For Real Time Updates and Better ExperienceDownload the app Now!
Download the app Now!

હેલિકોપ્ટર દુર્ઘટનામાં લશ્કરી વડા બિપિન રાવત સહિત 13નાં મૃત્યુ

Updated: Dec 8th, 2021


- સીડીએસ રાવત, તેમના પત્ની અને ૧૨ અધિકારીઓ સાથેનું અત્યાધુનિક હેલિકોપ્ટર તમિલનાડુમાં કુન્નૂરના જંગલમાં ક્રેશ થતાં અનેક અટકળો

- ભારે ધુમ્મસને કારણે પાયલટે કાબુ ગુમાવતા હેલિકોપ્ટર તૂટી પડયાના અહેવાલ, કોર્ટ ઓફ ઇન્ક્વાયરીના આદેશ

- રાવત પત્ની અને અન્ય સ્ટાફ સાથે વેલિંગટનમાં ડિફેંસ સર્વિસ સ્ટાફ કોલેજમાં વિદ્યાર્થીઓ, સ્ટાફને સંબોધવા જઇ રહ્યા હતા

- શૌર્ય ચંક્ર વિજેતા ગુ્રપ કેપ્ટન વરુણસિંહ ઘટનામાં બચી જનારા એક માત્ર અધિકારી, સૈન્ય હોસ્પિટલમાં ખસેડાયા

નવી દિલ્હી : દેશના ચીફ ઓફ ડિફેંસ સ્ટાફ (સીડીએસ) જનરલ બિપિન રાવત, તેમના પત્ની અને ૧૧ સૈન્ય અધિકારીઓનું તામિલનાડુમાં હેલિકોપ્ટર ક્રેશ થતા મોત નિપજ્યું છે. આ ઘટના તામિલનાડુના કુન્નૂરની પાસે જંગલમાં બની હતી. સીડીએસ જનરલ રાવત, તેમના પત્ની અને અન્ય ૧૧ સૈન્ય અધિકારીઓને લઇને જઇ રહેલા હેલિકોપ્ટરના પાયલટે અચાનક કાબુ ગુમાવી દીધો હતો અને એક જંગલમાં જઇને ક્રેશ થઇ ગયું હતું. જોકે આ ઘટનામાં એક સૈન્ય અધિકારી બચી ગયા છે પણ તેમની સ્થિતિ ગંભીર છે અને હાલ સૈન્ય હોસ્પિટલમાં સારવાર ચાલી રહી છે. 

આ ઘટના બાદ રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદ, વડાપ્રધાન નરેન્દ્ર મોદી, રાજનાથસિંહ સહિતના નેતાઓ, સૈન્ય, એરફોર્સ અને નેવીના ટોચના અધિકારીઓએ સીડીએસ જનરલ બિપિન રાવત અને માર્યા ગયેલા અન્ય સૈન્ય અધિકારીઓને શ્રદ્ધાંજલિ પાઠવી હતી. જ્યારે કેન્દ્રીય સંરક્ષણ મંત્રી રાજનાથસિંહે સીડીએસ જનરલ રાવતના પુત્રીની દિલ્હી સ્થિત તેમના નિવાસ સ્થાને જઇને મુલાકાત લીધી હતી. જે કુન્નૂર વિસ્તારમાંથી આ હેલિકોપ્ટર પસાર થઇ રહ્યું હતું ત્યાં ભારે ધુમ્મસ હોવાથી પાયલટને કઇ દેખાયું નહીં અને પછી હેલિકોપ્ટરે કાબુ ગુમાવી દીધો હતો. નજીકના જંગલ વિસ્તારમાં જઇને તે ક્રેશ થઇ ગયું હોવાનું પ્રાથમિક તપાસમાં સામે આવ્યું છે. 

