Get The App

ઉત્તર ભારતમાં આંધી સાથે ધોધમાર વરસાદ : 10નાં મોત

Updated: May 3rd, 2025

GS TEAM


Google News
Google News
ઉત્તર ભારતમાં આંધી સાથે ધોધમાર વરસાદ : 10નાં મોત 1 - image


- કુદરતની બદલાતી રૂખ, ધોમધખતા તાપ વચ્ચે ચોમાસુ : આભ ફાટયું, અનેક ઠેકાણે વીજળી પડી

- તોફાની પવનના સાથે વરસાદથી દિલ્હીમાં 200થી વધુ ફ્લાઈટને અસર, વાહન વ્યવહાર ખોરવાયો, મે મહિનામાં 17 વર્ષમાં બીજો સૌથી વધુ વરસાદ

- મધ્ય પ્રદેશ, છત્તીસગઢ, ઉત્તર પ્રદેશ, ઉત્તરાખંડ, મિઝોરમ, ત્રિપુરા જેવા રાજ્યોમાં કરા સાથે વરસાદની ચેતવણી

- જમ્મુ-કાશ્મીરમાં વાદળ ફાટતા અનેક સ્થળે પૂર જેવી સ્થિતિ, ભૂસ્ખલનથી તારાજી

નવી દિલ્હી : ઉત્તર ભારતમાં કાળઝાળ ગરમી વચ્ચે દિલ્હી-એનસીઆર સહિત અનેક રાજ્યોમાં અચાનક શુક્રવારે વહેલી સવારે આંધી-તોફાન સાથે મૂશળધાર વરસાદ ખાબક્યો હતો, જેના કારણે દિલ્હીમાં ૪, ઉત્તરપ્રદેશમાં ૪ અને છત્તીસગઢમાં બે સહિત કુલ ૧૦ લોકોનાં મોત નીપજ્યાં હતા. ઉત્તર પ્રદેશ, મધ્ય પ્રદેશ, છત્તીસગઢ સહિતના રાજ્યોમાં જળબંબાકાર જેવી સ્થિતિ હતી, જેથી વાહનવ્યવહાર ખોરવાઈ ગયો હતો. કેટલીક જગ્યાએ વીજપૂરવઠો ખોરવાયો હતો. હવામાન વિભાગે આગામી ત્રણ દિવસ માટે ઉત્તર ભારતના અનેક રાજ્યોમાં આંધી-તોફાન, કરાં સાથે વરસાદની આગાહી કરી છે.

દિલ્હીમાં ભારે વરસાદના કારણે નજફગઢમાં એક મકાન પર ઝાડ પડતાં મકાન તૂટી પડયું હતું અને તેના કાટમાળમાં આખો પરિવાર દટાઈ ગયો હતો. જોકે, પોલીસ અને ફાયર વિભાગના અધિકારીઓએ પરિવારના સભ્યોને બહાર કાઢી જાફરપુર કલાનમાં એક હોસ્પિટલમાં ખસેડયા હતા. જોકે, ડૉક્ટરે એક મહિલા સહિત ત્રણ બાળકોના મોત નીપજ્યાં હોવાનું જણાવ્યું હતું જ્યારે એક વ્યક્તિની સારવાર ચાલુ છે. દિલ્હીમાં અચાનક વરસાદ ખાબકતા તાપમાન ૧૦ ડિગ્રી જેટલું ઘટી ગયું હતું.

રાષ્ટ્રીય રાજધાની દિલ્હીમાં તિવ્ર ગતિએ પવન ફૂંકાતા અને ધૂળભરી આંધીના કારણે અનેક જગ્યા પર ૧૦૦થી વધુ વૃક્ષો ઉખડી ગયા હતા અને ૨૦૦થી વધુ ફ્લાઈટ્સ પર અસર થઈ હતી. દિલ્હીમાં શુક્રવારે વહેલી સવારે માત્ર ત્રણ કલાકમાં ૭૮ મીમી વરસાદ પડયો હતો, જે મે મહિનામાં ૨૦૦૯થી ૨૦૨૫ વચ્ચે  બીજો સૌથી વધુ વરસાદ પડયો હતો. આ પહેલાં ૨૦૨૧માં ૧૧૯ મીમી વરસાદ નોંધાયો હતો. મૂશળધાર વરસાદના કારણે દિલ્હીના અનેક વિસ્તારો જળબંબાકાર થઈ ગયા હતા.

ઉત્તર પ્રદેશમાં ગોરખપુર, બસ્તી સહિત અનેક વિસ્તારોમાં આંધી-તોફાન, ગાજવીજ, કરાં સાથે વરસાદ પડયો હતો, જેના કારણે ખેડૂતોના ઊભા પાકને નુકસાન થયું હતું. ગોરખપુર અને બસ્તીમાં આકાશીય વીજળીની ઝપેટમાં આવતા ચાર લોકોનાં મોત નીપજ્યાં હતા. મુખ્યમંત્રી યોગી આદિત્યનાથે પીડિત પરિવારો પ્રત્યે સંવેદના વ્યક્ત કરી હતી અને તેમને ૨૪ કલાકની અંદર સહાયતા રકમ આપવા અધિકારીઓને નિર્દેશ આપ્યા હતા. આ સિવાય વરસાદના કારણે ખેડૂતોને થયેલા નુકસાનનું મૂલ્યાંકન કરીને તેમને પણ તાત્કાલિક વળતર પૂરું પાડવા મુખ્યમંત્રી યોગીએ નિર્દેશો આપ્યા હતા.

