ગાંધી-વૈદ્યનું સહિયારું :આરોગ્ય મંત્રાલય-મેડિકલ કોલેજોનો ભ્રષ્ટાચાર
- આરોગ્ય મંત્રાલય, રાષ્ટ્રીય મેડિકલ કમિશન, સ્વાસ્થ્ય ઓથોરિટીના અધિકારીઓ, ખાનગી મેડિકલ કોલેજોની સિન્ડિકેટનો સીબીઆઇ દ્વારા ઘટસ્ફોટ
- ખાનગી મેડિકલ કોલેજોને સારા ગ્રેડ આપવા ઇન્સ્પેક્શનની વિગતો લીક કરી દેવાતી : યુજીસીના પૂર્વ ચેરમેન, મંત્રાલયના આઠ અધિકારી, રાષ્ટ્રીય મેડિકલ કમિશનના ડોક્ટરોને આરોપી બનાવાયા
- 55 લાખ રૂપિયાની લાંચ સાથે ત્રણ ડોક્ટરો સહિત આઠની સીબીઆઇ દ્વારા ધરપકડ
- ઇન્સ્પેક્શન ટીમ પહોંચે તે પહેલા કોલેજો-હોસ્પિટલોમાં ભૂતિયા ડોક્ટરો, દર્દીઓ, પ્રોફેસરો ગોઠવી દેવાતા હતા
નવી દિલ્હી : દેશની વિવિધ ખાનગી મેડિકલ કોલેજો અને સ્વાસ્થ્ય મંત્રાલય વચ્ચેની સાંઠગાઠ અને ભ્રષ્ટાચારના એક મોટા નેટવર્કનો કેન્દ્રીય તપાસ એજન્સી સીબીઆઇ દ્વારા પર્દાફાશ કરાયો છે. સીબીઆઇએ ભ્રષ્ટાચારના આ રેકેટમાં સામેલ કેન્દ્રીય સ્વાસ્થ્ય મંત્રાલયના આઠ અધિકારીઓ સહિત કુલ ૩૪ લોકોની સામે ફરિયાદ દાખલ કરી છે, જ્યારે હાલ આઠ આરોપીઓની ધરપકડ કરવામાં આવી છે. ભ્રષ્ટાચારનું આ રેકેટ વિવિધ મેડિકલ કોલેજોનું ઇન્સ્પેક્શન અને તેમની તરફેણમાં રિપોર્ટ તૈયાર કરી આપવા સાથે જોડાયેલું છે. આરોપીઓમાં યુનિવર્સિટી ગ્રાન્ટ્સ કમિશન (યુજીસી)ના પૂર્વ ચેરમેન ડી. પી. સિંઘ, સ્વાસ્થ્ય અને પરિવાર કલ્યાણ મંત્રાલય, રાષ્ટ્રીય મેડિકલ કમિશન, રાષ્ટ્રીય સ્વાસ્થ્ય ઓથોરિટીના અધિકારીઓ, મેડિકલ કોલેજના પ્રતિનિધિઓ અને વચેટિયાઓનો સમાવેશ થાય છે.
સીબીઆઇની એફઆઇઆર મુજબ સ્વાસ્થ્ય અને પરિવાર કલ્યાણ મંત્રાલય, રાષ્ટ્રીય મેડિકલ કમિશન, રાષ્ટ્રીય સ્વાસ્થ્ય ઓથોરિટીના અધિકારીઓ, ખાનગી મેડિકલ કોલેજોના પ્રતિનિધિઓ અને વચેટિયાઓ દ્વારા મળીને આ આખુ નેટવર્ક તૈયાર કરવામાં આવ્યું હતું. લાખો રૂપિયા લઇને અધિકારીઓ મેડિકલ કોલેજોને તેમને અનુકુળ આવે તેવા રિપોર્ટ તૈયાર કરતા, મેડિકલ કોલેજોમાં અધિકારીઓ દ્વારા કરાતા ઇન્સ્પેક્શન અને તેના રિપોર્ટ સાથે આ સમગ્ર કૌભાંડ સંકળાયેલું છે. અધિકારીઓ ઇન્સ્પેક્શન સહિતની માહિતી અગાઉથી જ કોલેજોને આપી દેતા હતા જેથી માન્ય ધારાધોરણો મુજબની વ્યવસ્થા પહેલાથી જ કરી દેવામાં આવતી હતી બાદમાં ઇન્સ્પેક્શન થતું હતું કે જેથી કોલેજોને કોઇ પણ પ્રકારની ગેરરિતીથી બચાવી શકાય અને સારા ગ્રેડ આપી શકાય. બદલામાં આરોપી અધિકારીઓ દ્વારા લાખો રૂપિયાની લાંચ લેવામાં આવતી હતી.
