India

ભારે કરી : પાકિસ્તાન કહે છે કોલકત્તા ઉપર હુમલો કરીશું

By GS TEAM
5 Apr 20262 mins read
ભારે કરી : પાકિસ્તાન કહે છે કોલકત્તા ઉપર હુમલો કરીશું

'ત્રાસવાદ તો ભારતે પાકિસ્તાનમાં મૂકેલા તેનાં પ્યાદાંઓ ચલાવે છે'

'અમે ભારતમાં ઊંડે સુધી જઈ આક્રમણ કરીશું' : ભારત જો ખોટાં બહાનાં નીચે હુમલો કરશે તો ઈન્શાનલ્લાહ અમે કોલકત્તા સુધી હુમલો કરીશું : આસીફ

નવી દિલ્હી: ખાડી દેશો પાસેથી અબજો ડોલર ઉછીના લીધા પછી હવે તે મિત્ર દેશો પૈસા પાછા માગે છે. ખિસ્સાં તો ખાલી છે. મુંઝાયેલા પાકિસ્તાનને હવે શું કરવું, શું ન કરવું તેના વિચારમાં બોલવાનું ભાન રહ્યું નથી લાગતું.

પાકિસ્તાનનાં સંરક્ષણ મંત્રી ખ્વાજા આસીફે ભારતને સીધી ધમકી આપી દીધી છે કે, 'હવે જો કોઈ દુ:સાહસ કરશો તો અમે સીધો કોલકત્તા ઉપર હુમલો કરીશું. તેટલું જ નહીં પરંતુ ભારતમાં ઊંડે સુધી જઈ ખાના-ખરાબી વેરી નાંખીશું.' તેમણે વધુમાં કહ્યું કે ત્રાસવાદ તો ભારતે પાકિસ્તાનમાં મુકેલા તેના પ્યાદાંઓ ચલાવે છે. જોકે તે માટે તેઓએ કોઈ સાબિતી રજૂ કરી ન હતી.

ખ્વાજા આસીફે વધુમાં કહ્યું : 'હવે જો ફરી સંઘર્ષ થશે તો પહેલાં બનેલી ઘટનાઓ કરતાં તે ઘણો તીવ્ર અને વ્યાપક બનશે. અમે કંઈ ૨૦૦-૨૫૦ કી.મી. સુધી અટકી રહેસું નહીં અમે ભારતમાં ઘૂસીને તેના ઘરોમાં જ ઘૂસી જઈશું.'

મૂળ વાત તેમ છે કે કેરળમાં વિધાનસભાની ચૂંટણી સંબંધે આપેલાં વક્તવ્ય દરમિયાન ભારતના સંરક્ષણ મંત્રી રાજનાથ સિંહે એક સભાને સંબોધન કરતાં 'ઓપરેશન સિંદૂર'નો ઉલ્લેખ કર્યો હતો. એપ્રિલ ૨૦૨૫માં ૨૬ નિર્દોષ ભારતીઓની અમાનુષ હત્યા પછી ભારતે ઓપરેશન સિંદૂર દ્વારા પાકિસ્તાનના કબ્જા નીચેનાં કાશ્મીરમાં તેમજ પાકિસ્તાનના પંજાબ પ્રાંતમાં સર્જિકલ સ્ટ્રાઇક્સ કરી કુલ ૯ આતંકી મથકોનો નાશ કર્યો હતો તે વાતની રાજનાથ સિંહે આપેલી યાદ પછી પાકિસ્તાન ધૂંધવાયું હતું. આ સાથે જ્યારે રાજનાથ સિંહે તેમ કહ્યું કે, 'હવે જો ફરી પાકિસ્તાન આવા કોઈ પ્રયત્નો કરશે તો તેનો તેથી પણ વધુ કટ્ટર જવાબ અપાશે.'

આ પછી પાકિસ્તાનનાં સંરક્ષણ મંત્રી ખ્વાજા આસીફે ભારત ઉપર શાબ્દિક પ્રહારો કરતાં ફરી એકવાર કહ્યું હતું કે હવે તો અમે યુદ્ધ છેક કોલકત્તા સુધી લઈ જઈશું.