Get The App

ભારતમાં હેન્ટાવાઇરસનો કેટલો ખતરો? બે ભારતીયો પણ ક્રૂઝ પર હોવાના અહેવાલ બાદ NIV ચીફે આપી રાહત

Updated: May 8th, 2026

GS TEAM

Google News
Google News
ભારતમાં હેન્ટાવાઇરસનો કેટલો ખતરો? બે ભારતીયો પણ ક્રૂઝ પર હોવાના અહેવાલ બાદ NIV ચીફે આપી રાહત 1 - image

Hantavirus low risk WHO: તાજેતરમાં એક ક્રૂઝ શિપ પર બે ભારતીય નાગરિકો પણ હોવાના અહેવાલો મળતા ખળભળાટ મચી ગયો છે. કોરોનાકાળ બાદ વાઇરસના નામે લોકોમાં ડર પેદા થવો સ્વાભાવિક છે, પરંતુ આ મામલે ICMR (ઇન્ડિયન કાઉન્સિલ ઑફ મેડિકલ રિસર્ચ) અને WHO(વર્લ્ડ હેલ્થ ઑર્ગેનાઇઝેશન)એ રાહતના સમાચાર આપ્યા છે.

શું ભારત માટે આ જાહેર સ્વાસ્થ્યનો ખતરો છે?

નેશનલ ઇન્સ્ટિટ્યૂટ ઑફ વાઇરોલૉજી(NIV)ના ડાયરેક્ટર ડૉ. નવીન કુમારે જણાવ્યું છે કે, આ કેસો છૂટાછવાયા (Isolated) જણાય છે. અત્યાર સુધી સામુદાયિક પ્રસાર(Community Spread)ના કોઈ પુરાવા મળ્યા નથી, તેથી ભારત માટે તાત્કાલિક કોઈ જાહેર સ્વાસ્થ્યનો ખતરો નથી. WHOના ડાયરેક્ટર જનરલ ડૉ. ટેડ્રોસ અધાનોમ ઘેબ્રેયેસસે પણ મીડિયાને જણાવ્યું હતું કે, આ એક ગંભીર ઘટના છે, પરંતુ WHOના આકલન મુજબ હાલમાં જાહેર સ્વાસ્થ્ય માટેનું જોખમ ઓછું છે.


બે ભારતીય નાગરિકો હોવાનું ખુલતા હડકંપ

ડચ જહાજ MV હોન્ડિયસ પર હેન્ટાવાઇરસનો પ્રકોપ જોવા મળતા વૈશ્વિક સ્તરે ચિંતા પ્રસરી છે. આ લક્ઝરી ક્રૂઝ પર સવાર કુલ મુસાફરો અને ક્રૂ મેમ્બર્સમાં બે ભારતીય નાગરિકો પણ સામેલ છે, જેઓ ક્રૂ મેમ્બર તરીકે ફરજ બજાવી રહ્યા છે. અત્રે ઉલ્લેખનીય છે કે, અત્યાર સુધીમાં આ વાઇરસના 8 શંકાસ્પદ કેસોમાંથી 5ની પુષ્ટિ થઈ છે અને એક ડચ મહિલા સહિત કુલ 3 લોકોના મોત થયા છે. આ જહાજ પર 28 દેશોના લગભગ 150 લોકો સવાર હતા, જેમાં સૌથી વધુ ફિલિપાઇન્સ, બ્રિટન અને અમેરિકાના નાગરિકો છે.

જાણો WHOએ શું સ્પષ્ટતા કરી? 

WHOના નિષ્ણાત મારિયા વેન કેરખોવે જણાવ્યું કે આ સ્થિતિ કોવિડ-19 જેવી નથી. આ વાઇરસ 'નિકટના સંપર્ક' દ્વારા ફેલાય છે અને અધિકારીઓએ જહાજ પર તમામને માસ્ક પહેરવા આદેશ આપ્યો છે. સામાન્ય રીતે આ વાઇરસ ઉંદરોથી ફેલાય છે, પરંતુ આ પ્રકોપમાં પ્રથમવાર માનવ-થી-માનવ સંક્રમણની આશંકા સેવાઈ રહી છે. હાલમાં જહાજ પરથી ઉતરેલા અન્ય મુસાફરોની શોધખોળ તેજ કરવામાં આવી છે.