ઉત્તર પ્રદેશના મથુરા, ફરિદાબાદ, નોઈડા, ગાઝિયાબાદ સહિતના અનેક શહેરોમાં કાર અડધી ડૂબી ગઈ હોય તેવા દૃશ્યો સર્જાયા હતા. જળબંબાકારના કારણે અનેક શહેરોમાં સામાન્ય જનજીવન ખોરવાઈ ગયું હતું. સવારે લોકોને ઓફિસ જવામાં તકલીફ પડી હતી. ઠેરઠેર પાણી ભરાઈ ગયા હોવાથી ટ્રાફિક જામની પણ સ્થિતિ સર્જાઈ હતી.

છત્તીસગઢમાં પણ તોફાન સાથે વરસાદ ખાબકતા સામાન્ય જનજીવ ખોરવાઈ ગયું હતું. રાયપુરમાં પ્રતિ કલાક ૭૦ કિ.મી.ની ગતિએ પવન ફૂંકાયો હતો. બેમેતરામાં વીજળી પડવાથી બે લોકોનાં મોત નીપજ્યાં હતા. મૂશળધાર વરસાદના કારણે અનેક જગ્યાએ વીજપૂરવઠો ખોરવાઈ ગયો હતો. 

જમ્મુ-કાશ્મીરના રામબન જિલ્લામાં ભારે વરસાદના કારણે ભૂસ્ખલન થતાં જમ્મુ-શ્રીનગર રાષ્ટ્રીય ધોરીમાર્ગ બ્લોક થઈ ગયો હતો. સેરી ચંબામાં ભૂસ્ખલનના કારણે પથ્થરો અને કીચડ હાઈવે પર આવી જતાં અનેક વાહનો ફસાઈ ગયા હતા. ચીનાબ નદીમાં પૂરની સ્થિતિ સર્જાઈ હતી. હિમાચલ પ્રદેશના પાટનગર શિમલા અને આજુબાજુના વિસ્તારોમાં કરાં સાથે વરસાદ પડયો હતો.

દરમિયાન હવામન વિભાગે મધ્ય પ્રદેશ, ઓડિશા, ઉત્તરાખંડ, નાગાલેન્ડ, ત્રિપુરા જેવારાજ્યોમાં આગામી કેટલાક દિવસોમાં કરાં સાથે વરસાદની આગાહી કરી છે. રાજસ્થાન, હરિયાણા અને પંજાબમાં ધૂળભરી આંધીની સંભાવના છે. હવામાન વિભાગે હિમાચલ પ્રદેશમાં ગુરુવાર સુધી ઓરેન્જ એલર્ટ જાહેર કરી છે.

ગ્લોબલ વોર્મિંગના કારણે અચાનક વાતાવરણ પલટાયું

બંગાળની ખાડીના ભેજ સાથે અરબ સાગરનો પવન મળતા વરસાદ ખાબક્યો

નવી દિલ્હી : દિલ્હી, ઉત્તર પ્રદેશ સહિત ઉત્તર ભારતમાં શુક્રવારે અચાનક વાતાવરણમાં પલટો આવ્યો હતો અને મૂશળધાર વરસાદ ખાબક્યો હતો. હવામાન વિભાગે જણાવ્યું હતું કે, અરબી સમુદ્રના પવન અને બંગાળના અખાતમાંથી ભેજનો ઉત્તર ભારતમાં સંગમ થતા અચાનક વાતાવરણ પલટાયું હતું અને ભર ઉનાળે આંધી-તોફાન સાથે મૂશળધાર વરસાદ પડયો હતો. નીચલા અને મધ્ય ક્ષોભમંડળ સ્તરો પર સાનુકૂળ સિનોપ્ટિક પેટર્નના કારણે મૂશળધાર વરસાદ પડયો હતો. હવામાન નિષ્ણાતોએ કહ્યું કે, આ સમયમાં આવી ઘટનાઓ ઓછી થાય છે. પરંતુ ગ્લોબલ વોર્મિંગના કારણે હાલ આ સ્થિતિ સર્જાઈ છે. મે મહિનામાં ગરમીથી અચાનક રાહત મળવાથી લોકોએ ઠંડકનો આનંદ માણ્યો હતો, પરંતુ અનેક જગ્યાએ જળબંબાકારની સ્થિતિથી અનેક શહેરોમાં ટ્રાફિક જામના દૃશ્યો સર્જાયા હતા. હવામાન વિભાગે કહ્યું કે, તેણે અગાઉથી જ મૂશળધાર વરસાદની ચેતવણી આપી હતી. લોકોને સુરક્ષિત રહેવા સલાહ પણ અપાઈ હતી. હવામાન વિભાગે કહ્યું કે, આગામી દિવસોમાં પણ વાતાવરણ આવું જ રહેશે.

Tags :