જોકે ઇન્ડિયન એરફોર્સ દ્વારા જણાવવામાં આવ્યું હતંુ કે ઘટનાની કોર્ટ ઓફ ઇન્ક્વાયરીના આદેશ અપાયા છે.  ઇન્ડિયન એરફોર્સે સૌથી પહેલા સીડીએસ જનરલ બિપિન રાવતના મૃત્યુની પુષ્ટી કરી હતી. જ્યારે અન્ય મૃતકોમાં તેમના પત્ની મધુલિકા રાવત અને અન્ય ૧૧ અધિકારીઓનો સમાવેશ થાય છે. રાવત, તેમના પત્ની અને અન્ય સૈન્ય અધિકારીઓ વેલિંગ્ટનમાં ડિફેંસ સર્વિસ સ્ટાફ કોલેજ (ડીએસએસસી)ની મુલાકાત માટે જવા નિકળ્યા હતા. અહીં તેઓ વિદ્યાર્થી અને કોલેજના સ્ટાફને સંબોધવાના હતા. જોકે તેઓ આ કોલેજ સુધી પહોંચે તે પહેલા જ તેમનું હેલિકોપ્ટર ક્રેશ થઇ ગયું હતું. 

આ સમગ્ર દુર્ઘટનામાં એક માત્ર ગુ્રપ કેપ્ટન વરુણસિંહ બચી ગયા છે. વરુણસિંહને આ વર્ષે જ સ્વતંત્રતા દિન નિમિત્તે શૌર્ય ચક્રથી સન્માનિત કરવામાં આવ્યા હતા. જે વેલિંગ્ટનની કોલેજમાં રાવત જવાના હતા ત્યાં વરુણસિંહ સ્ટાફ ડાયરેક્ટર તરીકે સેવા આપી રહ્યા છે. બીજી તરફ સીડીએસ જનરલ બિપિન રાવતના નિધનને પગલે દેશભરમાં તેમને શ્રદ્ધાંજલિ પાઠવવામાં આવી રહી છે. રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદે ટ્વિટ કરીને કહ્યું હતું કે દેશએ પોતાના બહાદુર દિકરાઓને ખોઇ દીધા છે. રાવતે ચાર દસકા સુધી દેશની સેવા કરી છે. 

 સોશિયલ મીડિયાના માધ્યમથી લોકોએ રાવતની તસવીરોની સાથે ભારે દુઃખ વ્યક્ત કર્યું હતું અને તેમના દેશ સેવાના યોગદાનને પણ યાદ કર્યું હતું.વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ટ્વિટર પર રાવત સાથે એક તસવીર જાહેર કરી હતી અને શોખ સંદેશો આપ્યો હતો. તેમણે કહ્યું હતું કે રાવત સાચા દેશભક્ત અને સૈનિક હતા. તેમના નિધનથી ભારે આઘાત લાગ્યો છે. સૈન્ય વડા રહી ચુકેલા રાવતને નિવૃત્તિ બાદ ૨૦૧૯માં સીડીએસ એટલે કે ચીફ ઓફ ડિફેંસ સ્ટાફ પદે નિમવામાં આવ્યા હતા. તેમના અંતિમ સંસ્કાર દિલ્હીમાં કરવામાં આવશે. રાવતના પરિવારમાં હવે તેમના બે પુત્રી છે કે જેઓ દિલ્હીમાં રહે છે. રાવતે ચાર દસકા સુધી સૈન્યમાં રહીને દેશની સેવા કરી છે. તેમના નિધનથી દેશમાં શોકનું મોજુ ફરી વળ્યું છે.  

નાઈટ વિઝન ટેકનોલોજી સાથેનું અદ્યતન હેલિકોપ્ટર

એમ. આઈ. સીરીઝના હેલિકોપ્ટર અનેકવાર ક્રેશ થઇ ચૂક્યા છે

- રશિયાની સહયોગી કંપનીના આ હેલિકોપ્ટરમાં વડાપ્રધાન, સંરક્ષણ મંત્રી મુસાફરી કરી ચૂક્યા છે

સીડીએસ જનરલ બિપિન રાવતને લઇને જતુ એમઆઇ સીરીઝનું હેલિકોપ્ટર ક્રેશ થઇ ગયું હતું. આ હેલિકોપ્ટરને અતી આધુનિક માનવામાં આવે છે જેમાં વડાપ્રધાન, સંરક્ષણ મંત્રી, સીડીએસ, સૈન્ય વડા જેવા વીવીઆઇપી પણ મુસાફરી કરી ચુક્યા છે.  આજે આ હેલિકોપ્ટર ક્રેશ થયું તે માટે ધૂમ્મસભર્યું હવામાન તેવું કારણ આપવામાં આવ્યું હતું પણ નવાઈ એ વાતની પણ લાગે કે અદ્યતન હેલિકોપ્ટર નાઈટ વિઝન ટેકનોલોજી પણ ધરાવતુ હતું. તેવી જ રીતે હવામાન ખાતાની આગાહી સાથે જ આટલા જવાબદાર સૈન્ય અધિકારીઓએ ઉડાણ પ્રારંભી હોય જો કે ભારત સહિત વિશ્વભરમાં અદ્યતન હેલિકોપ્ટરો ક્રેશ થતા જ હોય છે. આમ છતાં આ હદની ટેકનોલોજી હોય, છતાં સૈન્યની ત્રણેય પાંખના વડા અને તેના પત્ની સહિત અન્ય સૈનિકો શહીદ થાય તેવી કમનસીબ ઘટના તો લાગે છે.

