India

GST માં ઘટાડાથી અર્થતંત્રમાં 2,00,000 કરોડ રૂપિયા ઠલવાશે, કેન્દ્રીય નાણામંત્રીનો મોટો દાવો

By GS TEAM
18 Sep 20252 mins read
TukuTouch Logo
જીએસટીમાં કરાયેલા ઘટાડાથી અર્થતંત્રમાં બે લાખ કરોડ રૂપિયા ઠલવાશે અને તેના કારણે લોકો પાસે વધુ રોકડ ઉપલબ્ધ બનશે. જો જીએસટીમાં ઘટાડો કરાયો ન હોત તો આ રકમ ટેક્સ ચુકવવામાં જતી રહેતી તેમ કેન્દ્રીય નાણા પ્રધાન નિર્મલા સીતારમણે એક નિવેદનમાં જણાવ્યું છે.

Summarized by AI; it may make mistakes. Check important info

GST માં ઘટાડાથી અર્થતંત્રમાં 2,00,000 કરોડ રૂપિયા ઠલવાશે, કેન્દ્રીય નાણામંત્રીનો મોટો દાવો

- લોકો પાસે વધુ રોકડ ઉપલબ્ધ બનશે : નાણા પ્રધાન

- 22 સપ્ટેમ્બરથી જીએસટીના નવા ઘટાડેલા દરો અમલમાં આવશે : જો કે કેટલીક કંપનીઓએ અત્યારથી જ ભાવ ઘટાડયા

- 22 રાજ્યોને  50 વર્ષની વ્યાજ મુકત લોન હેઠળ અત્યાર સુધીમાં રૂ.3.6 લાખ કરોડ અપાયા 

GST NEWS : જીએસટીમાં કરાયેલા ઘટાડાથી અર્થતંત્રમાં બે લાખ કરોડ રૂપિયા ઠલવાશે અને તેના કારણે લોકો પાસે વધુ રોકડ ઉપલબ્ધ બનશે. જો જીએસટીમાં ઘટાડો કરાયો ન હોત તો આ રકમ ટેક્સ ચુકવવામાં જતી રહેતી તેમ કેન્દ્રીય નાણા પ્રધાન નિર્મલા સીતારમણે એક નિવેદનમાં જણાવ્યું છે.

જીએસટીમાં ઘટાડા અંગે આયોજિત એક કાર્યક્રમને સંબોધતા તેમણે જણાવ્યું હતું કે જીએસટીમાં સુધારા પછી 12 ટકા જીએસટી સ્લેબમાં આવતી 99 ટકા વસ્તુઓ પર પાંચ ટકા ટેકસ લાગશે. 28 ટકા સ્લેબમાં આવતી 90 ટકા વસ્તુઓ 18 ટકા સ્લેબમાં આવી જશે.

તેમણે જણાવ્યું હતું કે નવા જીએસટી માળખામાં ફક્ત બે જ સ્લેબ (5 ટકા અને 18 ટકા) રાખવામાં આવ્યા છે. આ ટેક્સ ઘટાડાને કારણે ભારતીય અર્થતંત્રમાં બે લાખ કરોડ રૂપિયા ઠલવાશે. જેના કારણે લોકો પાસે વધુ રોકડ આવશે.

તેમણે જણાવ્યું હતું કે એફએમસીજી સહિતની કેટલીક કંપનીઓએ સ્વેચ્છાએ 22 સપ્ટેમ્બર પહેલા જ ટેક્સમાં ઘટાડો કરવાનો અમલ શરૂ કરી દીધો છે. ઉલ્લેખનીય છે કે 22 સપ્ટેમ્બરથી જીએસટીના નવા દરો અમલમાં આવવાના છે.

પ્રધાને જણાવ્યું હતું કે જીએસટી આવક 2024-25 માં વધીને 22.08 લાખ કરોડ રૂપિયા થઇ ગઇ છે. જે 2017-18 માં 7.19 લાખ કરોડ રૂપિયા હતી.

નાણા પ્રધાને વધુમાં જણાવ્યું હતું કે 22 રાજ્યોને  50 વર્ષની વ્યાજ મુકત લોન હેઠળ અત્યાર સુધી 3.6 લાખ કરોડ રૂપિયા આપવામાં આવ્યા છે. 

સીઆઇઆઇ જીસીસી બિઝનેસ સમિટને સંબોધતા નિર્મલા સિતારમને જણાવ્યું હતું કે 2024-25 માં ભારતનું મૂડી રોકાણ જીડીપીના 4.1 ટકા થઇ ગયું છે. જે 2013-14 માં જીડીપીના 1.7 ટકા હતું.

કેન્દ્રે જીએસટીના નવા દરોનું નોટિફિકેશન જારી કર્યુ

કેન્દ્ર સરકારે જીએસટીના નવા દર અંગે નોટિફિકેશન જારી કર્યુ હતું. જીએસટીના આ નવા દરો 22 સપ્ટેમ્બરથી અમલમાં આવશે. કેન્દ્રના આ નોટિફિકેશન પછી રાજ્યો પણ જીએસટીના ઘટાડેલા દરો નોટિફિકેશન જારી કરશે. ઉલ્લેખનીય છે કે જીએસટીની આવક કેન્દ્ર અને રાજ્યો વચ્ચે વહેંચવામાં આવે છે. 22 સપ્ટેમ્બર એટલે કે સોમવારથી જીએસટીના બે જ સ્લેબ પાંચ ટકા અને 18 ટકા અમલમાં આવી જશે. અત્યાર સુધી જીએસટીના 5, 12, 18 અને 28 ટકા એમ કુલ ચાર સ્લેબ હતાં.