Get The App

ગુજરાત ATS અને રાજસ્થાન પોલીસનું મેગા ઓપરેશન, ભીવાડીમાં ડ્રગ્સ ફેક્ટરીનો પર્દાફાશ

Updated: Dec 29th, 2025

GS TEAM

Google News
Google News
ગુજરાત ATS અને રાજસ્થાન પોલીસનું મેગા ઓપરેશન, ભીવાડીમાં ડ્રગ્સ ફેક્ટરીનો પર્દાફાશ 1 - image

Drug Factory In Rajasthan: ગુજરાત ATS એ નશાના કાળા કારોબાર વિરુદ્ધ વધુ એક મોટી સફળતા મેળવી છે. ગુજરાત ATS અને રાજસ્થાન પોલીસના SOGએ એક સંયુક્ત ઓપરેશન હાથ ધરીને રાજસ્થાનના ખેરથલ જિલ્લાના ભીવાડી ખાતે ચાલતી એક ગેરકાયદે ડ્રગ્સ ફેક્ટરી ઝડપી પાડી છે. 28મી ડિસેમ્બર 2025ના રોજ પાડવામાં આવેલા આ દરોડામાં કરોડોની કિંમતનો નશાકારક પદાર્થ અને કેમિકલનો જથ્થો જપ્ત કરવામાં આવ્યો છે.

ફેક્ટરી ડ્રગ્સનું ઉત્પાદન!

મળતી માહિતી અનુસાર, ભીવાડીના RIICO ઇન્ડસ્ટ્રીયલ એરિયામાં આવેલી APL Pharma નામની કંપનીમાં નશાકારક પદાર્થોનું ઉત્પાદન કરવામાં આવતું હતું. બાતમીના આધારે ગુજરાત ATS અને રાજસ્થાન પોલીસે આ ફેક્ટરી પર રેડ કરી હતી. તપાસ દરમિયાન ફેક્ટરીમાંથી કુલ 22 કિલોગ્રામ નશીલા પદાર્થોનો જથ્થો મળી આવ્યો હતો, જેમાં 5 કિલો અલ્ટ્રાઝોલમ અને 17 કિલો પ્રાઝેપામ તથા ટેમાઝેપમનું મિશ્રણ સામેલ છે. ડ્રગ્સ બનાવવામાં વપરાતા વિવિધ પ્રતિબંધિત કેમિકલ્સ અને સાધનસામગ્રી પણ પોલીસે કબજે કરી છે. આ ફેક્ટરી ઔદ્યોગિક વિસ્તારમાં આવેલી હોવાથી કોઈને શંકા ન જાય તે રીતે ત્યાં ડ્રગ્સનું ઉત્પાદન ચાલતું હતું. આ મામલે ભીવાડી ફેઝ-3 (UIT) સેક્ટર-3 પોલીસ સ્ટેશનમાં NDPS એક્ટ મુજબ ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરવામાં આવી છે.

આ પણ વાંચો: અમદાવાદમાં નકલી નોટોનું મોટું કાવતરું: 17 બેન્કમાંથી પાંચ લાખથી વધુની ફેક કરન્સી જમા થતા ખળભળાટ

આ ઓપરેશનમાં પોલીસે કુલ ત્રણ મુખ્ય આરોપીઓની ધરપકડ કરી છે, જેમાં અંશુલ શાસ્ત્રી, અખિલેશ કુમાર મૌર્ય અને કૃષ્ણકુમાર યાદવનો સમાવેશ થાય છે. આ ઉપરાંત, ફેક્ટરીમાં કામ કરતાં અન્ય ત્રણ શ્રમિકોને પણ અટકાયતમાં લેવામાં આવ્યા છે. પ્રાથમિક તપાસમાં ખુલાસો થયો છે કે અંશુલ શાસ્ત્રી પોતાની 'અંશ ટ્રેડિંગ' નામની કંપની દ્વારા કાચો માલ પૂરો પાડતો હતો, જ્યારે અખિલેશ મોર્ય તેનો ભાગીદાર હતો. ક્રિષ્નાકુમાર યાદવ અલ્ટ્રાઝોલમ બનાવવાની પ્રક્રિયાનો જાણકાર હોવાથી તે ફેક્ટરીમાં ઉત્પાદન સંભાળતો હતો. આ તૈયાર માલ તેઓ સની યાદવ નામના શખસને વેચતા હતા. આ રેકેટમાં અન્ય કેટલા લોકો સામેલ છે અને નાણાકીય વ્યવહારો કેવી રીતે થતા હતા તે અંગે પોલીસ હાલ સઘન પૂછપરછ કરી રહી છે.