Hardeep Singh Puri Reacted To Bilawal Bhuttos Statement : જમ્મુ-કાશ્મીરના પહલગામ જિલ્લામાં આતંકવાદીઓએ 22 એપ્રિલે પ્રવાસીઓ પર આડેધડ ગોળીબાર કર્યો હતો. આ હુમલામાં 26 લોકોને મોત થતાં દેશભરમાં આક્રોશ ફેલાયો છે. એટલું જ નહીં આ હુમલાની વિશ્વભરમાં પણ ટીકા થઈ રહી છે. જોકે હુમલા બાદ પણ પાકિસ્તાને નફ્ફટાઈની પણ હદ વટાવી દીધી છે. ભારતે સિંધુ જળ સંધિ સસ્પેન્ડ કર્યા બાદ પાકિસ્તાનના નેતાઓ ભારતને ધમકી આપી રહ્યા છે. પાકિસ્તાનના પીપલ્સ પાર્ટીના ચેરમેન બિલાવલ ભુટ્ટો જરદારીએ વિવાદાસ્પદ નિવેદન આપ્યું હતું, જેનો ભારતે પણ જડબાતોડ જવાબ આપ્યો છે.
થોડા દિવસ રાહ જોઈ લો : હરદીપ સિંહ પુરી
કેન્દ્રીય મંત્રી હરદીપ સિંહ પુરીએ કહ્યું કે, ‘બિલાવલ ભુટ્ટો બેવકૂફ છે, તેણે તેની માનસિક સ્થિતિની તપાસ કરાવવી જોઈએ. તેઓ કેવા પ્રકારના નિવેદનો આપી રહ્યા છે. હવે બહુ થયું, અમે સહન નહીં કરીએ. માત્ર થોડા દિવસની રાહ જોઈ લો...’
બિલાવલ ભુટ્ટો શું બોલ્યા હતા ?
પાકિસ્તાની નેતા ભુટ્ટોએ ભારતને જાહેરમાં ધમકી આપી છે. તેણે કહ્યું કે, ‘હું આ સિંધુ નદી સાથે ઊભો છું અને ભારતને સંદેશ આપું છું કે સિંધુ નદી અમારી છે, કાં તો અમારું પાણી આ નદીમાં વહેશે અથવા તમારું લોહી વહેશે. ભારતે પહલગામ હુમલા માટે પાકિસ્તાનને દોષી ઠેરવ્યું છે. પોતાની નબળાઈઓ છુપાવવા અને પોતાના લોકોને મૂર્ખ બનાવવા માટે, (ભારતીય વડાપ્રધાન) મોદીએ ખોટા આરોપો લગાવ્યા છે અને સિંધુ જળ સંધિને એકપક્ષીય રીતે સ્થગિત કરી દીધી છે, જેના હેઠળ ભારતે સ્વીકાર્યું છે કે સિંધુ પાકિસ્તાનની છે. હું અહીં સુક્કુરમાં સિંધુ નદી પાસે ઊભો રહીને ભારતને કહેવા માંગુ છું કે સિંધુ અમારી છે અને અમારી જ રહેશે, પછી ભલે આ સિંધુમાં પાણી વહે કે તેમનું લોહી.’
આ પણ વાંચો : બાંગ્લાદેશમાં જતું ગંગાનું પાણી પણ રોકો, ભાજપના દિગ્ગજ નેતાની માંગ
પહલગામમાં આતંકી હુમલા બાદ દેશભરમાં આક્રોશ
ઉલ્લેખનીય છે કે, આતંકવાદીઓએ જમ્મુ-કાશ્મીરના પહલગામ(Pahalgam Terrorist Attack)માં પ્રવાસીઓ પર આડેધડ ગોળીબાર કર્યો હતો, જેમાં 26 લોકોના મોત અને 17 લોકોને ઈજા થઈ હતી. આ કાયરતાપૂર્વકની અને ભયાનક ઘટના બાદ દેશભરમાં રોષ ભભૂક્યો હતો. એટલું જ નહીં વિદેશમાં પણ હુમલાના પડઘા પડ્યા હતા. હુમલાને પગલે કેન્દ્ર સરકારે પણ પાકિસ્તાન સામે આકરી કાર્યવાહી કરીને સિંધુ જળ સંધિ સસ્પેન્ડ કરવા સહિતના પગલા ભર્યા છે, જેના કારણે પાકિસ્તાન ફફડી ગયું છે અને તેના નેતાઓ નફ્ટાઈની હદ વટાવીને ભારતને ધમકી આપી રહ્યા છે.


