ કરીને કહ્યું કે, હિમાચલની સરકાર ભાજપની છે કે કોંગ્રેસની? હિમાચલની 'મોહબ્બત ની દુકાનમાં નફરત જ નફરત' છે. 

અનિરુદ્ધ સિંહે ઓવૈસીને આપ્યો જવાબ

બીજી તરફ અનિરુદ્ધ સિંહે ઓવૈસીના નિવેદનનો જવાબ આપતા કહ્યું કે મંદિર અને મસ્જિદ ખાનગી સંપત્તિ નથી. અહીં કાયદેસર અને ગેરકાયદેસરની બાબત છે. ગેરકાયદે તો ગેરકાયદે જ છે. તેમણે કહ્યું કે ઓવૈસી ભાજપની બી ટીમ છે. તેમનું રાજકારણ માત્ર એક સમુદાયના બળ પર ચાલે છે. તેણે તેના રાજ્યની સંભાળ લેવી જોઈએ. બહારથી આવતા લોકોનો મુદ્દો ગંભીર છે અને તેની ઓળખ કરવી જરૂરી છે. તેણે દાવો કર્યો કે ગુનાહિત પૃષ્ઠભૂમિના લોકો હિમાચલમાં આવી રહ્યા છે.

CMએ કહી આ વાત

આ મામલે સીએમ સુખવિંદર સિંહ સુખુએ કહ્યું કે, રાજ્યમાં તમામ ધર્મના લોકોનું સન્માન કરવામાં આવે છે. કાયદો પોતાના હાથમાં લેનારાઓ સામે કડક કાર્યવાહી કરવામાં આવશે. કયા કારણોસર આવી સ્થિતિ સર્જાઈ તેની તપાસ કરવામાં આવી રહી છે. શહેરી વિકાસ મંત્રીએ પણ આ અંગે ગૃહમાં પોતાનું નિવેદન આપ્યું છે. હિમાચલ પ્રદેશમાં આવનાર દરેક વ્યક્તિ કાયદાથી બંધાયેલો છે અને રાજ્યનો નાગરિક પણ કાયદાથી બંધાયેલો છે. રાજ્યમાં શાંતિપૂર્ણ પ્રદર્શનનું સન્માન કરવામાં આવશે. રાજ્યમાં કાયદો અને વ્યવસ્થા તોડવાની કોઈને મંજૂરી નથી.

પૂર્વ CM જયરામ ઠાકુરે કાર્યવાહીની કરી માગ

પૂર્વ મુખ્યમંત્રી જયરામ ઠાકુરે મસ્જિદના ગેરકાયદે બાંધકામને દુર્ભાગ્યપૂર્ણ ગણાવ્યું અને કડક કાર્યવાહી કરવાની માગ કરી છે. તેમણે કહ્યું કે, મસ્જિદનું ગેરકાયદે બાંધકામ કરવું દુર્ભાગ્યપૂર્ણ છે અને તેના પર તાત્કાલિક કાર્યવાહી થવી જોઈએ. 

શું બોલ્યા વિક્રમાદિત્ય સિંહ

બીજી તરફ કોંગ્રેસના મંત્રી વિક્રમાદિત્ય સિંહે આ મુદ્દે સાવચેતી રાખવાની અપીલ કરી છે. તેમણે કહ્યું કે, હિમાચલનો ઈતિહાસ બધાને સાથે લઈને ચાલવાનો છે. આપણે આ મુદ્દે સાવચેતી પૂર્વક આગળ વધવું પડશે અને તમામની ભાવનાનું સમ્માન કરવું પડશે. સરકાર કાયદા હેઠળ ન્યાયપૂર્ણ કાર્યવાહી કરશે. ધર્મના નામ પર રાજનીતિ ન થવી જોઈએ. હિમાચલમાં બધા માટે મોહબ્બત છે અને અહીં નફરતનું કોઈ સ્થાન નથી. શહેરમાં ગેરકાયદે બાંધકામને સાંખી લેવામાં નહીં આવશે. ફેક આઈડી લઈને લોકો હિમાચલમાં આવી રહ્યા છે, આ હિમાચલની આંતરિક સુરક્ષા માટે પ્રશ્નાર્થ ચિહ્ન છે. સરકાર સાંપ્રદાયિક મામલામાં નહીં ફસાસે. 

વિરોધને લઈને સંજૌલીમાં તણાવ

શિમલાના સંજૌલી ઉપનગરમાં મસ્જિદના કથિત ગેરકાયદે બાંધકામના વિરોધમાં સેંકડો લોકો એકઠા થયા છે. લોકોએ પહેલા સંજૌલી બજારમાં વિરોધ માર્ચ કાઢી અને પછી મસ્જિદની બહાર ભેગા થઈને તેનો ઘેરાવ કર્યો. તેમની માગ છે કે મસ્જિદનું ગેરકાયદે બાંધકામ તોડી પાડવામાં આવે. ગત શુક્રવારે સાંજે માલ્યાનામાં હિંદુ અને મુસ્લિમ સમુદાય વચ્ચેની લડાઈ બાદ આ મામલો ઉછળ્યો છે. આરોપ છે કે મુસ્લિમ સમુદાયના એક વ્યક્તિએ સ્થાનિક દુકાનદાર યશપાલ સિંહ પર હુમલો કર્યો, જેના કારણે તેમના માથામાં 14 ટાંકા આવ્યા હતા. ત્યારબાદ વિસ્તારના લોકોએ આરોપી વિરુદ્ધ હત્યાના પ્રયાસની કલમ હેઠળ કેસ નોંધવાની માગ કરી છે.

મસ્જિદનું બાંધકામ ગેરકાયદે

મ્યુનિસિપલ કોર્પોરેશન શિમલાના કમિશનર ભૂપેન્દ્ર અત્રીએ જણાવ્યું કે મસ્જિદ માટે માત્ર એક માળ બાંધવાની મંજૂરી આપવામાં આવી હતી, પરંતુ વધુ ત્રણ માળ ગેરકાયદે રીતે બાંધવામાં આવી છે. આ મામલો કોર્ટમાં પેન્ડિંગ છે અને વક્ફ બોર્ડને પણ તેમાં પક્ષકાર બનાવવામાં આવ્યો છે. અત્રીએ એ પણ સ્પષ્ટતા કરી કે જ્યારથી મામલો કોર્ટમાં ગયો છે ત્યારથી કોઈ નવું બાંધકામ નથી થયું. તેમણે ખાતરી આપી કે ગેરકાયદેસર બાંધકામ સામે કાયદા મુજબ કાર્યવાહી કરવામાં આવશે.


Google NewsGoogle News