* આ હેલિકોપ્ટરનું ક્રેશ થવું એક આશ્ચર્યજનક ઘટના છે કેમ કે તેમાં બે એન્જિન હોય છે. જો એક ખરાબ થાય તો બીજુ એન્જીન કામ આવી શકે છે. 

* દુનિયાના સૌથી એડવાંસ મિલિટરી ટ્રાંસપોર્ટ હેલિકોપ્ટર્સમાં સામેલ આ ચોપર સૈન્યનો સામાન લાવવા લઇ જવામાં મદદરુપ થાય છે. રશિયાની સહયોગી કંપની કજાન હેલિકોપ્ટર્સ દ્વારા તેનું નિર્માણ થયું છે. 

* ૨૦૧૩માં આ હેલિકોપ્ટરનો સમાવેશ કરાયો હતો, અને તેને સૌથી સુરક્ષીત પણ માનવામાં આવે છે. સમુદ્ર ઉપરાંત રણ પ્રદેશમાં પણ તે સારી રીતે ઉડી શકે છે. તેનું ટેકઓફ વજન ૧૩ હજાર કિગ્રા છે. તે ૩૬ સશસ્ત્ર જવાનો અથવા ૪૫૦૦ કિલો વજન લઇ જવા સક્ષમ છે. 

* જોકે આ હેલિકોપ્ટર સાથે અગાઉ પણ અકસ્માત થઇ ચુક્યા છે. ૨૦૧૩માં ઉત્તરાખંડમાં રાહત કાર્ય દરમિયાન આ સીરીઝના હેલિકોપ્ટરનો અકસ્માત થતા ૨૦ લોકો માર્યા ગયા હતા. 

* છ ઓક્ટોબર ૨૦૧૭ના અરુણાચલ પ્રદેશમાં ભારતીય એરફોર્સનું એમઆઇ-૧૭વી૫ હેલિકોપ્ટર ક્રેશ થતા સાત લોકોના મોત નિપજ્યા હતા. 

* ૩ એપ્રીલ ૨૦૧૮ કેદારનાથમાં આ સીરીઝનું હેલિકોપ્ટર ક્રેશ થઇ ગયું હતું. જેમાં સવાર બધા જ લોકો માર્યા ગયા હતા. અત્યાર સુધીમાં આ એમઆઇ સીરીઝના હેલિકોપ્ટરના ક્રેશ થવાથી ૫૦થી વધુ લોકોના મોત નિપજ્યા છે. 

અગાઉ પણ રાવતનું હેલિકોપ્ટર ક્રેશ થયું હતું

સીડીએસ જનરલ બિપિન રાવત અગાઉ પણ હેલિકોપ્ટર અકસ્માતનો સામનો કરી ચુક્યા છે. ૨૦૧૫માં આ ઘટના બની હતી. તે સમયે પણ રાવતનું હેલિકોપ્ટર ક્રેશ થયું હતું. તે સમયે તેઓ સીડીએસ નહોતા. તે સમયે તેમના હેલિકોપ્ટરે દિમાપુરથી ઉડાન ભરી હતી, જોકે હવામાં પહોંચ્યા બાદ તેમના હેલિકોપ્ટરે કાબુ ગુમાવી દીધો હતો. અને ક્રેશ થઇ ગયું હતું. એન્જિન ફેલ થવાથી આ હેલિકોપ્ટર ક્રેશ થયું હતું. જોકે તે સમયે રાવતે મોતને મહાત આપી હતી અને તેઓ બચી ગયા હતા. તેમને સામાન્ય ઇજાઓ પહોંચી હતી.

Gujarat