યોગ દિવસ પર ભારતમાં બન્યા વર્લ્ડ રૅકોર્ડ, ગિનીઝ બુકમાં નોંધાયું ગુજરાત અને આંધ્ર પ્રદેશનું નામ
Summarized by AI; it may make mistakes. Check important info
Summarized by AI; it may make mistakes. Check important info

Yoga Day 2025: દેશભરમાં આજે શનિવારે (21 જૂન) આંતરરાષ્ટ્રીય યોગ દિવસની ઉજવણી કરવામાં આવી છે, ત્યારે ભારતે યોગ દિવસે વિશેષ પ્રસિદ્ધિ મેળવી છે. જેમાં ગુજરાત અને આંધ્ર પ્રદેશ રાજ્યએ વર્લ્ડ રૅકોર્ડ બનાવીને ગિનીઝ બુકમાં સ્થાન મેળવ્યું છે. ગુજરાતના વડનગરે ગિનીઝ વર્લ્ડ રૅકોર્ડ બનાવ્યો છે. જ્યાં બે હજારથી વધુ લોકોએ 2 મિનિટ 9 સેકન્ડમાં એકસાથે ભુજંગાસન કરીને આ ઉપલબ્ધિ હાંસલ કરી છે. જ્યારે આંધ્ર પ્રદેશે બે ગિનીઝ વર્લ્ડ રૅકોર્ડ બનાવ્યા છે. જ્યાં 3 લાખથી વધુ લોકોએ યોગ કરીને વર્લ્ડ રૅકોર્ડ બનાવ્યો છે. જેમાં 2000 આદિવાસી વિદ્યાર્થીઓએ એકસાથે 108 મિનિટમાં 108 વખત સૂર્યનમસ્કાર કર્યા હતા.

2121 સહભાગીઓએ 2 મિનિટ અને 9 સેકન્ડ માટે યોગ કર્યા
ગિનીઝ વર્લ્ડ રૅકોર્ડ્સના સત્તાવાર નિર્ણાયક રિચર્ડ સ્ટનિંગે જણાવ્યું હતું કે, યોગમાં સૌથી વધુ સંખ્યામાં કોબ્રા પોઝ-ભુજંગાસન કરવાનો રૅકોર્ડ શનિવારે બન્યો હતો. અમે આ રૅકોર્ડ માટે સહભાગીઓની ઓછામાં ઓછી સંખ્યા 250 નક્કી કરી હતી. જેમાં તેઓને ઓછામાં ઓછા એક મિનિટ માટે કોબ્રા પોઝમાં યોગ કરવાનો હતો. લગભગ 2184 લોકોએ તેમાં ભાગ લીધો હતો અને 2121 સહભાગીઓએ 2 મિનિટ અને 9 સેકન્ડ માટે યોગ કર્યા હતા.
ગુજરાત માટે ગર્વની ક્ષણ
રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે પોતાના સોશિયલ મીડિયા માધ્યમ 'X'પર પોસ્ટ કરીને લખ્યું હતું કે, 'અધ્યાત્મ, કળા અને સંસ્કૃતિનો અદ્ભુત સંગમ ધરાવતી પાવન ભૂમિ વડનગર ખાતે આજે 11મા આંતરરાષ્ટ્રીય યોગ દિવસના રાજ્યકક્ષાના કાર્યક્રમમાં સહભાગી થઈને યોગાભ્યાસ કરવાનો અવસર ખૂબ ઊર્જાદાયી બની રહ્યો. આજના દિવસે 2121 લોકોએ એક સાથે ભુજંગાસન કરીને ગિનીઝ બુક ઑફ વર્લ્ડ રૅકોર્ડમાં સ્થાન મેળવ્યું હતું.'
ઋષિકેશ પટેલે આપી પ્રતિક્રિયા
યોગ દિવસે ગુજરાતે વર્લ્ડ રૅકોર્ડ બનાવ્યો છે, ત્યારે ઋષિકેશ પટેલે પ્રતિક્રિયા આપી જણાવ્યું હતું કે, 'આંતરરાષ્ટ્રીય યોગ દિવસ નિમિત્તે 'સ્વસ્થ ગુજરાત, મેદસ્વીતા મુક્ત ગુજરાત' થીમ અંતર્ગત 2000થી વધુ યોગપ્રેમીઓએ ભુજંગાસન કરી વિશ્વવિક્રમ બનાવ્યો છે. આ રેકોર્ડના સાક્ષી બનવાનો અવસર મળ્યો. વડાપ્રધાનની જન્મભૂમિમાંથી આ સિદ્ધિને વર્લ્ડ રૅકોર્ડ બુકમાં નોંધવાની શુભઘડી પ્રાપ્ત થઈ છે. હવે વડનગરનું નામ ઐતિહાસિક નગરીની સાથોસાથ યોગ ક્ષેત્રે બનેલા અતૂટ યોગાભ્યાસથી પણ જાણીતું થયું છે.'
આ પણ વાંચો: જામનગરના ધન્વંતરિ ગ્રાઉન્ડમાં ઇટ્રા દ્વારા આંતરરાષ્ટ્રીય યોગ દિવસની ઉજવણી કરાઈ
આંધ્ર પ્રદેશે બે વર્લ્ડ રૅકોર્ડ બનાવ્યા
આંધ્ર પ્રદેશના મુખ્યમંત્રી ચંદ્રબાબુ નાયડુએ કહ્યું કે, 'આંધ્ર પ્રદેશના વિશાખાપટ્ટનમમાં 3 લાખથી વધુ લોકોએ એક સાથે યોગ કરીને ગિનીઝ વર્લ્ડ રૅકોર્ડ બનાવીને ઇતિહાસ રચ્યો છે. આંધ્ર પ્રદેશે બે ગિનીઝ વર્લ્ડ રૅકોર્ડ પોતાના નામ કર્યા છે. 11મા આંતરરાષ્ટ્રીય યોગ દિવસમાં ભાગ લેવા માટે આંધ્ર પ્રદેશમાં 2.45 લાખથી વધુ લોકોએ રજિસ્ટ્રેશન કરાવ્યું હતું.'








