કોરોનાનાં કહેરની અસર: કાલથી હરિયાણામાં એક સપ્તાહનું સંપુર્ણ લોકડાઉન
ઓડિશા સરકારે પણ આજે આગામી 14 દિવસ માટે સંપૂર્ણ લોકડાઉનની ઘોષણા કરી છે
નવી દિલ્હી, 2 મે 2021 રવિવાર
દેશમાં વધી રહેલા કોરોના સંક્રમણ દરમિયાન ઘણા રાજ્યોએ લોકડાઉન લાદવાનું શરૂ કર્યું છે, કોરોનાનાં વધતા કહેરનાં કારણે હરિયાણાએ સંપુર્ણ લોકડાઉન લગાવવાની ઘોષણા કરી છે, હરિયાણા સરકારનાં પ્રધાન અનિલ વીજે ઘોષણા કરી છે કે 3 મે થી આગામી 7 દિવસ સુધી સંપુર્ણ લોક ડાઉન અમલી રહેશે, આ પહેલા શુક્રવારે જ સરકારે 9 જિલ્લામાં વિકેન્ડ લોકડાઉન લગાવવાની ઘોષણા કરી હતી.
હરિયાણા સરકારે આ નિર્ણય એટલા માટે કર્યો છે, કે જેથી કોરોના સંક્રમણ પર નિયંત્રણ મેળવી શકાય, હવે ત્યાં સ્થિતી સંપુર્ણપણે અનિયંત્રિત થવા લાગી છે, દર્દીઓની સંખ્યા સતત વધી રહી છે, શનિવારે જ હરિયાણામાં ગત 24 કલાકમાં કોરોનાનાં 13,588 નવા દર્દીઓ મળ્યા હતાં, તથા 125 લોકોનાં મોત થયા હતાં.
હરિયાણામાં અત્યાર સુધીમાં 5,01,566 કેસ નોંધાયા છે અને 4,341 દર્દીઓએ પોતાનો જીવ ગુમાવ્યો છે. અહીં એક્ટિવ કેસની સંખ્યા 1,02,516 પર પહોંચી ગઈ છે.
ઓડિશાએ આજે આગામી 14 દિવસ માટે સંપૂર્ણ લોકડાઉનની ઘોષણા કરી છે. ત્યાં જ, દિલ્હીમાં લોકડાઉન એક અઠવાડિયા માટે વધારવામાં આવ્યું છે. હવે 10 મેના રોજ સવારે 5 વાગ્યા સુધી રાજધાનીમાં લોકડાઉન રહેશે. હરિયાણાના પાડોશી રાજ્ય પંજાબમાં દરરોજ સાંજે 6 વાગ્યાથી સવારે 5 વાગ્યા સુધી લોકડાઉન અમલી કરાયું છે.