Get The App

શું બે-ત્રણ વધુ બ્લાસ્ટ થશે પછી જાગશે સરકાર? લાલ કિલ્લા નજીક થયેલા વિસ્ફોટ મામલે હાઈકોર્ટ લાલઘૂમ

Updated: Dec 17th, 2025

GS TEAM

Google News
Google News
શું બે-ત્રણ વધુ બ્લાસ્ટ થશે પછી જાગશે સરકાર? લાલ કિલ્લા નજીક થયેલા વિસ્ફોટ મામલે હાઈકોર્ટ લાલઘૂમ 1 - image


Delhi High Court : દિલ્હી હાઈકોર્ટે સેકન્ડ હેન્ડ વાહનોના વેચાણ અને ટ્રાન્સફર અંગે દિલ્હી સરકારને ઠપકો આપ્યો છે. કોર્ટે જણાવ્યું હતું કે, વપરાયેલા વાહનોના બજારમાં નિયમોનો અભાવ માત્ર વહીવટી ભૂલ નથી પરંતુ સુરક્ષા માટે ગંભીર ખતરો પણ છે. શું બે-ત્રણ વધુ બ્લાસ્ટ થશે પછી જાગશે સરકાર?

હાઈકોર્ટે દિલ્હી સરકાર સામે નારાજગી વ્યક્ત કરી 

દિલ્હી હાઈકોર્ટના મુખ્ય ન્યાયાધીશ દેવેન્દ્ર કુમાર ઉપાધ્યાય અને ન્યાયાધીશ તુષાર રાવ ગેડેલાની બેન્ચે લાલ કિલ્લા પાસે તાજેતરમાં થયેલા ભયાનક વિસ્ફોટનો ઉલ્લેખ કરતા કહ્યું કે, 'આ ઘટનામાં સેકન્ડ હેન્ડ કારનો ઉપયોગ કરવામાં આવ્યો હતો.' કોર્ટે કડક ટિપ્પણી  કરી કે, 'એક કારના ચાર વખત માલિક બદલાય છે, પરંતુ કાગળ પર માલિક જૂના જ રહે છે. તો પછી કોને જવાબદાર ઠેરવવામાં આવશે? શું બે કે ત્રણ વધુ બોમ્બ વિસ્ફોટ પછી સરકાર નિર્ણય લેશે?' 

દિલ્હી હાઈકોર્ટે દિલ્હી સરકારને આ મામલે વિગતવાર જવાબ દાખલ કરવાનો નિર્દેશ આપ્યો અને સ્પષ્ટ કર્યું કે, આગળ કોઈ તારીખ આપવામાં આવશે નહીં. આ કેસમાં આગામી સુનાવણી હવે જાન્યુઆરી 2026માં થશે.

દિલ્હી હાઈકોર્ટમાં ટુવર્ડ્સ હેપ્પી અર્થ ફાઉન્ડેશને દાખલ કરી અરજી

દિલ્હી હાઈકોર્ટમાં આ અરજી ટુવર્ડ્સ હેપ્પી અર્થ ફાઉન્ડેશન નામના એક NGO દ્વારા દાખલ કરવામાં આવી છે. અરજીમાં જણાવાયું છે કે, ડિસેમ્બર 2022માં લાગુ કરાયેલા સેન્ટ્રલ મોટર વ્હીકલ રૂલ્સની કલમ 55A અને 55Hનો જમીન પર યોગ્ય રીતે અમલ થઈ રહ્યો નથી. આ નિયમો સેકન્ડ હેન્ડ વાહનના વેપારને નિયંત્રિત કરવા અને જવાબદારી સુનિશ્ચિત કરવા માટે બનાવવામાં આવ્યા હતા. 

અરજીમાં અરજદારે જણાવે હતું કે, નિયમો એટલાં ખામીયુક્ત છે કે ડીલરો વચ્ચે વાહન ટ્રાન્સફરને ટ્રેક કરવા માટે કોઈ મજબૂત સિસ્ટમ નથી. એકવાર વાહન પ્રથમ ડીલર પાસે રજીસ્ટર થઈ જાય, પછી તે કેટલી વાર હાથ બદલાય છે તેનો કોઈ રેકોર્ડ રખાતો નથી.

આ પણ વાંચો: દિલ્હીમાં પ્રદૂષણની ગંભીર સ્થિતિ વચ્ચે 50% માટે વર્ક ફ્રોમ હોમ ફરજિયાત, આ લોકોના ખાતામાં 10-10 હજાર રૂપિયા આવશે

દિલ્હીમાં એક પણ સેકન્ડ હેન્ડ કાર ડીલર નોંધાયેલા નથી: અરજદાર

અરજીમાં એવો પણ દાવો કરવામાં આવ્યો હતો કે, દેશભરમાં 30,000 થી 40,000 સેકન્ડ હેન્ડ કાર ડીલરમાંથી ખૂબ જ ઓછા લોકોએ અધિકૃત ડીલર તરીકે નોંધણી કરાવી છે. જેમાં દિલ્હીમાં એક પણ ડીલર નોંધાયેલા નથી. આમ લાખો વાહનો સ્પષ્ટ રેકોર્ડ વિના રસ્તાઓ પર દોડી રહ્યા છે. લાલ કિલ્લા પાસે તાજેતરમાં થયેલા હુમલાનો ઉલ્લેખ કરીને, અરજીમાં કહેવામાં આવ્યું હતું કે 11 વર્ષ જૂની વપરાયેલી કાર ઘણી વખત વેચાઈ હતી, પરંતુ નોંધણી હજુ પણ અગાઉના માલિકના નામે હતી. કોર્ટે આ બાબતને ગંભીર ગણીને સરકાર પાસેથી જવાબ માંગ્યો છે.