Get The App

જીએસટીમાં સુધારાથી હવાઈ પ્રવાસ અને ક્રુડ-ગેસના ઉત્પાદન મોંઘા થશે

Updated: Sep 6th, 2025

GS TEAM

Google News
Google News
જીએસટીમાં સુધારાથી હવાઈ પ્રવાસ અને ક્રુડ-ગેસના ઉત્પાદન મોંઘા થશે 1 - image


કેન્દ્રને આવકમાં રૂ.3700 કરોડના નુકસાનનો અંદાજ : એસબીઆઈ

વિમાન પ્રવાસમાં ઈકોનોમિક શ્રેણીમાં ટિકિટો પર પાંચ ટકા જ્યારે બિઝનેસ-ફર્સ્ટ ક્લાસ ટિકિટો પર ૧૮ ટકા જીએસટી

નવી દિલ્હી: જીએસટી પરિષદે જીએસટી ૨.૦ના ભાગરૂપે દરોમાં વ્યાપક સુધારાને મંજૂરી આપી દીધી છે અને ૨૨ સપ્ટેમ્બરથી તેનો અમલ થવાનો છે. આ સુધારાઓના પગલે આગામી સમયમાં ક્રૂડ ઓઈલ અને ગેસના સંશોધન તથા ઉત્પાદન મોંઘા થશે. બીજીબાજુ કેન્દ્ર સરકારને જીએસટીની આવકમાં રૂ. ૩,૭૦૦ કરોડનું નુકસાન થશે તેમ એસબીઆઈના અહેવાલમાં જણાવાયું છે. 

જીએસટીમાં સુધારાના ભાગરૂપે જીએસટી પરિષદે ક્રુડ ઓઈલ અને ગેસના સંશોધન તથા ઉત્પાદનની સેવાઓ પરનો ટેક્સ ૧૨ ટકાથી વધારીને ૧૮ ટકા કરી નાંખ્યો છે. જોકે, તેમાં ઈનપુટ ટેક્સ ક્રેડિટનો લાભ અપાશે. રેટિંગ એજન્સી ઈક્રાના સીનિયર વાઈસ પ્રેસિડેન્ટ પ્રશાંત વશિષ્ઠે કહ્યું કે, જીએસટીમાં વૃદ્ધિથી ક્રૂડ ઓઈલ અને પ્રાકૃતિક ગેસના ઉત્પાદનનો ખર્ચ વધી શકે છે. ક્રુડ ઓઈલ અને પ્રાકૃતિક ગેસ જીએસટીના દાયરાથી બહાર છે, તેથી તેના ઉત્પાદન ખર્ચમાં વૃદ્ધીથી કરોનો બોજ વધશે.

તેમણે ઉમેર્યું કે, એપ્રિલ ૨૦૨૫થી ક્રૂડ ઓઈલ અને ગેસના ભાવ વૈશ્વિક આર્થિક પડકારો અને ઓપેક પ્લસ દેશો દ્વારા ઉત્પાદનમાં કાપના કારણે ઘટી ગયા છે. નીચા માર્જિનમાં ઘટાડા પછી ઉત્પાદનના ખર્ચમાં વધારો ઉદ્યોગ માટે ડબલ ફટકો સાબિત થશે.

વિમાન પ્રવાસીઓના પ્રીમિયમ, બિઝનેસ અને ફર્સ્ટ ક્લાસ ટિકિટો મોંઘી થશે. કારણ કે આ શ્રેણીઓમાં ઊંચા જીએસટી દર લાગુ થશે. નોન-ઈકોનોમિક શ્રેણીની ટિકિટો પર જીએસટીનો દર વર્તમાન ૧૨ ટકાથી વધારીને ૧૮ ટકા કરી દેવાયો છે. 

સૂત્રોએ જણાવ્યું કે, જીએસટી પરિષદે સ્પષ્ટ કરી દીધું છે કે વિમાન પ્રવાસ ઈકોનોમિક ક્લાસમાં કરાય તો જીએસટીનો દર ૫ ટકા રહેશે જ્યારે અન્ય વર્ગોમાં જીએસટીનો દર ૧૮ ટકા રહેશે.

દરમિયાન સ્ટેટ બેન્ક ઓફ ઈન્ડિયાના એક સંશોધન અહેવાલમાં જણાવાયું છે કે જીએસટીમાં સુધારાથી કેન્દ્ર સરકારને વાર્ષિક આવકમાં લઘુત્તમ રૂ. ૩,૭૦૦ કરોડનું નુકસાન થઈ શકે છે. સરકારના અંદાજ મુજબ જીએસટીના દરોને તર્ક સંગત બનાવતા તેના પર વાર્ષિક રૂ. ૪૮,૦૦૦ કરોડનો બોજ પડશે. એસબીઆઈના અહેવાલ મુજબ જીએસટીના દરોમાં સુધારાથી વૃદ્ધી અને વપરાશને પ્રોત્સાહન મળશે, જેથી સરકારને લઘુત્તમ રૂ. ૩,૭૦૦ કરોડનું નુકસાન જઈ શકે છે. જોકે, રાજકોષિય ખાધમાં કોઈ અસર પડશે નહીં.

- જીએસટી બાદ હવે કેન્દ્ર સરકારની નિકાસકારોને રાહત આપવા તૈયારી

કેન્દ્ર સરકારે જીએસટીના દરોમાં સુધારા મારફત તહેવારોના સમયમાં જનતાને 'દિવાળી ભેટ' આપી છે ત્યારે હવે સરકાર અમેરિકાના નવા ટેરિફના કારણે મુશ્કેલીમાં મુકાયેલા નિકાસકારોને રાહત આપવાની તૈયારી કરી રહી છે. સૂત્રો મુજબ ટ્રમ્પના ૫૦ ટકા ટેરિફથી અસરગ્રસ્ત ઉદ્યોગપતિઓ, વેપારીઓ, વિશેષરૂપે કાપડ ઉદ્યોગ, જેમ્સ અને જ્વેલરી જેવા સેક્ટરોને સહયોગ કરવા માટે ટૂંક સમયમાં જ નવી યોજના લાવી શકે છે. આ પેકેજ નાના નિકાસકારોની મુશ્કેલી ઘટાડવા, નોકરીઓને બચાવવા અને નવા બજારોને શોધવામાં મદદ કરશે. સરકાર આ રાહત પેકેજને કોરોના-૧૯ના સમયે એમએસએમઈને અપાયેલી મદદની જેમ તૈયાર કરી રહી છે. આ સાથે બજેટમાં જાહેર કરાયેલા નિકાસ પ્રમોશન મિશનને પણ ઝડપથી લાગુ કરવાનો પ્રયત્ન થઈ રહ્યો છે, જેથી ભારતનો વૈશ્વિક વેપાર વધુ મજબૂત થઈ શકે.


Tags :