Get The App

હિમાચલમાં મેઘરાજાનું તાંડવ: બસ સ્ટેન્ડ ડૂબ્યું, બસો તણાઈ, મંડીમાં વાદળ ફાટતાં તારાજી

Updated: Sep 16th, 2025

GS TEAM

Google News
Google News
Himachal Pradesh Heavy Rainfall


Himachal Pradesh Heavy Rainfall: હિમાચલ પ્રદેશમાં ભારે વરસાદે ફરી એકવાર કહેર વર્તાવ્યો છે. 15 સપ્ટેમ્બરના રોજ મંડીના ધરમપુરમાં વાદળ ફાટવાને કારણે બસ સ્ટેન્ડ પાણીમાં ડૂબી ગયું અને શિમલામાં ભૂસ્ખલનથી જનજીવન અસ્તવ્યસ્ત થઈ ગયું છે. આ વરસાદ હવે માત્ર હવામાનનો ફેરફાર નહીં, પરંતુ લોકો માટે એક મોટી મુસીબત બની ગયો છે, જેના કારણે ચારેબાજુ પાણી, કાટમાળ અને વિનાશ જોવા મળી રહ્યો છે.

હિમાચલ પ્રદેશમાં વરસાદનો કહેર

ગઈ રાત્રે ધરમપુરમાં ભારે વરસાદથી આખું બસ સ્ટેન્ડ પાણીમાં ડૂબી ગયું, જેમાં બસો અને અન્ય વાહનો તણાઈ ગયા. સોન ખડનું જળસ્તર વધતા લોકોના ઘરો અને દુકાનોમાં પણ પાણી ઘૂસી ગયું. આ ઘટનામાં એક વ્યક્તિ ગુમ છે. પરિસ્થિતિ એટલી ગંભીર હતી કે લોકોએ રાત્રે ઘરની છત પર ચઢીને પોતાનો જીવ બચાવ્યો અને પોલીસે તત્કાળ બચાવ કામગીરી શરૂ કરી હતી.

વરસાદ અને વાવાઝોડાથી જનજીવન પ્રભાવિત: 3 હાઇવે બંધ

હવામાન વિભાગના જણાવ્યા અનુસાર, સોમવારે હિમાચલ પ્રદેશના કેટલાક ભાગોમાં ભારે વરસાદ અને વાવાઝોડું આવ્યું, જેના કારણે 3 રાષ્ટ્રીય ધોરીમાર્ગો સહિત 493 રસ્તાઓ બંધ રહ્યા. છેલ્લા 24 કલાકમાં જોગીન્દરનગરમાં 56 મિમી, પાલમપુરમાં 48 મિમી, પંડોહમાં 40 મિમી અને કાંગડામાં 34.2 મિમી સહિત અનેક વિસ્તારોમાં નોંધપાત્ર વરસાદ નોંધાયો. આ દરમિયાન, નગરોટા સુરિયાંમાં 30 મિમી, મંડીમાં 27.5 મિમી, સરાહન માં 18.5 મિમી, મુરારી દેવીમાં 18.2 મિમી, ભરેરીમાં 17.6 મિમી અને કરસોગમાં 17 મિમી વરસાદ પડ્યો.

હરે વરસાદના કારણે વાહનવ્યવહાર બંધ 

હવામાન વિભાગ મુજબ, કાંગડા, જોત, સુંદરનગર અને પાલમપુરમાં ગાજવીજ સાથે વરસાદ થયો, જ્યારે રિકાંગપિયો અને સેઓબાગમાં તેજ પવન ફૂંકાયો. રાજ્ય કટોકટી સંચાલન કેન્દ્ર (SEOC) અનુસાર, આ ઘટનાને કારણે 493 રસ્તાઓ, જેમાં ત્રણ મુખ્ય રાષ્ટ્રીય ધોરીમાર્ગોનો સમાવેશ થાય છે, વાહનવ્યવહાર માટે બંધ રહ્યા. આ ઉપરાંત, 352 વીજળી ટ્રાન્સફોર્મર અને 163 જળ-પુરવઠા યોજનાઓ પણ ખોરવાઈ ગઈ છે.

આ પણ વાંચો: દેહરાદૂનમાં વાદળ ફાટ્યું; પર્યટન સ્થળ સહસ્ત્રધારામાં તારાજી, રાતોરાત 100 લોકોનું રેસ્ક્યૂ

ભારે વરસાદના કારણે રાજ્યને 4504 કરોડ રૂપિયાનું નુકસાન 

રાજ્યમાં 20 જૂનથી ચોમાસાની શરૂઆત થઈ ત્યારથી અત્યાર સુધીમાં વરસાદ સંબંધિત ઘટનાઓ અને માર્ગ અકસ્માતોને કારણે કુલ 409 લોકોનાં મોત થયા છે અને 41 લોકો ગુમ છે. આ સમયગાળા દરમિયાન, રાજ્યને 4,504 કરોડ રૂપિયાનું નુકસાન થયું છે. આ સિઝનમાં 1 જૂનથી 15 સપ્ટેમ્બર સુધીમાં, હિમાચલ પ્રદેશમાં 991.1 મિમી સરેરાશ વરસાદ નોંધાયો, જે સામાન્ય કરતાં 44% વધુ છે. ચોમાસું 20 થી 25 સપ્ટેમ્બરની વચ્ચે રાજ્યમાંથી વિદાય લેવાની શક્યતા છે.

હિમાચલમાં મેઘરાજાનું તાંડવ: બસ સ્ટેન્ડ ડૂબ્યું, બસો તણાઈ, મંડીમાં વાદળ ફાટતાં તારાજી 2 - image

Tags :