India

ઉત્તરાખંડ-હિમાચલમાં આભ ફાટતા ભારે તારાજી

By GS TEAM
29 Jun 20253 mins read
ઉત્તરાખંડ-હિમાચલમાં આભ ફાટતા ભારે તારાજી

- ઉત્તરાખંડમાં અતિ ભારે વરસાદ-ભૂસ્ખલનથી બદ્રીનાથ નેશનલ હાઇવે સહિત ૭૨ રોડ બંધ કરવા પડયા

- ચારધામ યાત્રા અટકી

- હિમાચલમાં ચોમાસાના આગમન બાદ વરસાદની ઘટનાઓમાં ૨૦નાં મોત, ૩૦૦ કરોડનું નુકસાન, ઓરેન્જ-રેડ એલર્ટ

- ઝારખંડમાં ભારે વરસાદને પગલે ૧૬૨ બાળકો ફસાયા, ઉત્તરાખંડમાં બેનાં મોત, નવ મજૂરો લાપતા

- ઉત્તર પ્રદેશ, છત્તીસગઢ, રાજસ્થાન, ઝારખંડ, મધ્ય પ્રદેશ સહિતના રાજ્યોમાં અતિ ભારે વરસાદની આગાહી

શિમલા/ઉત્તરકાશી: ઉત્તરાખંડ અને હિમાચલ પ્રદેશમાં ભારે વરસાદને કારણે પૂરની સ્થિતિ સર્જાઇ છે. અનેક લોકો ગૂમ હોવાના પણ અહેવાલો છે. એવામાં ચાર ધામ યાત્રાને ૨૪ કલાક માટે સસ્પેન્ડ કરવામાં આવી છે. હાલ તમામ શ્રદ્ધાળુઓને હરીદ્વાર, ઋષીકેશ, રૂદ્રપ્રયાગ, સોનપ્રયાગ વગેરે સ્થળોએ રોકી લેવામાં આવ્યા છે. ઉત્તરકાશી જિલ્લામાં વાદળ ફાટતા નવ મજૂરો પાણીમાં તણાતા ગૂમ થઇ ગયા છે. જ્યારે બે લોકોના મોત નિપજ્યા છે. આ ઘટના બાદ ચાર ધામ યાત્રાને સસ્પેન્ડ કરી દેવાનો નિર્ણય લેવાયો હતો. જ્યારે ગૂમ થયેલા મજૂરોની શોધખોળ ચાલી રહી છે.

શનિવારે મોડી રાત્રે બારકોટ-યમુનોત્રી રોડ પર વાદળ ફાટયું હતું, જેને કારણે અહીંયા એક હોટેલમાં બાંધકામ કરી રહેલા નવ મજૂરો તણાયા હતા, તેઓની હાલ કોઇ જ ભાળ નથી મળી રહી, જિલ્લા રેસ્ક્યૂ ટીમ હાલ તેમની શોધખોળ કરી રહી છે. ઉત્તરાખંડ પોલીસે એક્સ (ટ્વિટર) પર માહિતી આપતા જણાવ્યું હતું કે વાદળ ફાટતા નવ મજૂરો ગૂમ થઇ ગયા છે. 

અન્ય ૧૦ નાગરિકોને રેસ્ક્યૂ કરીને બચાવાયા છે. હાઇવેનો ૧૦થી ૧૨ મીટરનો હિસ્સો પણ ધોવાઇ જતા હાલ વાહન વ્યવહાર ઠપ થઇ ગયો છે. ઉત્તરાખંડમાં છેલ્લા ૨૪ કલાકમાં ભારે વરસાદને કારણે ૭૨ જેટલા રોડ બ્લોક કરી દેવાયા હતા. જેને પગલે કુમાઓન પ્રાંતમાં ૪૦ હજારથી વધુ લોકો વિખુટા પડી ગયા છે. ભુસ્ખલનને કારણે બદ્રીનાથ નેશનલ હાઇવે બ્લોક થઇ ગયો હતો, જેને પગલે અનેક વાહનો ફસાયા હતા અને ટ્રાફિક જામની સમસ્યા સર્જાઇ હતી. આગામી ૨૪ કલાકમાં ઉત્તરાખંડમાં ભારેથી અતિ ભારે વરસાદની આગાહી કરાઇ છે. જ્યારે હવામાન વિભાગે હિમાચલ પ્રદેશમાં પણ ઓરેન્જ એલર્ટ જાહેર કર્યું છે. 

રાજ્યના અનેક જિલ્લાઓમાં ભુસ્ખલનની ઘટના પણ સામે આવી છે. રવિવારે પણ રાજ્યના તમામ પ્રાંતમાં ભારે વરસાદ પડયો હતો. ૅહિમાચલમાં ચોમાસાના આગમન બાદથી વરસાદની ઘટનાઓમાં ૨૦ લોકોના મોત નિપજ્યા છે જ્યારે રાજ્યને ૩૦૦ કરોડ રૂપિયાનું નુકસાન થયું છે.

બીજી તરફ  ઉત્તરાખંડ, ઉત્તર પ્રદેશમાં પણ ૩૦મી જૂનના રોજ ભારે વરસાદની આગાહી છે. 

પંજાબ, હરિયાણા, ચંડીગઢમાં ૨૮ જૂનથી બે જુલાઇ સુધી ભારે વરસાદની આગાહી હતી. રાજસ્થાનમાં ત્રણ જુલાઇ સુધી ભારે વરસાદ પડશે. આ સમયગાળા દરમિયાન મધ્ય પ્રદેશ, છત્તીસગઢ, ઝારખંડમાં પણ ભારે વરસાદની આગાહી કરાઇ છે. ઝારખંડના જમશેદપુરના પોટકામાં લવ કુશ નામની સ્કૂલની હોસ્ટેલમાં રહેતા ૧૬૨ બાળકો ફસાયા હતા. 

આસપાસના વિસ્તારોમાં અનેક મકાનોમાં પાણી ભરાયા હતા. હાલ આ બાળકોને રેસ્ક્યૂ કરીને બચાવવાની કામગીરી હાથ ધરાઇ રહી છે. હાલ સૌથી ખરાબ હાલત ઉત્તરાખંડ અને હિમાચલ પ્રદેશની જોવા મળી રહી છે.