જીએસટી કલેકશન પાંચ વર્ષમાં બમણું થઈ 22 લાખ કરોડ થયું
- પાંચ વર્ષ અગાઉ રૂ. 11.37 લાખ કલેકશન હતું
- સરેરાશ માસિક જીએસટી કલેકશન પાંચ વર્ષમાં 95,000 કરોડથી વધીને રૂ. 1.84 લાખ કરોડ થયું
- જીએસટી પર 85 ટકા વેપારીઓને વિશ્વાસ, કરદાતાઓની સંખ્યા આઠ વર્ષમાં 65 લાખથી વધી 1.52 કરોડ થઈ
નવી દિલ્હી : ભારતની ગૂડ્સ એન્ડ સર્વિસિઝ ટેક્સ (જીએસટી) ટેક્સ સિસ્ટમે પાંચ વર્ષમાં ટેક્સ કલેકશન બમણુ કર્યુ છે. ૨૦૨૦-૨૧માં ૧૧.૩૭ લાખ કરોડનું જીએસટી કલેકશન ફક્ત પાંચ વર્ષમાં બમણું થઈ રુ. ૨૨.૦૮ લાખ કરોડ થયું છે.. આ કલેકશન બતાવે છે કે તેમા ગયા વર્ષની તુલનાએ ૯.૪ ટકાનો વધારો થયો છે. આમ ૨૦૨૪-૨૫માંર્ે સરેરાશ માસિક જીએસટી કલેકશન રૂ. ૧.૮૪ લાખ કરોડ હતું.
આ પહેલાના નાણાકીય વર્ષમાં સરેરાશ માસિક જીએસટી કલેકશન રુ. ૧.૬૮ લાખ કરોડ અને અગાઉના વર્ષે રૂ. ૧.૫૧ લાખ કરોડ હોવાનું નાણા મંત્રાલયે જણાવ્યું હતું.
પહેલી જુલાઈ ૨૦૧૭ના રોજ લોન્ચ કરવામાં આવેલા જીએસટી કલેકશનને ૩૦ જુન ૨૦૨૫ના રોજ આઠ વર્ષ પૂરા થયા છે અને તે પહેલી જુલાઈના રોજ નવમાં વર્ષમાં પ્રવેશ કરશે. આ ઉપરાંત જીએસટી કર પ્રણાલિમાં નોંધાયેલા ૧.૫૨ કરોડ વેપારીઓ તેના પરનો વિશ્વાસ બતાવે છે. જીએસટીનો પ્રારંભ થયો ત્યારે આ સંખ્યા ૬૫ લાખની હતી.
જીએસટીના અમલીકરણના લીધે કેન્દ્રની આવકમાં નોંધપાત્ર વૃદ્ધિ થઈ છે અને કરઆધાર પણ વિકસ્યો છે. તેના કારણે ભારતની રાજકોષીય સ્થિતિ મજબૂત થઈ છે અને પરોક્ષ વેરા પ્રણાલિ વધારે કાર્યક્ષમ અને પારદર્શક થઈ છે, એમ જીએસટીના આઠ વર્ષ પૂરા થયે સરકારે જાહેર કરેલી સત્તાવાર યાદીમાં જણાવાયું હતું.
આ ઉપરાંત ૨૦૨૩-૨૪માં જીએસટી કલેકશન રુ. ૨૦.૧૮ લાખ કરોડ હતુ અને અગાઉના નાણાકીય વર્ષે રૂ. ૧૮.૦૮ લાખ કરોડ હતું. આ પહેલા ૨૦૨૧-૨૨માં જીએસટી કલેકશન રૂ. ૧૧.૦૭ લાખ કરોડ હતુ અને સરેરાશ માસિક કલેકશન રૂ. ૯૫,૦૦૦ કરોડ હતું.
જીએસટી ૧૭ સ્થાનિક વેરા અને ૧૩ ઉપવેરાને ભેગો કરીને બનાવવામાં આવેલી કરપ્રણાલિ છે. આના કારણે પરોક્ષ વેરાની એકદમ કાર્યક્ષમ અને અસરકારક કાર્યપ્રણાલિ રચાઈ છે. એપ્રિલ ૨૦૨૫માં જીએસટી કલેકશન અત્યાર સુધીનું રેકોર્ડ બ્રેક ૨.૩૭ લાખ કરોડ નોંધાયું હતું, જેના પછી મે ૨૦૨૫માં રૂ. ૨.૦૧ લાખ કરોડ નોંધાયું હતું.