સીબીઆઇના અધિકારીઓએ જણાવ્યું હતું કે અમારી પાસે આ સમગ્ર સિન્ડિકેટ રેકેટનો ડેટા છે જેમાં ઇન્સ્પેક્શનની તારીખ સમય, ઇન્સ્પેક્શન કરનારા અધિકારીઓ, કઇ કોલેજોમાં ઇન્સ્પેક્શન કરવાનું છે તેના નામ સહિતની વિગતોનો સમાવેશ થાય છે. અગાઉથી જ ઇન્સ્પેક્શનની માહિતી લીક કરી દેવામાં આવતી હતી, જેને પગલે તાત્કાલીક કોલેજો દ્વારા ભૂતિયા પ્રોફેસરો કે અન્ય ફેકલ્ટી મેમ્બર્સ તૈયાર કરી દેવાતા હતા, અનેક ફેક દર્દીઓને હોસ્પિટલોમાં ગોઠવી દેવાતા હતા, બાયોમેટ્રિક અટેન્ડન્સ સિસ્ટમ સાથે ચેડા કરાતા હતા, તમામ સાધનો સહિતની એસેસરીઝ પણ પહેલાથી જ રાખી દેવાતી હતી કે જેથી સારો રિપોર્ટ તૈયાર કરી શકાય. ભ્રષ્ટાચારનું આ રેકેટ ન માત્ર મેડિકલ ક્ષેત્રના શિક્ષણ સાથે સાથે લોકોના સ્વાસ્થ્ય સાથે પણ ગંભીર ચેડા હોવાનું ચર્ચાઇ રહ્યું છે. સીબીઆઇએ આ કેસમાં અનેક સ્થળે દરોડા પાડયા છે જેમાં અનેક નવા ખુલાસા થઇ શકે છે.
આરોગ્ય મંત્રાલયના અધિકારીઓ ગુપ્ત ફાઇલોના ફોટા લઇ કોલેજો સુધી પહોંચાડતા
સીબીઆઇની એફઆઇઆરમાં ખુલાસો કરાયો છે કે સ્વાસ્થ્ય મંત્રાલયના અધિકારીઓ ગુપ્ત રિપોર્ટની ફાઇલોની તસવીરો લેતા હતા, જેમાં સીનિયર અધિકારીઓના મંતવ્યો પણ હતા, આ તસવીરોને બાદમાં પોતાના અંગત ડિવાઇસ જેવા કે મોબાઇલ કે લેપટોપ દ્વારા આ અધિકારીઓ ખાનગી કોલેજો સાથે જોડાયેલા વચેટિયાઓને મોકલતા હતા. આ લીક કરાયેલા ડેટાને મેળવનારા કે મોકલનારામાં ગુડગાંવના વિરેન્દ્ર કુમાર, દિલ્હીના મનીષ જોશી, ઇન્દોરની ઇન્ડેક્સ મેડિકલ કોલેજના ચેરમેન સુરેશ સિંઘ ભદોરિયા, ઉદયપુરની ગીતાંજલી યુનિ.ના રજિસ્ટ્રાર સુરેશ સિંઘ રાવલનો પણ સમાવેશ થાય છે.
સ્વાસ્થ્ય મંત્રાલયના આ આઠ અધિકારી સીબીઆઇના રડારમાં
સ્વાસ્થ્ય મંત્રાલયના જે આઠ અધિકારીઓને આરોપી બનાવવામાં આવ્યા છે તેમાં પૂનમ મીણા, ધર્મવીર પીયૂષ માલ્યાન, અનૂપ જાયસવાલ, રાહુલ શ્રીવાસ્તવ, દીપક, મનીષા અને ચંદન કુમારનો સમાવેશ થાય છે. આ અધિકારીઓએ જ ફાઇલો ફંફાળીને તેના ફોટોગ્રાફ્સ ખાનગી મેડિકલ કોલેજો સુધી પહોંચાડયા હતા. આરોપીઓમાં ટાટા ઇન્સ્ટિટયૂટ ઓફ સોશિયલ સાઇન્સના ચેરમેન ડી. પી. સિંઘનો પણ સમાવેશ થાય છે કે જેઓ વર્ષ ૨૦૧૮થી ૨૦૨૧ સુધી યુજીસીના ચેરમેન રહી ચુક્યા છે. સીબીઆઇએ હાલ આઠ આરોપીઓની ધરપકડ કરી છે જેમાં નેશનલ મેડિકલ કમિશન સાથે સંકળાયેલા ત્રણ ડોક્ટરોનો પણ સમાવેશ થાય છે. તેઓ પર નયા રાયપુર સ્થિત રાવતપુરા ઇન્સ્ટિટયૂટ ઓફ મેડિકલ સાઇન્સ એન્ડ રિસર્ચને સારા ગ્રેડની તરફેણ કરતા રિપોર્ટ આપીને ૫૫ લાખ રૂપિયાની લાંચ લેવાનો આરોપ છે.