Passport Ranking 2026: શું તમે ક્યારેય વિચાર્યું છે કે તમારો પાસપોર્ટ તમને કેટલા દેશોમાં 'વિઝા ઓન અરાઈવલ' ની સુવિધા આપે છે? લેટેસ્ટ 'હેનલે પાસપોર્ટ ઈન્ડેક્સ 2026' માં આ સવાલનો જવાબ છે. વિશ્વના સૌથી શક્તિશાળી પાસપોર્ટની યાદી જાહેર કરવામાં આવી છે અને આ વખતે ભારત માટે સારા સમાચાર છે, જ્યારે પાડોશી દેશ પાકિસ્તાન ભારત કરતા ઘણું પાછળ રહી ગયું છે. આવો જાણીએ કે 2026 માં કયા દેશનો પાસપોર્ટ સૌથી મજબૂત છે, હેનલી પાસપોર્ટ ઈન્ડેક્સમાં ભારતનું રેન્કિંગ કેટલું છે અને ભારતીયો કેટલા દેશોની યાત્રા વિઝા વગર કરી શકે છે.
કયા દેશનો પાસપોર્ટ સૌથી વધુ શક્તિશાળી?
સતત બીજા વર્ષે સિંગાપુરે વિશ્વના સૌથી શક્તિશાળી પાસપોર્ટનું બિરુદ જાળવી રાખ્યું છે. ગત વર્ષે પણ સિંગાપુરનો પાસપોર્ટ વિશ્વમાં પ્રથમ ક્રમે હતો. સિંગાપુરના નાગરિકો પોતાનો પાસપોર્ટ લઈને વિઝા વગર જ 192 દેશોની યાત્રા કરવા માટે સક્ષમ છે. બીજી તરફ, અફઘાનિસ્તાન ફરી એકવાર અંતિમ ક્રમે છે, જેના પાસપોર્ટ ધારકો વિઝા વગર માત્ર 24 સ્થળોએ જ જઈ શકે છે.

જાપાન અને દક્ષિણ કોરિયા 188 દેશોમાં વિઝા વગર મુસાફરી કરવાની સુવિધા સાથે બીજા ક્રમે છે. ડેનમાર્ક, લક્ઝમબર્ગ, સ્પેન, સ્વીડન અને સ્વિત્ઝરલેન્ડ 186 ડેસ્ટિનેશન સાથે ત્રીજા સ્થાને છે. જ્યારે ઓસ્ટ્રેલિયા, બેલ્જિયમ, ફિનલેન્ડ, ફ્રાંસ, જર્મની, ગ્રીસ, આયર્લેન્ડ, નેધરલેન્ડ અને નોર્વે 185 ડેસ્ટિનેશન સાથે ચોથા સ્થાને છે. હંગરી, પોર્ટુગલ, સ્લોવાકિયા, સ્લોવેનિયા અને UAE ટોપ-5 માં સામેલ છે, જે 184 દેશો સુધી પહોંચ પ્રદાન કરે છે.
પાસપોર્ટ રેન્કિંગમાં ભારતનું સ્થાન ક્યાં?
હેનલી પાસપોર્ટ ઈન્ડેક્સ 2026માં ભારત, અલ્જિરિયાની સાથે 80માં સ્થાન પર છે. ભારતના નાગરિકો પાસપોર્ટ દ્વારા 55 દેશોમાં વિઝા વગર યાત્રા કરી શકે છે. વર્ષ 2025માં ભારતનું રેન્કિંગ પાંચ અંક નીચે ગયું હતું, પરંતુ ગત વર્ષના 85માં સ્થાનથી આવેલો આ ઉછાળો ભારતની રાજદ્વારી (Diplomatic) પહોંચમાં થઈ રહેલી પ્રગતિ અને વધતી જતી આંતરરાષ્ટ્રીય ટ્રાવેલ એક્સેસ દર્શાવે છે.
પાકિસ્તાનનો પાસપોર્ટ કેટલો મજબૂત?
પાડોશી દેશ પાકિસ્તાન થોડું ઉપર આવીને 98માં સ્થાન પર પહોંચ્યું છે, જોકે માત્ર 31 દેશોમાં જ એન્ટ્રી મળવાને કારણે તે યમન, ઇરાક, સીરિયા અને અફઘાનિસ્તાન જેવા દેશોની સાથે યાદીમાં નીચે છે. પાકિસ્તાનના લોકો માત્ર 31 દેશોમાં વિઝા વગર યાત્રા કરી શકે છે.


