રૂ. 750 કરોડની જીએસટી છેતરપિંડી : ઇડીના ત્રણ રાજ્યોમાં દરોડા
- નકલી ઇનપુટ ટેક્સ ક્રેડિટથી સંબધિત કેસ
- નકલી જીએસટી ચલણ બનાવવાના કેસમાં ઇડીની ઝારખંડ, પ. બંગાળ અને મહારાષ્ટ્રમાં 12 સ્થળોએ તપાસ
નવી દિલ્હી : એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટે ગુરૂવારે ૭૫૦ કરોડ રૂપિયાના નકલી જીએસીટ ચલણ બનાવવાના કેસમાં ઝારખંડ, પશ્ચિમ બંગાળ અને મહારાષ્ટ્રમાં નવેસરથી દરોડા પાડયા હતાં તેમ સત્તાવાર સૂત્રોએ એક નિવેદનમાં જણાવ્યું હતું.
સૂત્રોના જણાવ્યા અનુસાર પ્રિવેન્શન ઓફ મની લોન્ડરિંગ એક્ટ (પીએમએલએ) હેઠળ ત્રણ રાજ્યોના ઓછામાં ઓછા એક ડઝન પરિસરોમાં દરોડા પાડવામાં આવ્યા હતાં.
આ કેસ ઝારખંડમાં નકલી સંસ્થાઓ અને ગેરકાયદે નાણાકીય ચેનલો સાથે જોડાયેલ ૭૫૦ કરોડ રૂપિયાના નકલી ઇનપુટ ટેક્સ ક્રેડિટ (આઇટીસી) બનાવવાથી સંબધિત છે.
આ તપાસ કેસના મુખ્ય માસ્ટરમાઇન્ડ શિવકુમાર દેવડાની ધરપકડથી શરૂ થઇ હતી. સૂત્રોએ જણાવ્યું હતું કે મે, ૨૦૨૫માં તેમની ધરપકડ પછી ગયા મહિને તેમની વિરુદ્ધ ચાર્જશીટ દાખલ કરવામાં આવી હતી.
વર્તમાન તપાસ વિશ્વસનીય પુરાવાને આધારે કરવામાં આવી રહી છે જે અપરાધની આવકને કાયદેસર બનાવવામાં અનેક વ્યકિતઓ અને કંપનીઓની સંડોવણીના સંકેત આપે છે. ઇડીએ આ કેસમાં મેમાં પ્રથમ વખત તપાસ કરી હતી.