હેન્ટા વાઇરસ શું છે અને તે કેવી રીતે ફેલાય છે?

હેન્ટા વાઇરસ ઉંદર દ્વારા ફેલાતો વાઇરસ છે. ડૉ. નવીન કુમારના જણાવ્યા અનુસાર ઉંદરની લાળ, પેશાબ અથવા મળના સંપર્કથી માણસમાં આ વાઇરસ પ્રવેશે છે. ગોદામો, જહાજો કે જૂના સ્ટોરેજ એરિયા જેવી બંધ અને ઓછી હવા ઉજાસવાળી જગ્યાએ ઉંદરના મળ-મૂત્રના સૂકાયેલા કણો હવામાં ભળે છે, જે શ્વાસમાં જવાથી વ્યક્તિ સંક્રમિત થાય છે. સૌથી મહત્ત્વની વાત એ છે કે, હેન્ટાવાઇરસ કોવિડની જેમ માણસથી માણસમાં સરળતાથી ફેલાતો નથી. એશિયા અને યુરોપમાં જોવા મળતા હેન્ટાવાઇરસના સ્ટ્રેઇન્સમાં માનવ-થી-માનવ સંક્રમણ અત્યંત દુર્લભ છે.

ભારતમાં હેન્ટાવાઇરસનો કેટલો ખતરો? બે ભારતીયો પણ ક્રૂઝ પર હોવાના અહેવાલ બાદ NIV ચીફે આપી રાહત 2 - image

લક્ષણો અને રોગની ઓળખ

હેન્ટાવાઇરસના લક્ષણો સંસર્ગના 1થી 5 અઠવાડિયા પછી દેખાય છે. શરૂઆતમાં તે ફ્લૂ, ડેન્ગ્યુ કે શ્વાસની બીમારી જેવા લાગે છે

અચાનક તાવ અને માથાનો દુખાવો.

શરીરમાં અસહ્ય દુખાવો અને થાક.

ઉલટી, ઉબકા અને પેટમાં દુખાવો.

ગંભીર કિસ્સામાં શ્વાસ લેવામાં તકલીફ અને કિડની પર અસર (પેશાબ ઓછો આવવો).

ભારતની તૈયારીઓ કેવી છે?

ડૉ. નવીન કુમારે ખાતરી આપી છે કે ભારત પાસે આ વાઇરસના નિદાન માટે પૂરતી ક્ષમતા છે. ICMR-NIV અને દેશભરમાં ફેલાયેલી 165 વાયરલ રિસર્ચ ઍન્ડ ડાયગ્નોસ્ટિક લેબ્સ(VRDL)માં RT-PCR સુવિધા ઉપલબ્ધ છે. શંકાસ્પદ કેસોની તપાસ કરીને પુષ્ટિ કરવાની ક્ષમતા ભારત પાસે અત્યારે છે. 

ભવિષ્યનું જોખમ: ક્લાઇમેટ ચેન્જ અને શહેરીકરણ

નિષ્ણાતોએ ચેતવણી આપી છે કે, પર્યાવરણમાં આવતા ફેરફારો ભવિષ્યમાં આવા રોગો વધારી શકે છે. ભારે વરસાદ અને પૂરને કારણે ઉંદરો માનવ વસાહતો તરફ ખસે છે, જેનાથી સંક્રમણનું જોખમ વધે છે. નબળું વેસ્ટ મેનેજમેન્ટ અને આડેધડ શહેરીકરણ પણ ઉંદરોની સંખ્યા વધારવામાં મદદરૂપ થાય છે. અત્યારે ગભરાવાની જરૂર નથી, પરંતુ સતર્કતા રાખવી જરૂરી છે. સ્વાસ્થ્ય અધિકારીઓ પરિસ્થિતિ પર નજર રાખી રહ્યા છે.

બચાવના ઉપાયો

જહાજો, ગોદામો અને સ્ટોરેજ એરિયામાં સ્વચ્છતા જાળવો.

ઉંદરોના રહેઠાણવાળી જગ્યાઓ પર જતાં ટાળવું અથવા યોગ્ય માસ્ક પહેરવો.

ઘર અને આસપાસ ઉંદરો ન થાય તે માટે કચરાનો યોગ્ય નિકાલ કરવો.